Surat News Gujarati સુરત : ગુજરાતના રાજકારણમાં જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ગરમી વધતી જાય છે. સત્તાપક્ષ અને વિરોધ પક્ષ એક બીજા પર પ્રહારો કરી રહ્યાં છે. નેતાઓ પણ સમર્થન અને વિરોધ કરવાના કાર્યમાં વ્યસ્ત જણાય છે. એવામાં સુરતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના પુતળાનું દહન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસુચિત જનજાતિ સમાજના અને સમતા સૈનિક દળના હોદ્દેદારો દ્વારા આમ આદમીના ગોપાલ ઈટાલીયાનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે, આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જ નવા સંગઠનની રચના કરી તેમાં ‘બિરસા મુંડા’ અને ‘જય ભીમ’ નામના મોરચાની રચના કરી છે. આ મોરચા ગોપાલ ઈટાલીયાની જાતિવાદી માનસિકતા છતી કરે છે તેવું વિરોધીઓને લાગી રહ્યું છે. તેઓ માને છે કે ગોપાલે રાજકીય લાભ ખાટવા માટે અને ચૂંટણીમાં લાભ મળે તે માટે આ મોરચાની રચના કરી છે.
Surat News Gujarati- AAPના ગોપાલ ઈટાલીયા પર જાતિવાદનો આરોપ સુરતમાં પૂતળા દહન
ગોપાલ ઈટાલીયાના પૂતળા દહન કરનાર સમતા સૈનિક દળના પ્રમુખ ભાનુ ચૌહાણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી જાતિવાદી માસનિકતા છતા કરી રહી છે. તેઓ અનુસૂચિત જનજાતિના નામનો ઉપયોગ કરવા માંગે છે તેમ જણાય છે. કારણ કે તેમણે પક્ષમાં બિરસા મુંડા અને જયભીમ કમિટી બનાવી છે પરંતુ ગાંધી મોરચો, પરશુરામ મોરચો અને સરદાર મોરચા નામનું કોઈ સંગઠન નથી. જેથી આમ આદમી પાર્ટીની જાતિવાદી માનસિકતા ઉઘાડી પડે છે.