Two and half-year-old-girl pierced with hot iron in name of pneumonia treatment.
Rajasthan: વિજ્ઞાન આજે આકાશ સુધી પહોંચી ગયું છે પણ છતાં કેટલાક લોકો અંધશ્રધ્ધાની જાળમાં ફસાઈ છે. પરિણામે લોકો ક્યારેક આર્થિક નૂકશાની તો ક્યારેક શારીરીક નુકશાનીના ભોગ બને છે. એટલી ગંભીર હદે કે જીવ ગુમાવવા સુધીની નોબત આવી જતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાળકીના શરીરમાં તાંત્રિકે ગરમ સળીયા ખુંપાવ્યા છે.
રાજસ્થાનના ભીલવાડામાં એક તાંત્રિકે બાળકીના શરીરમાં ગરમ સળીયા ખુંપાવ્યાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. અહેવાલ મુજબ આ તાંત્રિકે અઢી વર્ષની કુમળી બાળકીની ન્યુમોનિયાની સારવારના નામે બાળકીના શરીરમાં ગરમ સળિયા ખુંપાવી દીધા.
પીડિતા બાળકીની સ્થિતિ ગંભીર થતા તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ બાળકીની સ્થિતી ખુબ જ નાજૂક હોવાના અહેવાલ છે. બાળકીના પિતાએ જણાવ્યું કે બાળકી બીમાર થઇ ગઈ હતી તો તે તેને કાલેડા ગામ લઇ ગયો હતો. જ્યાં એક અજ્ઞાત તાંત્રિકે તેને ગરમ સળિયાથી ડામ આપ્યા હતા.
ગરમ સળીયા શરીરમાં ખુંપાવતા બાળકીની તબિયત નાજૂક છે. સારવાર કરી રહેલા ડોકટર જણાવે છે કે બાળકીના પરિવારના જણાવ્યા પ્રમાણે તેને ગરમ સળીયાના ડામ આપવામાં આવ્યા છે. બાળકીના શરીર પર ગંભીર દાઝવાના નીશાન પણ જોવા મળે છે. સ્થાનિક તાંત્રિકે આ ડામ દિધા હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. હાલ સારવાર ચાલુ છે અને બાળકીની સ્થિતી નાજૂક છે. આ બાબતે પોલીસ અધિકારીઓને માહિતી આપી દેવામાં આવી છે જેઓ આગળ કાર્યવાહી કરશે.
ભીલવાડાના માંડલ વિસ્તારના લુહારીયા ગામમાં પણ 2 દિવસ પહેલા જ એક ઘટના નોંધાઈ હતી. જેમાં 5 માસની કુમળી બાળકીના શરીર પર ગરમ સળીયાના ડામ દેવાયા હતા. જેના કારણે બાળકીનું મૃત્યુ થયું હતું. મહત્વની બાબત છે કે ભીલવાડા વિસ્તારમાં જ છેલ્લા અઢી વર્ષમાં 20 થી વધારે કિસ્સા બન્યા છે જેમાં ન્યુમોનિયાની સારવારના નામે શરીર પર ડામ દેવાયા હોય. આ ઘટનાઓમાં કુલ 6 બાળકોના કરૂણ મૃત્યું થયાના પણ અહેવાલો છે.
આ કિસ્સાઓ પર સ્થાનીક પોલીસ તંત્ર કાર્યવાહી કર ઢોંગીઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.