વીરપુર : વીરપુરના પીઠડિયા ટોલ નાકા પાસે ગઈકાલે માથાકૂટ થતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટોલ નાકા પાસે પાણી વેચવા જેવી સામાન્ય બાબતે થયેલી બબાલ મારામારી સુધી પહોંચી હતી. ખાણીપીણી વેચી રહેલા ફેરીયા વચ્ચે આ મારામારી થઈ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં લોખંડની પ્લેટ વડે હુમલો કરતા એખ ફેરીયાને માથાના ભાગે ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 28 જૂન વીરપુર Virpur પાસે આવેલા પીઠડિયા ટોલ નાકા (Pithadiya Toll Gate) પાસે ખાણીપીણી વેચતા ફેરીયાઓ બાખડી પડ્યા હતા. જેમાંનો એક પપ્પુ બારૈયાને એક મહિના અગાઉ ગૌરીબેન કોળી નામની મહિલા સાથે પાણી વેચાણ કરવા મામલે રકઝક થઈ હતી. જે બાદ બંને ફરીથી રકઝક ભૂલી પોતાના કામે વળગી ગયા હતા.

ગતરોજ તારીખ 28 જૂનના રોજ જ્યાર પપ્પુભાઈ ટોલનાકા પાસે ફેર કરી રહ્યા હતા ત્યારે ગૌરીબેનનો પુત્ર અર્જૂન ત્યાં આવ્યો હતો. અર્જૂને ત્યાં આવી લોખંડની પ્લેટ પપ્પુભાઈના માથામાં મારી દિધી હતી. જેના કારણે પપ્પુભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છતાં અર્જૂને મારવાનું ચાલુ રાખતા અન્ય ફેરયીઓ વચ્ચે પડતા અર્જૂન નાસી ગયો હતો. માથાના ભાગેથી વધારે લોહી વહી જતા ગંભીર હાલતમાં પપ્પુભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી હેમરેજ હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા વિડીયો વાયરલ થયો હતો. જ મામલે વીરપુર પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ પપ્પુભાઈની પત્નીની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી અર્જૂન પર આઈ.પી.સી. કલમ 232, 325 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.