Alpa shah mumbai Digital Article ડિજિટલ યુગમાં આંધળું અનુકરણ નહીં કરી વાસ્તવિક જીવન જીવવું જોઈએ આપણે કોઈ પ્રખ્યાત પર્સનાલિટીને અનુસરીને જીવન જીવીએ છીએ.
અલ્પા શાહ (મલાડ, મુંબઈ) : બાળક જન્મે ત્યારે એને માતા પિતા શીખવાડે એમ એ શીખે છે. કારણ કે તેનું મન કોરી સ્લેટ જેવું હોય છે એટલે એ અનુકરણ કરે છે. પણ મોટા થયા પછી પણ આપણે બીજાનું અનુકરણ કરીએ છીએ. આપણને આપણી પોતાની ઓળખ બનાવવાનો વિચાર નથી આવતો.
આપણે કોઈ પ્રખ્યાત પર્સનાલિટીને અનુસરીને જીવન જીવીએ છીએ. કોઈ હીરો-હીરોઈન નવી ફેશન કરે તો યુવાનો એના જેવી સ્ટાઈલ કરે. કોઈ ટીકટોક (Tiktok) કે રીલ બનાવે તો બધા પણ એનું અનુકરણ કરી મૂક્યા કરે. આપણે આપણું પોતાનું કેમ નવું ના કરી શકીએ ?
આવું આંધળું અનુકરણ શું કામ ?
આજે વોટ્સએપ ( Whatsapp)અને ફેસબુક (Facebook) પર લોકો એકબીજાને મેસેજ મોકલવામાં આખો દિવસ વીતાવી દે છે. ક્યારેક સારા વિચારોને પોસ્ટ કરીએ તો બરાબર પણ આજે તો જાણે રીતસરની ચડસા ચડસી લાગી હોય એમ બધા એક ગૃપમાંથી બીજા ગૃપમાં મેસેજ મોકલ્યા જ કરે.

એમાં ઘણા ફેક મેસેજ પણ હોય. આટલું તો ઠીક પણ આજે લોકો પોતે શું ખાધું , શું પીધું એના પણ ફોટો મોકલી આપે. જાણે આખી દુનિયામાં મોટું તીર માર્યું હોય. આ બધું કરવાની જાણે પ્રતિયોગીતા લાગી હોય એવું લાગે. એક મોકલે એટલે બીજાને પણ આ બધું કરવાનો પારો ચઢે. આવું આંધળું અનુકરણ શું કામ ?
યુવાવર્ગમાં ઘણી સર્જન શક્તિ છે.
અમુક લોકોને લાગે જાણે કે આના સિવાય બીજું કાંઈ કામ જ નથી.મોબાઈલમાં (Mobile) મેસેજ વાંચવા અને મેસેજ ફોરવર્ડ કરવામાં જ માટે જ જાણે એમનો દિવસ ઊગતો હોય. એ લોકોને પોતાના હરીફ શું કરે છે એ જ જોવું હોય ? બીજાની જિંદગીમાં શું થાય છે એ જોયા વગર પોતાની જિંદગી શણગારી જુવોને.

માનવજીવનમાં કેટલાય કરવા જેવા કામો છે. કોઈના આંસુ લૂછો , કોઈ ગરીબને મદદ કરો , કોઈ ભૂખ્યાને અન્ન આપો. પોતાની કોઈ સર્જન શક્તિ બહાર કાઢો. મેસેજ કોપી પેસ્ટ કર્યા વગર એકબીજાને મદદરૂપ થાય એવા વિચારો શેર કરો. કોઈ અશક્ત કે વૃદ્ધ માણસ આવું કરે તો સમજી શકાય પણ આજનો યુવાવર્ગ જેનામાં ઘણી સર્જન શક્તિ છે એ આવું કરે એ શોભાસ્પદ ન કહી શકાય.
આપણે વાસ્તવિક જીવન જીવવું જોઈએ.
આજનું યુવાધન (Youth) વ્યર્થ પ્રવૃત્તિ કરવામાં પોતાનું જીવન વેડફી રહ્યું છે. પહેલા મોબાઈલ ન હતા તો શું આપણી જિંદગી ચાલતી ન હતી ? આજના માણસોને મોબાઈલ ની એવી લત લાગી ગઈ છે કે જાણે એક પ્રકારનું વ્યસન. બધા એકબીજાને જોઈને આવું અનુકરણ કરે છે.
આ બધામાં સમય બરબાદ કર્યા વગર કરવા જેવા ઘણાં કાર્યો છે એ જીવનમાં કરો. અનુકરણ સારી વસ્તુનું કરો. નાના બચ્ચાઓ આખો દિવસ ગેમ્સ રમવામાં કાઢી નાખે છે. બધાની જિંદગી જાણે મોબાઈલમાં હોય એવું લાગે છે. ઘેટાંના ટોળાની જેમ આંધળું અનુકરણ ના કરતા , આપણે વાસ્તવિક જીવન જીવવું (Real Life) જોઈએ.