અલ્પા શાહ (મુંબઈ, મલાડ) : દરેક વ્યક્તિને જીવતા રહેવા માટે કોઈ એક કારણ તો હોય જ છે. ઘણા લોકો દુનિયામાં કાંઈક અલગ કરવા જીવી જાય છે, તો ઘણા લોકો પોતાની જવાબદારી નિભાવવા જીવી જાય છે, તો ઘણા લોકો આજીવન કોઈની સેવા કરવા જીવી જાય છે, ઘણા લોકો પ્રભુ ભક્તિ કરવામાં જીવન વિતાવે છે. બસ જીવવા માટે કારણ હોવું જરૂરી છે તો જીજીવિષા ટકી રહે નહીં તો જીવન મળ્યું, જીવી જાણ્યું એનો કોઈ મતલબ નથી.
જીવન તો દરેકને સરખું જ મળ્યું છે પણ એક અલગ ધ્યેય લઈને જીવવાથી જીવન જીવવા જેવું લાગે. ઘણી વાર એક માતા ફક્ત પોતાના બાળક માટે એની જરૂરિયાતો પૂરી કરવામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે. ઘણીવાર ગૃહિણી પોતાના પતિની નાની નાની બાબતોનું ધ્યાન રાખી એને સાચવવામાં, એને ભાવતી રસોઈ બનાવવામાં જીવનની સાર્થકતા માને છે. ઘણાને બીજાને સરપ્રાઈઝ આપી જીવવાની મજા આવતી હોય છે. ઘણા પોતાના પરિવારને સાચવવાની સાથે સોશિયલ વર્ક કરવા, પોતાના શોખ જેવા કે ફૂટબોલ, ક્રિકેટ, ડાન્સ આ બધી જગ્યાએ એક્ટીવ હોય છે. સતત કાર્યરત રહેવું એ જ એના જીવનનું, એના ખુશ હોવાનું કારણ હોય છે. જીવવા માટે ફક્ત ખાવું જરૂરી નથી પણ કોઈ ચોક્કસ ધ્યેયને વળગી એને પૂરું કરવું. પોતાનું મન ખુશ રહે રીતે જીવવું એ ખૂબ જરૂરી છે. મનથી ખુશ રહી તમે જીવો તો જિંદગી જીવવાની, જિંદગી માણવાની મજા કાંઈ ઓર હોય છે. બાકી જીવનની ક્ષણો બધાને સરખી જ મળે છે, પણ ઘણા મનથી મરી પોતાના શોખ પર કાપ મૂકી ફક્ત જીવવા પૂરતું જીવી જાય છે,એની મજા નથી હોતી.
તમને જીવવા માટે જો કોઈ એક કારણ મળી જાય ને તો સ્મશાનના દરવાજેથી પણ યુ ટર્ન લઈ શકાય. ઘણાને ખૂબ પૈસા કમાવવા, બી.એમ.ડબલ્યુ ગાડી માં ફરવું, અધ્યતન હોટલોમાં રહેવું, આ ધ્યેય હોય છે. ઘણા લોકોને કોઈને જિંદગીભર ચાહતા રહેવામાં પણ મજા આવતી હોય છે. કારણ કોઈ પણ હોય જિંદગીને પ્રેમ કરી જીવતા રહો તો જિંદગીમાં મોજ આવશે.
એક વ્યક્તિને જીવવા માટે આ બધા કારણો માંથી કોઈ એક કારણ પણ મળી જાય ને તો સુખરૂપ જીવન પસાર કરી શકાય. જિંદગીને અવનવી પ્રવૃત્તિઓથી ધબકતી રાખવી જરૂરી છે. જેવી રીતે દિલ ધબકતું રહે ત્યાં સુધી શરીર જીવે છે, એવી રીતે જિંદગીને કાર્યરત બની ધબકતી રાખોને તો મન ભરી ને જીવી શકશો.
હમણાં કોરોનામાં એક દસ વર્ષની છોકરી ના માબાપ ગુજરી ગયા. એને રાખવાવાળું પરિવારમાં એની ૭૫ વર્ષની દાદી જ બચ્યા. તો એ દાદીએ ૭૫ વર્ષે પોતાની જાતને બદલે દીકરી માટે જીવવાનું ચાલુ કર્યું. એક્સરસાઇઝ કરવી, નવા કપડાં પહેરવા, નવી નવી વસ્તુઓ બનાવી દીકરી ને ખવડાવી, દીકરી સાથે બચ્ચા બની રમવાનું ચાલુ કર્યું અને આ ઉંમરે 25 વર્ષની છોકરી જેવું જોશ ઊભું કર્યું .
માટે જીવનમાં જો કોઈ કારણ મળે ને તો મોતને પણ હાથતાળી આપી જીવવાનું મન થઈ જાય. જિંદાદિલ થઈને જીવો , મોત આવશે ત્યારે એમ પણ મરવાનું જ છે. ડરી ડરીને, રડી રડીને, જીવવા કરતા મસ્ત બનીને જીવો તો જિંદગીમાં એક ચાર્મ આવશે, રોનક આવશે.