Vadodara City News વડોદરા : વડોદરાના વોઘોડિયા પાસે ડમ્પરે ટુ-વ્હિલરને અડફેટ લેતા વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. વિદ્યાર્થીની સહિતના 3 વિદ્યાર્થીને પૂરપાટ ગતિથી પસાર થઈ રહેલા ડમ્પરે અડફેટ લીધા હોવાની માહિત મળી રહી છે. ત્રણેય વિદ્યાર્થી એક્ટિવા લઈ પરીક્ષા આપવા માટે જઈ રહ્યાં હતા દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. એક્ટિવા સવાર વિદ્યાર્થીનીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે વિદ્યાર્થી ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પવનપુત્ર બંગલો વલસાડની વતની ઈશા નરેન્દ્રભાઈ રાણા નામની વિદ્યાર્થીની વડોદરા ખાતેની ખાનગી કોલેજમાં એરોનોટિકલ વિભાગમાં અભ્યાસ કરતી હતી. ઈશા આજે સવારે પોતાના સહપાઠી વિદ્યાર્થી વાજીદ અલી શેખ અને ખુશી અમરીશસિંહ વિહોલ સાથે પરીક્ષા આપવા માટે કોલેજ જવા એક્ટિવા પર નિકળ્યા હતા. દરમિયાન અલવા ગામ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા.
બેફામ ડમ્પરે આશાસ્પદ વિદ્યાર્થીને અડફેટ લીધા 1 વિદ્યાર્થીનીનું મૃત્યુ: વડોદરા – Vadodara City news
ડમ્પરે અડફેટે લેતાં એક્ટિવાસવાર સહિત ત્રણેય ડમ્પરના પાછળના વ્હીલમાં બંને વિદ્યાર્થિની ફસાઈ ગઇ હતી અને એક્ટિવાચાલક વિદ્યાર્થીનો પગ પણ વ્હીલમાં જતો રહ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઈશા રાણાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. સ્થાનિકોને ઘટનાની જાણ થતા જ ટોળા ઉમટી પડ્યા હતા અને ત્રણેય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ડમ્પરના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ઈશા રાણા અને તેની બહેન પાયલ વડોદરાના વઘાડિયા રોડ પર ઉમા ચાર રસ્તા નજીક પેઈંગગેસ્ટ તરીકે રહેતી હતી. મૃતકની બહેન પણ વડોદરામાં અભ્યાસ કરે છે.