Vijay B. Paregi (Madka) વિજય બી.પારેગી (માડકા) : ઇસ્વીસન પૂર્વેની છેલ્લી શતાબ્દીમાં રોમનોએ પૂર્વ પર વિજય મેળવ્યો અને અંશતઃ અત્યારથી જ આ સર્વોચ્ચ અને મહાન સામ્રાજ્યના પતનની શરૂઆત થઇ હતી. પેલેટાઇન હિલની શાંતિ સમજુતી જે મધ્ય ઈટાલીની ટીબરના મુખ પાસેથી લગભગ સત્તર માઈલ દૂરસ્થ આવી હતી, એના પર વિજય મેળવી રોમનો પશ્ચિમ જગતની મહાશક્તિશાળી જનજાતિ તરીકે ઉભરી આવેલ.
પરંતુ ત્યારે રોમનોની પ્રાચીન અને દ્રઢ એવી સરળ અને સાદી જીવન વ્યવસ્થા પર માઠી અસર પડી અને રોમનો શૃંગાર, વૈભવ, એશ આરામમાં પડી ગયા. એમની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન આવી ગયું. એમનું માનસ બદલાયું. એમની બુદ્ધિ ભ્રમિત બની ગઈ અને ઉદારતા, સૌહર્દતાના સ્થાને તીવ્રતા, હઠતા, ઉગ્રતા અને શઠતા આવી ગયા. ક્ષમાની ભાવના મરી પરવારી અને વેરવૃત્તિ વધી ગઈ.
Learn From History મહાશક્તિશાળી તરીકે ઉભરી આવેલ રોમનોનું પણ પતન થયું

ઓજસ, ધૈર્યતા ચાલ્યાં ગયાં અને કડવાશે સ્થાન લીધું. સભ્યતાની દીપ્તિ આ કારણોને લીધે ઝાંખી પડી ગઈ સમૃદ્ધ અભિજાત વર્ગ અને ગરીબ મધ્યમ વર્ગ વચ્ચે તિરાડ પડી ગઈ. જયારે ટીબેરિયસ ગ્રેકસસનું અવસાન થયું અને નાગરિક યુદ્ધ તથા ક્રાંતિની શરૂઆત થઈ એનું પરિણામ એ આવ્યું કે ગણરાજ્ય વ્યવસ્થાનું પતન થયું અને રાજ્ય શાસન વ્યવસ્થા તથા સરમુખત્યારશાહીની સ્થાપના થઈ. ઈ.સ.પૂર્વે ૧૦૨ થી ૪૪ સુધીનો સમય એ તો રોમનોના અજેય, દુર્દમ, અપરાજીત મહાન યોદ્ધા અને વિચક્ષણ રાજનીતિપટુ એવા જુલિયસ સિઝરનો સમય છે કે જે સમયમાં આ મહાન રણયોદ્ધાએ લડખડાઈ ગયેલ રોમન સામ્રાજ્ય કે જે વિનાશના શિખરે જઈ ઊભું હતું. એને નૂતન જીવન પ્રદાન કર્યું.
રોમનોના ગૌરવને વધાર્યું અને એના પરિણામે લગભગ બસો વર્ષ સુધી રોમનો શાંતિથી જીવી શક્યા. નિ:સંદેહ જુલિયસ સીઝરના આધિપત્ય નીચે રોમનો સુવર્ણ યુગમાં જીવ્યા અને ત્યાર પછી ઈ.સ. ૧૧૭ થી ૧૩૮ની વચ્ચે હાઈડ્રાઇનની બુદ્ધિપૂર્વકની ચાતુરી ભરેલી શાસન વ્યવસ્થાને કારણે સંસ્કૃતિ વિશ્વભરમાં સર્વોચ્ચ સ્થાને ઊંચાઈને આંબી ગયેલ. અલબત્ત આ સમયગાળામાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થઇ ચૂક્યો હતો અને કોન્સ્ટાઈન્ટીન સુધી ઈસુના નવા ધર્મનો પવન ફુંકાઇ ચૂક્યો હતો.
રોમન સામ્રાજ્ય ધર્મને જોયું અને આંશિક શ્રદ્ધા કેળવે આમ તો રોમનોની જીવનશૈલી વૈભવી બની ચૂકી હતી અને આ પ્રજાને કલા અને સાહિત્ય પ્રત્યે ભારે લગાવ હતો. રોમન કલા અને રોમન સાહિત્યથી વિશ્વભરની પ્રજાઓ અંજાઈ ગઈ હતી. પરંતુ અતિશય વૈભવ લાંચરૂશ્વત અને સ્વાર્થવૃત્તિને અનહદ ઉશ્કેરી મૂકી જેના પરિણામે રોમનોનો સર્વનાશ થયો. ઈ.સ.૨૮૪ થી ૩૦૫ના સમયમાં ડાયોકલેટીને એક એવું કદમ ભર્યું કે જેથી રોમન સામ્રાજ્ય બે ભાગમાં વિભક્ત બની ગયો. આ માણસે પશ્ચિમી સભ્યતા સાથે સમાધાનનો માર્ગ અપનાવ્યો પરંતુ ડાયોકલેટિન સ્વયં પૂર્વ પર આધિપત્ય ધરાવતો હતો.
એ પછી ઈ.સ.૩૦૩ મહાન કોન્સ્ટાઈન્ટીન દ્વારા રાજધાની બદલાઈ અને ગ્રીક નગર બાયઝેન્ટીયમ કે જેનું નામ કોન્સ્ટેન્ટિનોપલ છે ત્યાં રાજધાની બનાવી. બાયઝેન્ટીયમ સામ્રાજ્યની કથા લાંબી છે, સમૃદ્ધ છે પણ એ પશ્ચિમી સામ્રાજ્ય છે આ વાત કરવાનું સમજયા નહીં જેના પરિણામે રોમનોમાં નિર્બળતા કાયરતા પ્રસરી અને એમની પતનના માર્ગે દોરી ગઈ. ઈ.સ.૪૧૦માં ઉત્તરીય જંગલિયાતથી ભરેલી ખૂંખાર પ્રજાએ ઇટાલી પર આક્રમણ કર્યું અને રોમ જીતી લીધું. આ સમયથી જ રોમન પ્રજા જંગલી, ઝનૂની અને અસંસ્કૃત એવી બાર્બેરિયન પ્રજાનો શિકાર બની ગઈ. બાર્બેરિયનના તીડની માફક ઉભરાતા આક્રમણોની સામે રોમનો ટકી શક્યા નહીં.
એ પછી ઈ.સ.૪૭૬માં રોમન સામ્રાજ્યના છેલ્લા અને અંતિમ શાસક રોમ્યુલસ ઓગસ્ટસે બર્બર સેનાધ્યક્ષ ઓડોકેર સામે ઘૂંટણો ટેકવી દીધા અને રોમન સામ્રાજ્યનો અંત આવ્યો. સામ્રાજ્યો તો સ્થપાય છે, ઉન્નતિ કરે છે અને નાશ પણ પામતાં રહે છે. સત્તાના પરિવર્તનો પણ થતા જ રહે છે, શાસકો બદલાતા રહે છે. પરંતુ એક સર્વોચ્ચ અને વૈભવી, સમૃદ્ધ, સુસભ્ય, સંસ્કૃતિ અને સારીય પ્રજા જ્યારે પૃથ્વીના પડ પરથી ભૂંસાઈ જાય છે એવી ઘટનાના ઇતિહાસ બહુ અલ્પ જોવા મળે છે.
રોમનના પતન પાછળનાં જે પરિબળો કામ કરી ગયા તેમાં મુખ્યત્વે ગણરાજ્ય વ્યવસ્થાના સ્થાને સરમુખત્યારશાહીની સ્થાપના અને ખ્રિસ્તી ધર્માંધતાના સ્વીકારને અપાયેલ મહત્તમ પ્રાધન્યના કારણે જ આવું બન્યું હતું. આપણા દેશે પણ આ ઈતિહાસ બોધથી ચેતવવાની જરુર છે. ભારતના પુરોહિતોમાં મોટા પ્રમાણમાં બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓ હતી.
ભારતનો આધ્યાત્મિક વિકાસ આ લોકોએ જ શરૂ કર્યો હતો અને તેમણે અદભુત પરીણામો હાંસલ કર્યા હતા. પરંતુ એવો સમય આવ્યો કે પુરોહિતોને પ્રથમ પ્રેરણા આપનાર પ્રગતિની આ સ્વતંત્ર ભાવના અદ્રશ્ય થઈ. તેમણે પોતે જ અયોગ્ય રીતે સત્તા અને વિશિષ્ટ હકો ભોગવવાનું શરૂ કરી ધર્મના નામે સામાજિક વ્યવસ્થાનાં બીજ રોપ્યાં. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “ધર્મ કેવળ અજ્ઞાનીઓના હાથમાં જ જઈ પડયો છે” આ અજ્ઞાનીઓના અતિ આચારવાદે હિંદુ પ્રજાને આભડછેટ અને અભડાઈ જવાનું મહાદૂષણ આપ્યું.
અતિરેક ભર્યા આભડછેટીયા નિયમો પાળનારા વધુ પૂજ્ય થયા તેમજ વધુ મહાન ગણાયા. જેમ જેમ માણસ વધુ ને વધુ અસ્પૃશ્યતાનું પાલન કરે, તેમ તેમ તે વધુ પૂજ્ય અને વધુ મહાન થતો ગયો. ગાંધીજીએ પોતાના અક્ષરદેહ ગ્રંથ-૬૪ના પા.નં. ૩૦૯-૧૧ ઉપર નોંધ્યું છે કે, “હિન્દુધર્મને નામે ચાલતા ઘણા વહેમોની મને જાણ નથી એમ કહીને હું તમને છેતરવા નથી ઈચ્છતો. હિન્દુ ધર્મનું લિબાસ પહેરીને મહાલી રહેલા તમામ વહેમોથી હું વાકેફ છું અને મને એનું અતિશય દુઃખ પણ છે.
વહેમને વહેમ કહેતાં મને જરાય સંકોચ થતો નથી. અસ્પૃશ્યતાએ આ વહેમોમાં સૌથી મોટો છે.” સ્વામી વિવેકાનંદે પણ અસ્પૃશ્યતાને માનસિક રોગ ગણાવી ભારતીય ધર્માંધ પ્રજાને ચેતવી હતી. રોમનોની ધર્માંધતા એમના પતનનું મુખ્ય કારણ બની એમ અસ્પૃશ્યતા, અસમાનતા જેવી જડ સામાજિક રૂઢિઓ હિંદુઓના પતનનું કારણ બનશે જ.
કહેવાય છે કે જે પ્રજા પોતાનો કર્તવ્ય ધર્મ ચૂકે છે, જે ધર્મના નામે વૈભવ અને કામલીલામાં ગળાડુબ ખૂંપી જાય છે, જે પ્રજા અંધશ્રદ્ધામય બની જાય છે, જે પ્રજા અમાનવીય નિયમોને સ્થાન આપે છે, જે પ્રજા પોતાની મૂળભૂત દીપ્તિ અને મહિમાવાન ઇતિહાસ પ્રત્યે નજર પણ નાખતી નથી એવી પ્રજાને ઈતિહાસ કદાપિ ક્ષમા આપતો નથી. પૂછે સૌ લોક, કરુણતા દેશની હેં ! તમે કેવા ?