વેરાવળ સમાચાર : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પોલીસ સ્ટેશન (Veraval Police Station)માં વનઅધિકારી RFO હરેશ ગલચર વિરુધ્ધ બળજબરી પૂર્વક અનેક વખત બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રાપાડા (Sutrapada) ની પરણિત મહિલાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે હરેશ ગલચર સહિત ગુનામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર પર પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વેરાવળ SOGની ટીમે ફરાર આરોપી હરેશ ગલચરની ફોરેસ્ટના પડતર ક્વાર્ટરમાં છુપાયો હતો ત્યાંથી ધરપકડ કરી છે.
બનાવની વિગત મુજબ સુત્રાપાડાની એક પરણિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણી કોઈ સબંધીની વનવિભાગના કેસ સબંધિત જામીન માટે જ્યારે કચેરી ખાતે ગઈ હતી ત્યારે RFO (Range Forest Officer) હરેશ ગલચરે નંબર મેળવી ઓળખાણ કરી હતી. બાદમાં સગાને જામીન પર છોડાવી દેવાની વાત કહી શારીરિક સબંધ બનાવ્યા હતા. આરોપી હરેશ ગલચર દ્વારા તેણી સાથે 25 કરતા વધારે વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મહિલાના આક્ષેપ છે કે આરોપી હરેશે તેણીની પુત્રી અને પતિની હત્યાની ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો.
વધુ વાંચો- વિધિથી ડબલ રૂપિયા કરતી ટોળકી પકડી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો કારસ્તાનનો પર્દાફાશ

હરેશ ગલચર પર બળાત્કાર ગુજારવાનો આરોપ છે ત્યારે તેણીને મુકવા લેવા માટે જવા માટે બે આરોપી દાનીશ પંજા અને રાજ ગલચર જતા હતા તેવો આરોપ છે. પોલીસે બળાત્કારના ગુનામાં મદદગારી સબબ બંને આરોપી વિરૂધ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગીરસોમનાથ SOGની ટીમે આરોપી હરેશ ગલચરને વેરાવળ ફોરેસ્ટના એક પડતર ક્વાર્ટરમાં છુપાયો હતો ત્યાંથી ધરપકડ કરી છે. વેરાવળ પોલીસે પરણિતાની ફરિયાદના આધારે આઈપીસી કલમ 376, 506(2), સહિત ની કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.