Homeકલમકિરણ કાપુરેગાંધી, ટૉલ્સ્ટોયનો યુદ્ધભૂમિનો અનુભવ...

ગાંધી, ટૉલ્સ્ટોયનો યુદ્ધભૂમિનો અનુભવ…

-

કિરણ કાપુરે (ગુજરાતી જાણવા જેવું) : રશિયાએ યુદ્ધની ઘોષણા કરીને યુક્રેન પર ચઢાઈ કરી ચૂક્યું છે અને અમેરિકા સહિત યુરોપિય સંઘના દેશો રશિયા સામે સખ્ત નારાજગી દાખવીને પ્રતિબંધો સુધી મૂકી દીધા છે. આ યુદ્ધથી માર્કેટ ક્રેશ થયું છે અને વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધ પછી સ્થાયી લાગતી શાંતિ ડહોળાઈ છે અને આની અસર પૂરી દુનિયા પર થશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. યુદ્ધની ભયાનકતા હંમેશ રહી છે, પણ આજે તે વિડિયો દ્વારા જોઈ પણ શકાય છે. યુદ્ધની ખુંવારીના અનેક દાખલા મોજૂદ છે, તેમ છતાં રાજકીય નેતાઓ યુદ્ધ ટાળતા નથી. મહદંશે રાજકીય નેતાઓ એવું પણ લોકોમાં ઠસાવી શકે છે કે યુદ્ધ અનિવાર્ય છે. પુતિને પણ આહિસ્તા આહિસ્તા પોતાનું વલણ યુદ્ધ જરૂરી છે તે તરફ લઈ ગયા અને યુક્રેન પર હુમલો બોલી દીધો. જોકે યુદ્ધભૂમિ પર રહીને કેટલાંક મહાનુભાવોને યુદ્ધની નિરર્થકતા અનુભવાઈ અને તેઓ હંમેશા યુદ્ધ વિરોધી બની રહ્યા.

યુદ્ધવિરોધી રહ્યાં તેમાં પહેલું નામ ગાંધીજીનું મૂકવું રહ્યું. ગાંધીજી જીવનમાં બે વખત જ્યાં યુદ્ધ લડાતું હતું ત્યાં સેવા આપવા અર્થે ગયા હતા. ગાંધીજી જેવો યુદ્ધનો અનુભવ ભાગ્યે જ કોઈ ભારતીય આગેવાને મેળવ્યો હશે. તેમણે આ બંને યુદ્ધો દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન જોયા હતા. તેમાં એક હતી બોઅરની લડાઈ અને બીજો ઝૂલુનું બળવો. બોઅર એટલે ડચવાસી. બોઅરોને દક્ષિણ આફ્રિકામાં સત્તા અર્થે અંગ્રેજો સામે લડવાનું થયું અને તેમની વચ્ચે જગપ્રસિદ્ધ બોઅર લડાઈ 1899થી 1902 સુધી ચાલી. આ લડાઈમાં ગાંધીજીએ અને અન્ય હિંદીઓ સેવા અર્થે ભાગ લીધો હતો. તેનો અનુભવ તેમણે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પુસ્તકમાં નોંધ્યો છે. તેઓ લખે છે : “અમારે તોપ કે બંદૂકના અંદર કામ કરવાનું ન હતું. એનો અર્થ એ થયો કે લડાઈના ક્ષેત્રમાં જે સિપાઈ ઘવાયા તેને ફોજની સાથે રહેનારી કરનારી કાયમી ટુકડી ઉપાડી જાય અને લશ્કરની પછાડી મૂકે. …લડાઈ એવા મુલકમાં ચાલી રહી હતી કે જ્યાં રણક્ષેત્ર અને મથકની વચ્ચે પાકા રસ્તાઓ પણ નહીં. તેથી ઘોડાગાડી વગેરે વાહનોમાંથી ઘવાયેલા માણસોને લઈ જવાનું અશક્ય. મથક હંમેશાં કોઈ પણ રેલવે સ્ટેશનની પાસે રાખેલું હોય. અને તે રણક્ષેત્રથી સાત આઠ માઈલથી પચીસ માઈલ સુધી પણ દૂર હોય.”

કિરણ કાપુરે – ગાંધી ટૉલ્સ્ટોયનો યુદ્ધભૂમિનો અનુભવ – ગુજરાતી જાણવા જેવું

કિરણ કાપુરેના લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

યુદ્ધની પૂરેપૂરી સ્થિતિનું વર્ણન એક વ્યક્તિ ન કરી શકે, કારણ કે યુદ્ધ જે રીતે ચાલતું હોય તેમાં એક વ્યક્તિ જે જુએ તેમાં વ્યક્તિની મૂવમેન્ટની મર્યાદા તો આવી જાય. ગાંધીજીએ પોતાના આ અનુભવમાં આગળ લખે છે : “સાત આઠ માઈલ સુધી જખમીઓને ઉપાડી જવા એ તો સહજ હતું. પણ પચીસ માઈલ સુધી અને તે પણ ભયંકર જખમ ખાધેલા સિપાઈઓ અને અમલદારોને ઊંચકી જવાના. રસ્તામાં તેઓને દવા દેવી, કૂચ સવારે આઠ વાગ્યે શરૂ થાય અને સાંજના પાંચ વાગ્યે તો મથક ઉપર પહોંચવાનું. આ ઘણું આકરું કામ ગણાય. એક જ દિવસમાં પચીસ માઈલનો પંથ ઘાયલને ઊંચકીને કરવાનું તો એક જ વખત આવેલું. વળી આરંભમાં હાર ઉપર હાર થતી ગઈ અને જખમીઓ ઘણા વધી પડ્યા તેથી ગોળાની હદમાં અમને નહીં લઈ જવાનો વિચાર પણ અમલદારોએ માંડી વાળવો પડ્યો હતો. …પણ જ્યારે આવો પ્રસંગ આવ્યો ત્યારે અમને કહી દેવામાં આવ્યું હતું કે, ‘તમારી સાથેની શરત પ્રમાણે તમારા ઉપર ગોળા પડે એવા જોખમમાં તમને મૂકવા નથી, તેથી જો તમે એ જોખમમાં ન પડવા ઈચ્છો તો તમને તેવી ફરજ પાડવાનો જનરલ બુલરનો(આગેવાની કરી રહેલા સૈન્ય અધિકારી) મુદ્દલ વિચાર નથી. પણ જો તમે એ જોખમ ઉપાડો તો સરકાર જરૂર તમારો ઉપકાર માનશે.’” ગાંધીજી પછી લખે છે : “અમે તો જોખમ ઉપાડવા ઇચ્છતા જ હતા. બહાર રહેવું એ અમને ગમેલું જ નહીં, તેથી આ પ્રસંગને બધાએ વધાવી લીધો.” દક્ષિણ આફ્રિકામાં જ્યારે ગાંધીજીએ આ યુદ્ધમાં ભાગ લીધો ત્યારે તેમની ઉંમર ત્રીસની આસપાસની હતી. તેઓ યુવાન હતા અને તેમણે યુદ્ધને પ્રત્યક્ષ અનુભવ્યું હતું. જોકે તેમને આ જ યુદ્ધમાં તેની નિરર્થકતા પણ સમજાઈ હતી અને તેનો ઉલ્લેખ તેમના યુદ્ધ વિશેના વિચારોમાં દરેક ઠેકાણે જોવા મળ્યો છે.

પુસ્તક પરિચય: ગાંધીના હસ્તે લખાયેલાં 40 ચરિત્રો

જમશેદજી તાતા: સદીના અગ્રગણ્ય દાનવીર !

તે પછી દક્ષિણ આફ્રિકામાં જ ઝૂલું બંડ વખતે પણ ગાંધીજી વીસપચીસની ટુકડી ઊભી કરીને ફોજ સાથે જોડાયા હતા. આમ તો ગાંધીજી અને અન્ય હિંદીઓ અંગ્રેજો વતી યુદ્ધમાં ગયા હતા પણ યુદ્ધભૂમિ પર તેમણે ઝૂલુઓની સેવા કરવામાં જરાસરખો પણ ભેદભાવ ન રાખ્યો. ઝૂલુ આફ્રિકાવાસી હતા અને તેઓ અંગ્રેજો સામે પડ્યા હતા. આ યુદ્ધના અનુભવ વિશે ગાંધી લખે છે : “અમારા હાથમાં જે કામ આવ્યું તેને સારુ મેં હમેશાં ઈશ્વરનો અનુગ્રહ માનેલો છે. જે હબસીઓ જખમી થતા તેમને અમે ઉપાડીએ તો જ તે ઊપડે, નહીં તો એમ ને એમ રિબાય એ મેં અનુભવ્યું. આ જખમીઓના જખમની સારવાર કરવામાં કોઈ પણ ગોરાઓ સહાય થાય જ નહીં. …જખમીઓને ઊંચકીને ઇસ્પિતાલમાં આવ્યા પછી તેમની સારવાર કરવી એ અમારા ક્ષેત્રની બહાર હતું. …કેટલાંક હબસીઓના જખમ પાંચ પાંચ છ છ દિવસ થયાં દુરસ્ત કરવામાં આવ્યા જ ન હતા,  તેથી વાસ મારતા હતા. એ બધા સાફ કરવાનું અમારે માથે આવ્યું. હબસીઓ અમારી સાથે બોલી તો શું જ શકે? હબસીઓની ચેષ્ટા અને તેઓની આંખો ઉપરથી અમે જોઈ શકતા હતા કે તેઓને મદદ કરવા, કેમ જાણે અમને ઈશ્વરે મોકલ્યા ન હોય, એમ તેઓને લાગતું હતું.”

આ યુદ્ધ પછી જ ગાંધીજીને જીવનના મહત્ત્વના બે વિચારો વિશે સમજણ પાક્કી થઈ. તેઓ લખે છે : “આ ટુકડીના કામને અંગે મારા બે વિચારો, જે મનમાં ધીમે ધીમે પાક્યા કરતા હતા, એ પાકીને ઊતર્યા એમ કહી શકાય. એક તો એ કે સેવાધર્મને પ્રધાનપદ આપનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ અને બીજો સેવાધર્મ કરનારે ગરીબી સદાયને સારુ ધારણ કરવી જોઈએ.” આમ ગાંધીજીના જીવનમાં યુદ્ધના અનુભવથી આ વિચારો પાક્કા થયા. તદ્ઉપરાંત યુદ્ધ પ્રત્યેના વિરોધના વિચારોમાં ઘડાયા તેમાં પણ યુદ્ધમાં પ્રત્યક્ષ ભાગ લેવાનો ઘણો ખરો આધાર હતો.

એ જ રીતે ઓલટાઇમ ગ્રેટેસ્ટ રાઇટર્સમાં સ્થાન પામનાર લિયો ટોલ્સ્ટોય પણ ક્રિમિયન યુદ્ધમાં સામેલ થયા હતા. આ યુદ્ધ પણ યુરોપના કેટલાંક દેશો અને રશિયા વચ્ચે થયું હતું. આ યુદ્ધ 1853થી 1856 દરમિયાન થયું હતું અને તે વખતે લિયો ટોલ્સ્ટોયની ઉંમર પચ્ચીસ વર્ષની હતી. એ યુદ્ધમાં સિલિસ્ટ્રીયાના કિલ્લા પર ઘેરો નાંખવામાં તેઓ રશિયન સૈન્ય વતી સામેલ હતા. ટોલ્સ્ટોયની યુદ્ધમાં સામેલ થયાની વિગત અનેક ઠેકાણે મળે છે, પણ અહીં ટાંકવામાં આવેલો સંદર્ભ ‘મહાત્મા ટોલ્સ્ટોય’ પુસ્તકમાંથી છે. આ પુસ્તક સસ્તુ સાહિત્ય દ્વારા પ્રકાશિત થયું છે અને તેના અનુવાદક ગોવર્ધનદાસ અમીન છે. તેમાં એક આખું પ્રકરણ ક્રિમિયન યુદ્ધ વિશેનું છે. સિલિસ્ટ્રીયાના કિલ્લા પરથી પાછા આવ્યા પછી એક પત્ર ટોલ્સ્ટોયે લખ્યો છે જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે, જેમાં તેઓ લખે છે : “સિલિસ્ટ્રીયાનો મુખ્ય ગઢ અને ચારેતરફના નાના કિલ્લા પણ સપાટી પર ઊભા હોય તેવા દેખાતા હતા. રાતદિવસ તોપોનો ઘનઘોર અવાજ અને બંદૂકોનો કડકડાટ કાન પર અસ્ખલિત અથડાયા કરતો. રાતના સમયે અમારા સિપાઈઓ ખાઈઓ ખોદવાનું કામ કરતા અને તેજ વખતે તુર્કી સિપાઈઓ બંદૂકો સહ તેમના પર ધસી આવતા. પહેલી જ રાતરે વિલક્ષણ કડકડાથી હું ચમકી જાગી ઊઠ્યો. મને લાગ્યું કે મોટો હલ્લો શરૂ થયો.” યુદ્ધ પ્રત્યક્ષ જોવું હતું તે આશાએ ટોલ્સ્ટોયે ક્રિમિયાના યુદ્ધમાં બદલી માંગી હતી. જોકે તેઓ અન્ય એક કારણ પણ જણાવે છે જે કારણે તે યુદ્ધમાં સામેલ થયા હતા અને તે છે ‘દેશાભિમાનના જુસ્સામાં સપડાવવાનું’.

આ અનુભવથી જ ટોલ્સ્ટોયના વિચારો ધરમૂળમાંથી બદલાયા અને તે પછી તેમણે યુદ્ધ આધારીત ‘વોર એન્ડ પીસ’ નામનું અતિપ્રસિદ્ધ પુસ્તક લખ્યું. ટોલ્સ્ટોયનો યુદ્ધ અંગેના મત ‘મહાત્મા ટોલ્સ્ટોય’ પુસ્તકમાં આગળ ટાંકવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે, “સામાન્ય જનસમાજ સ્વાર્થને ખાતરજ દેશાભિમાન ભાવનાને વશ વર્તે એમ હોય છે, ત્યાંજ નેપોલિયન જેવી એકાદ મહત્ત્વકાંક્ષી વ્યક્તિ ગમે તેવું વર્તન કરવામાં ફાવે છે. બાકી સૈનિકો તૈયાર કરવા, દારૂગોળો વગેરે યુદ્ધોપયોગી સાહિત્ય એકઠું કરવું, એ વાતો તો મૂળમાંથી જ અત્યંત અનીતિમય છે. એ તત્ત્વ સામાન્ય જનસામના મનમાં દૃઢ થાય તો નેપોલિયન જેવી એક બે વ્યક્તિઓને વખતોવખત પાંચપાંચ રાષ્ટ્રમાં યુદ્ધાગ્નિ ભડકાવવાનો અવકાશ મળે નહીં.” તેનો ઉકેલ પણ તેઓ આપતાં લખે છે : “જે સરકાર પાડોશી સાથે પ્રામાણિકપણે, સમાનબુદ્ધિથી અન ઉદારતાથી ચાલે નહીં, તેવી સરકારને ટકવા જ ન દે. એવો નિશ્ચય પ્રજાઓ જ્યારે કરશે ત્યારેજ ભાવિ યુદ્ધો જગતમાંથી દૂર થશે.”

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...