Homeકલમવિજય પારેગીસ્વામી સચ્ચિદાનંદના વિરલ વ્યક્તિત્વ આગળ પદ્મભૂષણ પણ વામણું લાગે

સ્વામી સચ્ચિદાનંદના વિરલ વ્યક્તિત્વ આગળ પદ્મભૂષણ પણ વામણું લાગે

-

Vijay B. Paregi (Madka): શું વર્ણાશ્રમ ધર્મ પ્રત્યેક હિન્દુ માટે સમાનતાની વ્યવસ્થા આપે છે ? જો તે સમાનતા ન આપતો હોય તો સમાનતા આપનાર ધર્મ ઉત્તમ કે અસમાનતા સ્થાપનાર ધર્મ ઉત્તમ ? ધાર્મિક સમાનતાથી પ્રજા સંગઠિત અને શક્તિશાળી બને કે અસમાનતાથી ?

જે ધર્મગુરુઓએ પુરી પ્રજાને ધાર્મિક ક્ષેત્રમાં સમાનતા આપવાનું કાર્ય કર્યું તેમણે પ્રજાનું ભલું કર્યું કે વર્ણ વ્યવસ્થાના નામે પ્રજાને ધાર્મિક સમાન હક્કોથી વંચિત રાખવા માટે પ્રયત્નો કર્યા ?

વર્ણવ્યવસ્થા દ્વારા જે કાર્યોની વહેંચણી થઈ તેમાં અસ્પૃશ્યોને કારમી ગરીબાઈ અને અપમાનિત દશા સિવાય શું શું મળ્યું ? માનો કે તમે શૂદ્ર વર્ણના છો અથવા તેથી પણ ઉતરતા અંત્યજ છો.

Swami Sachidanand ના વ્યક્તિત્વ આગળ પદ્મ ભૂષણ પણ વામણું લાગે

હવે મનુસ્મૃતિ વગેરે ગ્રંથો દ્વારા બનાવેલી વ્યવસ્થા પ્રમાણે જીવન જીવવાનું તમને પસંદ પડે ખરું ? આવા ક્રાંતિકારી વિચારો સ્વામી સચ્ચિદાનંદના છે. તેઓ ભારતીય સમાજની દુર્બળતા દૂર કરવા સતત કાર્યશીલ રહ્યા છે. તેમણે કહેલું કે, જે ધર્મ અર્થ પ્રશ્ન અને કામ પ્રશ્નનો સચોટ અને સર્વ હિતકારી ઉકેલ ન આપે અને માત્ર વ્યર્થ વાતો જ કર્યા કરે તો તેવો ધર્મ પ્રજાને સુખી ન કરી શકે..!! જો ધર્મ માત્ર અસમાનતા, સહિષ્ણુ, કર્મકાંડો, યજ્ઞો, હોમ હવનો, સપ્તાહો, પાઠ-પૂજાઓ જેવામાં જ અટકી જશે તો તેનાથી પરાકાષ્ઠાની પ્રાપ્તિ નહીં કરી શકાય. ધર્માંધ પ્રજાએ ધર્મને માનવતાવાદી બનાવવાની જગ્યાએ વર્ણવાદી અને કર્મકાંડવાદી બનાવી દીધો છે.

ધર્મ એવો હોવો જોઈએ જે દેશના સર્વાંગિણ વિકાસનો સમર્થ હોય, વિજ્ઞાનનો ઉત્તેજક હોય, શત્રુઓ અને અપરાધીઓનું દમન કરનાર હોય, પ્રજાને વીરતા અને સાહસથી છલકાવનારો હોય અને ઉંચનીચના ભેદભાવ ન હોય પણ ધર્મનું રૂપ આવા ગુણોથી ઊલટું છે એટલે જ તો પ્રજા આજે વિભાજીત જોવા મળે છે.

જો ધર્મ પ્રજાને બળવાન નહીં બનાવે તો પ્રજા ધર્મનું પાલન કરીને દુર્બળ થઈ ગુલામ બનશે. જો ધર્મ પ્રજાના પ્રશ્નો નહીં ઉકેલે તો ધર્મ ભારરૂપ બનીને પ્રજા માટે જ દુઃખદાયી થઈ જશે.

swami sachidanand images

આજકાલ સંપ્રદાયો, પંથો, અખાડા, પીઠો, મઠો વગેરેમાં ગુરુ પદનું મહત્વ વધી ગયું. પોતાનું વર્ચસ્વ જાળવવા ગુરુ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. આ ગુરુઓ દ્વારા અવતારવાદ અને પૂર્વજન્મની વ્યર્થ વાતો તર્કહિન પ્રજાના મગજમાં ભરવામાં આવે છે.

પ્રજા પણ પૂર્વના કર્મને જ સર્વસ્વ માનીને નિષ્ક્રિય થઈ જાય છે, જેથી તે દરિદ્ર, રોગી,અલ્પજીવી અને ગુલામ બને છે. લોકોના દુઃખો દૂર કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા પરમેશ્વર મનુષ્યરૂપે અવતાર લઈને આવે છે અને ધર્મની સ્થાપના કરીને પ્રજાના બધા પ્રશ્નોને ઉકેલી આપે છે – આવી માન્યતાથી પ્રજામાં કર્તવ્યવિમુખતા, પાપ અને અન્યાયની સામે ઝઝૂમવાની વૃત્તિનો ક્ષય થાય છે.

સ્વામીજીએ ગુરુપદને વ્યર્થ ગણાવી તેમની સ્વાર્થવૃત્તિની પોલ ખોલતાં કહ્યું કે, “અન્યાયી વર્ગ જો જ્ઞાની બને તો પોતાનું ગુરુપદ જોખમાઈ જાય એટલે તેમનો પ્રયત્ન સતત એ હોય છે કે પોતાના અનુયાયીઓ કોઈ બીજા ગુરુઓના કે સંતોના સંપર્કમાં ન આવે, ન બીજાનું કશું વાંચે કે ન બીજાનું કાંઈ સાંભળે.

તેમને સતત એક જ પ્રકારનો ઉપદેશ અને એક જ પ્રકારનું સાહિત્ય વહેંચવામાં આવે છે જેથી તેમનું ‘બ્રેઇન વોશ’ થતું રહે. આવા માણસો ચુસ્ત અને સંકુચિત દ્રષ્ટિવાળા થઈ જતા હોય છે. જેથી તેમનું પોતાનું જીવન ગુમરાહીવાળું અને બાકીના બીજા લોકોથી વિસંવાદી બની જાય છે.”

ભારતીય સમાજનું સૌથી મોટું દુર્ભાગ્ય એ કે વિભાજકો ભગવાન થઈને પૂજાય છે અને સૌને એક કરવા પ્રયત્ન કરનારા સંયોજકો દુભાય છે. અજ્ઞાનની ઉપાસના કરનારી આવી પ્રજા ગુલામ કે દુઃખી ન થાય તો બીજું શું થાય ? પ્રજાના વિભાજન અને અજ્ઞાનમાં જ ઢોંગીઓનાં દશે આંગળા ઘી કેળા ખાય છે. થોડાક લોકોના ઘી કેળા માટે પૂરી પ્રજા દુર્બળ અને દુઃખી થાય છે.

આવા ગુરુઓ પોતાને કોઈને કોઈ દેવનો અવતાર ગણાવી ચમત્કારોની હવા ઊભી કરે છે અને પ્રજા પણ ગાંડપણ રાખીને તેમના પગ ધોઈ પીએ છે. તેમના વિશે સ્વામીજીનું કહેવું છે કે, “સદીઓથી પ્રજાના મસ્તિષ્કમાં અવતારવાદની રંગીન કલ્પનાઓ ઠાંસીઠાંસીને ભરી છે એટલે પ્રજા સંઘર્ષ વિમુખ અર્થાત કર્તવ્યવિમુખ થઈને બેસી ગઈ છે.

પુરાણકારોએ સાહિત્યિક ભાષામાં નૃસિંહ, રામ, કૃષ્ણ વગેરે જેવા પાત્રો બનાવી બનાવીને કથાઓ લખી અને આપણે આ માયથોલોજીને સત્ય માની લીધી તેથી પ્રજા બળવા ન બની,પણ કમજોર બની.”

પુરોહિતો પોતાની જ માલિકી ગણતા મંદિરોની સંપતિ શિક્ષણ અને સમાનતા લાવવા માટે વાપરવાના આગ્રહીએ ભારતની ગુલામીમાં દેશનાં સમૃદ્ધ મંદિરોનો જ મોટો હાથ હોવાનું ઠેરવી પુતોહિતોનાં કર્મકાંડનું ખંડન કરતાં કહેલું કે, “યજ્ઞો ધર્મ શ્રદ્ધાનો દુરુપયોગ જ છે. યજ્ઞ કરવાથી શત્રુઓ મરી નથી જતા. મરતા હોત તો ભારત અને હિન્દુ પ્રજા સદીઓ સુધી ગુલામ ન રહી હોત..!”

એકબીજાથી વટલાતા,અભડાતા તાર પરસ્પર વણાતા નથી તો બીજી તરફ અત્યંત ચુસ્ત કટ્ટર સાંપ્રદાયિક મનોવૃત્તિવાળા લોકો એકબીજામાં ભળી શકતા નથી. આ બધા વિભાજનો પ્રજાને દુર્બળ બનાવે છે. સ્વામીની સામાજિક સેવાને સમજવી ખૂબ અઘરી છે. અસ્પૃશ્યતા, કુરિવાજો, પાખંડ, કર્મકાંડમાં ડૂબેલા ભારતીય સમાજને બહાર કાઢવાનો તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે. એમના મતે પહેલાં દેશ અને પછી ધર્મ હોવો જોઇએ અને ધર્મમાં પણ માનવતા જ મોટામાં મોટો ધર્મ છે. માનવતાવાદીનો પર્યાય એવા સ્વામીજીનો એક પ્રસંગ યાદ આવે છે. હિંદુધર્મના કોઈ ભગવા વસ્ત્રધારી સંતે આવી પહેલ કરી હોય એવું ક્યાંય જોવા, સંભાળવા કે વાંચવામાં નથી આવ્યું.

હજી તો એક દાયકા પહેલાં જ ઊંઝા ખાતે અનુસૂચિત જાતિ સમાજનાં સમૂહ લગ્નમાં સમરસતાના હિમાયતી સ્વામી સચ્ચિદાનંદ નવદંપતીઓને આશીર્વાદ આપવા આવેલા. તેમની સાથે પાટીદાર સમાજના આગેવાનોય હતા. આભડછેટ, ભેદભાવ, કુરિવાજો, કુપ્રથાઓ, પાખંડ, અંધશ્રદ્ધા વગેરે જેવાં ભારતીય સમાજનાં દુષણો વિશે સ્વામીજી પોતાનું પ્રવચન આ લગ્ન સમારંભમાં કરી રહ્યા હતા.

એ વખતે ભોજનના સમય દરમિયાન અંદરોઅંદર થોડી ખસપસ થઈ રહી હતી. એવામાં તેમણે કાર્યક્રમના આયોજકોના મુખ ઉપર વિષાદની રેખાઓ જોતાં પુછ્યું કંઈ તકલીફ છે ? આયોજકોએ કહ્યું : ના,સ્વામીજી કોઈ તકલીફ નથી. કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના સાથ સહકારથી મંડપ, ભોજન વગેરેના દાતાઓ હતા. પણ આયોજકોને ચિંતા થવાનું કારણ ફક્ત એટલું જ કે એક અસ્પૃશ્ય સમાજના લોકોની ભોજન કરેલી થાળી ધોવા કોઈ તૈયાર નહોતું..!!

આ વાત સ્વામીજી સુધી પહોંચી ગઈ. તેઓ બોલ્યા : આ આપણા જ ભાઈઓ છે, એમની સાથે આવો વ્યવહાર કરવો આપણને શોભતું નથી. જો તમે આપણા જ ભાઈઓની એઠી થાળી નહિ ધુઓ તો હું ધોઈશ. એટલું કહી સ્વામીજીએ ભોજન કરેલી એઠી થાળીઓ ધોઈ અને ઉપસ્થિત પાટીદાર આગેવાનોએ પણ ધોવામાં સાથ આપ્યો હતો.

અનુ.જાતિ સમાજના આગેવાનોની ઘણી આજીજી બાદ સ્વામીજીએ ધોવાનું પડતું મુક્યું. સમાનતા અને સમરસતાના પ્રખર હિમાયતીની આવી પહેલ બાદ પણ કોઈ થાળીઓ ધોવા તૈયાર ન થયું..!! અંતે, અનુ.જાતિના લોકોએ જ સ્વયં થાળીઓ ધોઈ હતી.

શું અસ્પૃશ્યતા, ભેદભાવ નિવારણ માટે વર્તમાનના કોઈ સંતે આવું પગલું ભર્યું છે ? વળી, આજકાલના ભગવાધારી અને ધર્મના ઠેકેદારો તો ધર્મને કટ્ટરતાનું રૂપ આપી રહ્યા છે. તેને એક જ બીબામાં ઢાળવાની કોશિષ કરી રહ્યા છે. કોઇપણ મુદ્દાને કોમવાદના રંગે રંગી રજૂ કરવામાં આવી રહ્યો છે, પણ આવો રંગ દેશની એકતામાં વિષમતા ઉભી કરે છે.

શિક્ષણ, કળા, ઈજનેરી, દાક્તરી, સામાજિક કાર્ય જેવાં ક્ષેત્રોમાં આપેલ અમૂલ્ય યોગદાનનું સરકાર દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે અને એમાં કરેલ વિશિષ્ટ કામગીરીના ફળ સ્વરૂપે પુરસ્કાર અપાય છે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવાની યાદી જાહેર કરવામાં આવી.

તેમાં ગુજરાતના આઠ મહાનુભાવોનાં નામ સામેલ હતાં. એમાંના એક સ્વામી સચ્ચિદાનંદજીને આપેલ પુરસ્કાર અસ્પૃશ્યતા અને ભેદભાવ નિવારણ, ઉંચનીચની અસમાનતા, અંધશ્રદ્ધાથી મુક્તિ, ધાર્મિક પાખંડવાદ અને કર્મકાંડનો વિરોધ વગેરે જેવાં એમનાં સમાજહિતનાં માનવતાવાદી કાર્યો આગળ વામણો લાગે છે.

સચ્ચિદાનંદની આ સામાજિક સેવાઓ અમૂલ્ય છે. બીજી એક કડવી વાસ્તવિકતા એ સામે આવી કે સ્વામીજી માટે શુભેચ્છા સંદેશનો ઢગલો કરનાર અનુયાયીઓ તો હજારો જોવા મળ્યા પણ એ બધામાં એમના વિચારોને આત્મસાત કરનાર ગણ્યા ગાંઠ્યા જ. કાશ…એ અનુયાયીઓ ખરા અને સ્વામીજીના વિચારોને આત્મસાત કરનાર હોત તો આજે સમાનતા, ભ્રાતૃભાવ, દેશભક્તિ જેવા ગુણોવાળા મનુષ્યોથી દેશ છલોછલ ભરેલો હોત..!!

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...