‘વાંચેલું વ્યર્થ જતું નથી’ ઉક્તિને સાકાર કરતું ઉત્તમ ઉદાહરણ
નિરજ ગામીત : સાહિત્ય જગતમાં “ક્રાઇમ એન્ડ પનીશમેન્ટ”નું અલગ જ સ્થાન છે. ૧૮૬૬માં મૂળ રશિયન ભાષામાં આ કૃતિ સૌ પ્રથમ વાર પ્રકાશિત થઇ હતી. ત્યારબાદ વિશ્વની અનેક ભાષાઓમાં આ નવલકથાના અનુવાદ થઇ ચૂક્યા છે. “અણી ચૂક્યો સો વર્ષ જીવે” તે કહેવત આ કૃતિના લેખક ફ્યોદોર દોસ્તોએવ્સ્કીને સાંગોપાંગ લાગુ પડે છે. વાત જાણે એમ છે કે ૧૮૪૯માં રશિયન રાજાએ રાજ્ય સામે પ્રવૃતિ કર્યાના આરોપસર દોસ્તોએવ્સ્કીને ગોળીએ દેવાનો હુકમ કરેલો. આ હુકમની બજવણી હેતુ તમામ તૈયારીઓ થઇ ગઇ હતી પણ ત્યાંજ અચાનક રાજાએ હુકમ ફેરવી નાંખ્યો અને દોસ્તોએવ્સ્કીને આજીવન કારાવાસની નવી સજા ફટકારાઇ.આમ તેમણે સાઇબીરીયામાં આજીવન કારાવાસ ભોગવ્યો અને સાજા ભોગવીને પાછા આવ્યા બાદ તેમણે લેખન કરવા માંડ્યું અને સાહિત્ય જગતમાં ડંકો વગાડી દીધો. આ લેખકની “ક્રાઇમ એન્ડ પનીશમેન્ટ”ના (Crime and Punishment) વાંચનથી ભારતમાં એક સંગીતકારને(Musician) ફાયદો થયો હતો.
મશહૂર દિગ્દર્શક રમેશ સહેગલ ફ્યોદોર દોસ્તોએવ્સ્કીની “ક્રાઇમ એન્ડ પનીશમેન્ટ” પરથી એક હિન્દી ફિલ્મ બનાવવાના હતા. એ ફિલ્મ (Movie) હતી – “ફિર સુબહ આયેગી”(૧૯૫૮) (Phir Subah Ayegi) આ ફિલ્મના ગીતો લખવા સાહિર લુધિયાનવીને કહેવામાં આવ્યું.કાયમની જેમ જ સાહિરે ફિલ્મના સંગીતકાર કોણ છે તે અંગે પૂછપરછ કરી.હિરો રાજ કપૂર હોઇ સ્વાભાવિક છે સંગીતકાર શંકર જયકિશન જ હતા. પણ સાહિરે “ક્રાઇમ એન્ડ પનીશમેન્ટ” કૃતિ જે સંગીતકારે વાંચી હોય.કૃતિને જેણે સમજી હોય તેને ફિલ્મ માટે લેવા સૂચન કર્યું. આ સૂચન કરી સાહિરે “ખય્યામ”નું નામ આગળ કર્યું.(કભી-કભી, ઉમરાવજાન વગેરેમાં ખય્યામનું (Khayyam) સંગીત છે.) આમ પોતાના વાંચનને કારણે ખય્યામજીને એક ફિલ્મ મળી.આ ફિલ્મ બાદ ફિલ્મ જગતમાં તેમણે કાઠુ કાઢ્યું. ફિલ્મ ઉદ્યોગમાં આવુ ભાગ્યે જ બનતું હોય છે.
એક કૃતિ સાથે સંકળાયેલા આ બે પ્રસંગો છે. વાંચન એ કોઇ પણ ક્ષેત્રમાં પ્રવેશવા -ટકવા-વધવા માટે અનિવાર્ય છે.