રાજકોટ : સુરતથી રાજકોટ આવેલી ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની બસમાં પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે DCP, ACP સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. મૃતકના ગળા પર ઈજાના નિશાન જોવા મળતા પોલીસે તપાસમાં FSL અને ડોગ સ્કવોડની મદદથી આગળ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત અને અમદાવાદ થઈ રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી પહોંચેલી ક્રિષ્ના ટ્રાવેલ્સમાં પુરૂષનો મૃતદેહ મળ્યો હતો. બસમાંથી નીચે ઉતરતા પેસેન્જરે લોહી દેખાતા ઘટનાની જાણ બસના ડ્રાયવર અને ક્લીનરને કરી હતી. બસની F-3 નંબરની સીટમાં રહેલા પેસેન્જરના મૃતદેહની જાણ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે બી-ડિવિઝન સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બસ સુરતથી વાયા અમદાવાદ થઈ રાજકોટ આવી હતી. બસની સીટમાં પ્રવીણ વાઘેલા ઉંમર 34 જે જામનગરના ભોજાબેડી ગામના વતની હતા તેઓ સવાર હતા. ઘટનાની તપાસ માટે પોલીસે બસ નિકળી અને જ્યાં-જ્યાં ઉભી રહી હોય ત્યાંના CCTV ફૂટેજ મેળવી ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત બસમાં સવાર અન્ય મુસાફરો, ક્લીનર અને ડ્રાયવર સહિતના નિવેદન નોંધવાની તજવીજ ચાલી રહી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકને ગળાના ભાગે ઈજા જોવા મળી છે જેથી હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ હાલ સાયન્ટિફિક રીતે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી આગળની તપાસ કરી હી છે.
વધુ વાંચો- ખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા; મોરબી નગરપાલિકા મોટા અકસ્માતની રાહ જૂએ છે ?
વધુ વાંચો- જેતપુરના રસ્તા પર આખલા યુધ્ધ; તંત્ર નિર્દોષ નાગરિક ભગો બને ત્યારે જાગશે ?