Homeજાણવા જેવુંમહાત્મા ગાંધીજી અને થોરો - મહાન વિભૂતિઓ

મહાત્મા ગાંધીજી અને થોરો – મહાન વિભૂતિઓ

-

ગાંધી અને થોરો – Thoreau to Tolstoy thinkers who helped transform Gandhi to Mahatma

ગાંધીજીના જીવન અને ચિંતન પર ઊંડો પ્રભાવ પાડનાર મહાન સાહિત્યકાર,દાર્શનિક અને પ્રકૃતિવાદી હેનરી થોરો અમેરિકાના મેસેચુસેટ્સ રાજ્યના કોનકોર્ડ  કસબામાં ઈ.સ. ૧૮૧૭માં જન્મ્યા હતા.વિચાર,વાણી અને કર્મમાં એકતા જાળવનાર અમેરિકાના વિરલ સાધુપુરુષોમાં એમની ગણના થાય છે.’સાદું જીવન અને ઉચ્ચ વિચાર’એ થોરોનો જીવનમંત્ર હતો.

Thoreau to Tolstoy thinkers who helped transform Gandhi to Mahatma
Thoreau to Tolstoy thinkers who helped transform Gandhi to Mahatma | image credit :

થોરો ભારતીય સંસ્કૃતિના પરમ ઉપાસક હતા.અમેરિકામાં જન્મ્યા હોવા છતાં એમની રહેણીકરણી અને   આચાર વિચાર આપણને ગંગાકાંઠે મઢુલી બાંધીને વસતા કોઈ ભારતીય સાધુનું સ્મરણ કરાવે છે.થોરોએ હિંદુ ધર્મના ગ્રથોનું ઊંડું અધ્યયન કર્યું હતું.વહેલી સવારે સ્નાનાદિથી પરવારી ગીતાનો પાઠ કરવો એ એમને માટે એક ધર્મકાર્ય થઈ પડ્યું હતું.તે લખે છે :

પ્રાત:કાળે ભગવદગીતાના ભવ્યાદ્દભુત બ્રહમાંડવ્યાપી તત્વજ્ઞાનમાં હું મારી બુદ્ધિને સ્નાન કરાવું છું.

એમના “એ વીક ઓન ધ કોનકોર્ડ એન્ડ મેરીમેક રીવર્સ “ પુસ્તકનું ‘મન્ડે’પ્રકરણ ભારતીય ધર્મગ્રંથોની પ્રશંસાથી ભર્યું છે.પૂર્વના દાર્શનિકોની સ્તુતિ કરતાં તેમાં તે લખે છે :

પૂર્વના દાર્શનિકોની બરાબરી કરી  શકે એવા એક પણ દાર્શનિકને આધુનિક યુરોપે હજી જન્મ આપ્યો નથી.ભગવદગીતાના સર્વસમર્થ દર્શન આગળ આપણો શેક્સપિયર પણ અબોધ બાળક જેવો લાગે છે.

મનુસ્મૃતિ ઉપર તો જાણે થોરો વારી ગયા હોય એમ્લાગે છે.આ સિવાય એમનાં બધાં લખાણોમાં વેદ,ઉપનિષદ,મહાભારત,પુરાણ,હિતોપદેશ,શાન્કુંતલ,કબીર વગેરેના છૂટાછવાયાં અવતરણો અને ઉલ્લેખો ભારતીય ધર્મગ્રંથોની એમના પરની ઊંડી અસરના ઘોતક છે.થોરોના જીવન અને વિચારોમાં સ્પષ્ટપણે દેખાતી આ ભારતીય સંસ્કારિતાને કારણે જ કદાચ કોઈએ,થોરો ભારતને બદલે અમેરિકામાં જન્મ્યા એને ‘ઈશ્વરની ભૌગોલિક ભૂલ’ [God’s Geo-graphical Mistake     ]કહી હશે! થોરોના લખાણોના ઊંડા અભ્યાસી શ્રી વેબ મિલરે જણાવ્યું છે કે, તેમની [થોરોની] ફિલસૂફીની કલ્પનાઓ મોટે ભાગે હિન્દુસ્તાનના સાહિત્યમાંથી નીપજી છે.

Thoreau to Tolstoy thinkers who helped transform Gandhi to Mahatma
Thoreau to Tolstoy thinkers who helped transform Gandhi to Mahatma | image credit :

થોરોના જીવનનું  બીજું તરી આવતું લક્ષણ એ માનવેતર જીવસૃષ્ટિ પ્રત્યેનો એમનો પ્રેમ છે.સંત ફ્રાન્સિસની જેમ થોરો પશુપંખીઓને પોતાના અવિકસિત બંધુજીવો ગણતા અને એમના તરફ ઊંડી સહાનુભૂતિ ધરાવતા હતા.આ સહાનુભૂતિ મારી પાળેલા પશુપંખીઓ માટે જ નહી,જંગલના ભયંકર પ્રાણીઓ માટે પણ હતી.સમગ્ર પ્રાણીસૃષ્ટિ સાથેની થોરોની આ એકાત્મતા એ એમની પૂર્વના ધર્મગ્રંથોની અસરનું પરિણામ છે,એવું અંગ્રેજ સંશોધક રોય વોકરનું  માનવું છે.

થોરોના જીવનનું ધ્યાન ખેચે એવું બીજું એક લક્ષણ તે એમનો નિસર્ગપ્રેમ.પ્રાકૃતિક સૌદર્ય વિષે સ્વાભાવિક આકર્ષણ એમને બાળપણથી જ હતું.એમાં અમેરિકાના પ્રસિદ્ધ પ્રકૃતિવાદી એમર્સનનાં લખાણોએ અસાધારણ વૃદ્ધિ કરી;એટલું જ નહિ,એ લખાણોએ થોરોના જીવનમાં કુદરતમય જીવનની ઝંખના જગાડી.એમર્સનનું ‘નેચર’ પુસ્તક વાંચીને એમાંના સ્વાવલંબન તથા પ્રકૃતિચિંતનથી તથા આત્મવિકાસના વિશદ વિવેચનથી થોરો ખૂબ જ પ્રભાવિત થયા.

જગતમાં ઐક્યની ખામી છે,અને તે વેરવિખેર ઉકરડા જેવું પડ્યું છે.તેનું કારણ એ છે કે મનુષ્ય પોતે પોતાની જોડે વિસંવાદી બન્યો છે…. માટે તમારે તમારું જગત નિર્માણ કરવું.

એમર્સનનાં આ શબ્દોને થોરોમાં ઊંડે ઊંડે પડેલી સાદા ને શ્રમપરાયણ જીવનની ઝંખનાને ચરિતાર્થ કરવાની પ્રેરણા આપી. Thoreau to Tolstoy: thinkers who helped transform Gandhi to Mahatma

પોતાના એક મિત્રની પાસેથી કુહાડી માગી લાવી થોરો વોલ્ડન સરોવરની બાજુના એક જંગલમાં ગયા,સાગના લાકડાં કાપી એક કેબીન બનાવી અને અમેરિકાના સ્વાતંત્ર્યદિને તેમાં રહેવા ગયા.બે વર્ષ ને બે માસ સુધી ત્યાં કુદરતને ખોળે જાતમહેનતથી જીવ્યા.આ એકાંત આરણ્યક-જીવનના પ્રયોગો અને અનુભવો તથા સોળ વર્ષના પોતાના સમગ્ર ચિંતનમનનનું ફળ તે એમનું પ્રસિદ્ધ પુસ્તક ‘વોલ્ડન’.’વોલ્ડન’નાં શબ્દે શબ્દમાં થોરોની અનુભૂતિનો રણકો સંભળાય છે.તેમાં સ્વૈચ્છીક ગરીબાઈ,સાદાઈ,જાતમહેનત અને સંયમ વિશે થોરોએ કાઢેલા ઉદ્દગારો નોંધપાત્ર છે.તે એમના શબ્દોમાં જ જોઈએ:

“સ્વેચ્છિક ગરીબાઈની ઉન્ન્ત ભૂમિ ઉપર ઊભા રહ્યા વગર માનવજીવનનું નિષ્પક્ષ ને વિવેકપૂર્ણ અવલોકન કોઈ ન કરી શકે”[વોલ્ડન પૃ.૧૧]

“જો આપણે સાદાઈ અને શાણપણથી જીવીએ તો આ ધરતી પોતાનો નિર્વાહ કરવો એ કઈ મુસીબત નથી,પણ એક આનંદ્લીલા છે,એમ શ્રદ્ધા તથા અનુભવથી મને પ્રતીતિ થઈ છે”.[વોલ્ડન પૃ ૬૨]

“ઘણાખરા વૈભવો અને જીવનની ઘણી કહેવાતી  સુખસગવડો જરૂરી નથી એટલું જ નહી,પરંતુ માનવજાતની ઉન્નતિને સ્પષ્ટ રીતે નડતરરૂપ છે.”[વોલ્ડન પૃ ૧૧]

“બગીચાના પેલા છોડની પેઠે,ઋષિ પેઠે ગરીબીને કેળવો.શું કપડાં કે શું મિત્રો,નવાં નવાં મેળવવાની બહુ માથાકુટમાં ન  પડો.” [વોલ્ડન પૃ.૨૯૩]

“તપોમય જીવન જ મધુરતમ હોય છે.જીવનનો નિર્થક વ્યય કરવામાંથી તમે બચી જાઓ છો…બિનજરૂરી દોલત બિનજરૂરી વસ્તુઓ ખરીદી શકે છે.આત્માને આવશ્યક એક પણ ચીજ ખરીદવાને પૈસાની જરૂર નથી.”[વોલ્ડન પૃ.૨૯૬]

“બ્રહ્મચર્ય મનુષ્યનો ફુલબહાર છે,અને આપણે જેને પ્રતિભા,વીરતા,પવિત્રતા વગેરે નામે ઓળખીએ છીએ તે તેને પરિણામે નીપજતાં જુદાં જુદાં ફળ છે.જયારે વિશુદ્ધિની નહેર ખુલ્લી થાય છે ત્યારે મનુષ્ય તત્કાળ પરમાત્મા ભણી વહેવા માંડે છે.” [વોલ્ડન પૃ.૨૬૯]

આવાં તો અનેક કીમતી વિચારરત્નો થોરોએ છૂટે હાથે ‘વોલ્ડન’માં વેર્યા છે.એ પુસ્તક બીજા અનેકોની જેમ ગાંધીજીને ખૂબ પ્રેરણાદાયી નીવડેલું એ એમણે સ્વીકારેલી હકીકત છે.ઈ.સ.૧૯૩૦ માં થોરોના અભ્યાસી વેબ મિલરને ગાંધીજીએ કહેલું :

થોરોના લખાણ મેં વાંચ્યાં છે.એમનું ‘વોલ્ડન’[કુદરતને ખોળે]મેં પહેલવહેલું દક્ષિણ આફ્રિકામાં ૧૯૦૬માં વાંચેલું.એમાંના વિચારોની મારા પર ઘણી અસર પડેલી.મેં એમાંના કેટલાકનો અમલ કર્યો અને મારા જે મિત્રો મને હિંદીઓની લડતના કામમાં મદદ કરતા હતા તે સહુને થોરોના લખાણોનો અભ્યાસ કરવાની ભલામણ કરી.

‘વોલ્ડન’ગાંધીજીના હાથમાં આવ્યું એ પૂર્વે ગીતાના પ્રભાવથી એમણે ગરીબી અપનાવી હતી.પરંતુ સ્વૈચ્છિક ગરીબી [ voluntary poverty ] શબ્દ એમણે થોરોના ‘વોલ્ડન’ માંથી લીધો હોવાનો સંભવ છે.

‘વોલ્ડન’કરતાંય ગાંધીજી ઉપર ઊંડો પ્રભાવ પાડનાર તો થોરોનો ‘સવિનય કાનૂનભંગની ફરજ’[ઓન ધ ડ્યુટી ઓફ સિવિલ ડીસઓબીડીયન્સ ] નો નિબંધ હતો.પોતાના જીવનના ઉત્તરાર્ધમાં થોરોએ સત્યાગ્રહનો પ્રયોગ કર્યો હતો.અમેરિકાની પ્રચલિત ગુલામીપ્રથા એમને ક્રૂર અને અન્યાયરૂપ લાગતાં એનો એમણે જોરદાર વિરોધ કર્યો તથા એ પ્રથાને ટેકો આપનાર રાજ્યસત્તા,રાજનીતિજ્ઞો અને ધારા ઘડનારાઓની સખત ઝાટકણી કાઢી.રાજ્યના અન્યાયી કાયદાના સક્રિય વિરોધ રૂપે એમણે રાજ્યને કર ભરવાનું બંધ કર્યું.એમણે કહ્યું: જે રાજ્ય ગુલામો ઉપર સત્તા ધરાવે છે તેને હું મારું રાજ્ય ગણી શકતો નથી.

કર ન ભરવાને કારણે થોરોને જેલમાં જવું પડ્યું.જેલમાં એમના મનમાં જે વિચારો આવ્યા તેનું પરિણામ તે  આ નિબંધ : On the Duty of Civil Disobedience  અથવા કાયદાની સામે થવાની ફરજ.ઈતિહાસકારોનું માનવું છે કે અમેરિકામાં ગુલામી પ્રથા બંધ થવાનાં મુખ્ય કારણોમાં થોરોનું જેલમાં જવું અને જેલમાંથી નીકળ્યા બાદ આ લેખનું પ્રગટ થવું એ બે હતાં.

થોરોનો આ લેખ જગતના બે મહાન સત્યાગ્રહીઓ – ગાંધીજી અને માર્ટીન લ્યુથર કિંગને ભારે પ્રેરણારૂપ નીવડ્યો.ગાંધીજીએ તે પ્રથમ વાર ઈ.સ.૧૯૦૭માં દક્ષિણ આફ્રિકાની જેલમાં વાંચ્યો.શ્રી રિચર્ડ ગ્રેગના કહેવા પ્રમાણે દક્ષિણ આફ્રિકાની લડત ચાલતી હતી ત્યારે આ લેખ તોલ્સ્તોયે બાપુજી પર મોકલી આપ્યો હતો.ગાંધીજીને તે એટલો પ્રેરક અને પ્રતીતિકર લાગ્યો કે દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના પોતાના સાથીઓને સારું એમણે એનો સંક્ષિપ્ત અનુવાદ ‘ઇન્ડિયન ઓપીનીયન’મા બહાર પાડ્યો.દક્ષિણ આફ્રિકાની પોતાની હિલચાલને માટે ‘પેસીવ રેઝીસ્ટન્સ’ ને બદલે ‘સત્યાગ્રહ’શબ્દનો ભાવ વ્યક્ત કરે એવા કોઈ અંગ્રેજી પર્યાયની શોધમાં જયારે ગાંધીજી હતાં ત્યારે એ શબ્દ પણ એમને થોરોના નિબંધે પૂરો પાડ્યો હતો.

દક્ષિણ આફ્રિકાની જેમ ગાંધીજીની ભારતની ચળવળ ઉપર પણ થોરોના વિચારોની ઘણી અસર પડી છે.

કાયદાની સામે થવાની ફરજ [On the Duty of Civil Disobedience ] નું રોજ પારાયણ કરવું જોઈએ.લાખ લાખ વાર વાંચો તોયે એનો રસ નહિ ખૂટે.- Thoreau to Tolstoy thinkers who helped transform Gandhi to Mahatma

ઈ.સ.૧૯૧૮માં ગાંધીજીએ ઉચ્ચારેલા આ શબ્દો એ અસરના સૂચક છે.થોરોના એ વિચારોનો પ્રભાવ એવો ઊંડો તોકે ગાંધીજી ઘણી વાર થોરોની ભાષામાં બોલતા હોય એમ લાગે છે.થોરો અને ગાંધીજીના નીચેના અવતરણો એની સાક્ષી પૂરે છે :

થોરો : હું બેધડક કહું છું કે મેસેચુસેટ્સમાં એક હાજર માણસ,એક સો માણસ,નહીં નહિં,એક પ્રામાણિક માણસ – ગુલામીની વિરુદ્ધ હોય,તે જો કર નહીં આપી ગુલામોની ભાગીદારીમાંથી બાતલ થઈ જાય અને તેમ કરવા માટે જેલ ભોગવી લે તો આજે જ અમેરિકામાંથી ગુલામગીરી નાબૂદ થાય.

ગાંધીજી : સત્યાગ્રહમાં સંખ્યાનું મહત્વ બિલકુલ નથી.ખરે જ એક જ પૂરો સત્યાગ્રહી અધર્મ સામેની ધર્મની લડાઈમાં  જય મેળવવાને બસ છે.

થોરો : મને સંપૂર્ણ રીતે માન્ય છે કે લોકોની ઉપર રાજ્યસત્તાનો દોર જેટલો ઓછો તેટલું તે રાજ્ય સારું.

ગાંધીજી : હું કોઈ પણ સરકારનો પક્ષપાતી નથી…જે સરકાર ઓછામાં ઓછો અમલ ચલાવે તે સરકાર સારામાં સારી.

થોરો : જે રાજ્યમાં ખોટી રીતે માણસોને જેલમાં નાખવામાં આવે છે તે રાજ્યમાં ન્યાયી અને સારા માણસોનું ઘર જેલ છે.

ગાંધીજી : દૃષ્ટ રાજ્યતંત્રમાં સારાં સ્ત્રીપુરુષોનું સ્થાન જેલ જ હોઈ શકે.

થોરો : ઝાઝા માણસો કરે તે ખરું જ હોય એવી માન્યતા એ ખોટો વહેમ છે.

ગાંધીજી : અંતરાત્માને લગતી બાબતોમાં વધુમતીના કાયદાને સ્થાન નથી.

થોરોએ એમની પાસે કર ઉઘરાવવા આવનાર અમલદારને આપેલા જવાબમાં અને ગાંધીજીએ,ઈ.સ.૧૯૨૨માં એમને છ વર્ષની સજા કરનાર અંગ્રેજ ન્યાયાધીશ બ્રુમફિલ્ડને આપેલા જવાબમાં પણ એવું સામ્ય જોવા મળે છે.

થોરો પાસે સરકારી કર્મચારી જયારે કર લેવામાં આવ્યો ત્યારે થોરોએ તેને કહ્યું,”તું કર નથી લઈ શકતો,જ્યાં સુધી મારા પૈસાનો ઉપયોગ લડાઈના ખર્ચામાં થવાનો છે કે ગુલામો ખરીદવામાં થવાનો છે.”કર ઉઘરવાનારે ગૂંચવાઈને પૂછ્યું,”ત્યારે મારે શું કરવું ?”થોરોએ જવાબ આપ્યો :”તારે તારી જગ્યાનું રાજીનામું આપવું,બીજું શું ?”

ગાંધીજી : [બ્રુમફિલ્ડને] જ્જ સાહેબ ! આપને માટે એટલો જ માર્ગ ખુલ્લો છે કે જે કાયદાનો અમલ કરવાનું આપને સોપવામાં આવ્યું છે… તે કાયદો જ ખરું જોતા દૃષ્ટ છે અને હું વસ્તુત: નિર્દોષ છું એમ્જો તમે માનતા હો તો તમારે તમારી જગ્યાનું રાજીનામું આપવું અને એ રીતે પાપની ભાગીદારીમાંથી નીકળી જવું.

ભિન્ન દેશ,કાળ અને પરિસ્થિતિમાં જીવી ગયેલા આ બે મહાપુરુષો – થોરોઅને ગાંધીજી – નાં વ્યક્તિગત જીવનના લક્ષણો અને વિચારોમાં આપણને નવાઈ પમાડે એવું સામ્ય જોવા મળે છે.બંને સત્યના શોધક અને ઊંડા ચિંતક હતાં.કોરા તત્વજ્ઞાનમાં બેમાંથી એકેયને સંતોષ નહોતો.પોતાના આદર્શોને આચરણમાં ઉતારવાની બંને તીવ્ર લગન ધરાવતા હતાં.બંને ગીતાના ઉપાસક હતાં.બંનેએ ગીતાનો કર્મયોગ જીવનમાં ઉતાર્યો હતો.બંને જાત મહેનત,સાદાઈ અને સ્વૈચ્છિક ગરીબાઈના હિમાયતી હતાં.આધુનિક ‘પ્રગતિ’માં બેમાંથી એકેયને શ્રદ્ધા નહોતી.દુનિયાની કૃત્રિમતા અને સંકુલતાની સામે બંનેએ સાદા શ્રમપારાયણજીવનને આવકાર્યું હતું.બંને કુદરતી સૌંદર્યના પ્રેમી અને પગપાળા પ્રવાસના શોખીન હતાં.થોરો અને ગાંધી,હતાં.થોરોને સરકારના અન્યાયી કાયદાઓના સવિનયભંગમાં માનનારા હતાં.બંને વ્યક્તિગત નિર્ણયની સર્વોપરીતામાં વિશ્વાસ ધરાવનાર હતાં.થોરો જેને વ્યક્તિગત નિર્ણય કહેતા તેને ગાંધીજી ‘અંતરાત્માનો અવાજ’કહેતા.બંને નિર્વ્યસની અને સંયમી જીવનના આગ્રહી હતાં.થોરો કે ગાંધીજી બેમાંથી એકેયે વિશ્વયાત્રા કરી નહોતી,છાપાં પણ ઓછામાં ઓછા વાંચતા,છતાં બ્રહ્માંડભરની મનોયાત્રા કરી ચૂક્યા હોય એવી એમની ચિત્તસમૃદ્ધિ હતી.

આ બંને મહાપુરુષોના વિચાર,વાણી અને વર્તનમાં આટલું બધું સામ્ય હોવા છતાં એમના કેટલાક વિચારોમાં નોધપાત્ર અંતર હતું.થોરોએ અમેરિકાની ગુલામી નાબૂદીના આંદોલનમાં અમેરિકાની સરકાર સામે નિષ્ક્રિય પ્રતિકારને જ નહીં,સક્રિય પ્રતિકારને પણ આખરે યોગ્ય માન્યો હતો.ગાંધીજીએ સિધ્ધાંતની બાબતમાં આવી બાંધછોડ ક્યારેય કરી નથી.કાળા કાયદા સામેના આંદોલન દરમિયાન અમદાવાદ તથા નડિયાદમાં તથા અસહકારની લડત દરમિયાન ચૌરીચૌરામાં બનેલી ઘટનાઓની જાણ થતાંની સાથે,પોતાના સાથીઓને ઉગ્ર કોપ વહોરીને પણ બંને વખતે સત્યાગ્રહ પાછાં ખેચીં લીધાના દાખલા જાણીતા છે.તે તો કહેતા :

મારે પોતાને માટે તો એ જ ધર્મ છે કે હિંસા કરીને મારે સ્વરાજ મળતું હોય તો તે નથી જોઈતું,મોક્ષ મળતો હોય તો તે પણ નથી જોઈતો;ઈશ્વરની ભક્તિ પણ હિંસા કરીને થતી હોય તો મારે તેવી ભક્તિ નથી જોઈતી.

થોરો અને ગાંધીજીની સવિનય કાનૂનભંગની કલ્પનામાં પણ અંતર હતું.સવિનય કાનૂનભંગમાં થોરો મુખ્યત્વે સરકારનો અસહયોગ કરવા ઉપર ભાર મૂકતા હોય એમ લાગે છે.જયારે ગાંધીજી સત્યને વળગી રહીને સ્વેચ્છાપૂર્વકના કષ્ટસહન દ્વારા પ્રતિપક્ષીનું હૃદયપરિવર્તન કરવા તરફ વધારે ભાર મૂકે છે.થોરોનો અમેરિકાની સરકાર સામેનો સહકાર એ પીડિત ગુલામો પ્રત્યેની એમની સહાનુભૂતિ તથા ઉત્કટ સ્વાતંત્ર્ય પ્રેમના  પરિણામરૂપ હતો;જયારે ગાંધીજીનો અસહકાર એ એમની  તમામ પ્રવૃતિઓની પેઠે સત્યની શોધમાંથી જન્મ્યો હતો.

તેમ છતાં દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનું શસ્ત્ર ઘડી રહ્યા હતાં અને પ્રયોગો દ્વારા એની ગર્ભિત શક્તિઓનો તાગ કાઢી રહ્યા હતા ત્યારે થોરોના વિચારોએ એમને ઘણી પ્રેરણા આપી હતી,એ વિષે શંકા નથી.અને તેથી જ તો ગાંધીજીએ થોરોને ‘ગુરુ’કહ્યા છે.

                                                                                                                                [ ગાંધીજીનું ધર્મદર્શનમાંથી ]

સંકલન – કૌશિકકુમાર પી પ્રજાપતિ

મુખ્ય શિક્ષક,શ્રી વસાડવા પ્રા.શાળા

તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર

મો.ન. ૯૪૨૭૭૧૧૪૮૦

મેઈલ – kaushikhtat@gmail.com

ગુજરાતીમાં જાણવા જેવું – હવે દરિયામાં દુશ્મનોની કબરો ખોદાશે, યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમનું નેવીમાં આગમન

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....