મોરબી સમાચાર : મોરબીના શનાળા રોડ પર સરદારબાગ સામેના પાર્કિંગમાં શાકભાજીનું માર્કેટ ભરાય છે. સવારના સમયે શાકભાજીના માર્કેટના કારણે શાળા-કોલેજ અને નોકરી પર જતા લોકો મોટી સંખ્યામાં પસાર થતા હોય ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા રહે છે. પરિણામે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીનું માર્કટે અન્યત્ર ખસેડવાની માગણી કરતી રજૂઆત મોરબી નગરપાલિકા સમક્ષ કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકા Morbi Nagarpalika સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું કે, શાળા-કોલેજ બંધ હતી ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શનાળા સરદારબાગમાં સામે આવેલા પાર્કિંગમાં શાકભાજીનું માર્કેટ બનાવવા વ્યવસ્થા કરી હતી. પણ હવે શાળા-કોલેજ શરૂ થયા બાદ પણ આ શાકભાજીનું માર્કેટ ત્યાં ભરાય છે. આ મામલે મોરબી નગરપાલિકા દ્વારા કોઈ ત્વરીત નિર્ણય કરવામાં આવે અને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો આપવામાં આવે.
ઉપરાંત શાકભાજી માર્કેટના કારણે ગંદકીના પણ પ્રશ્ને ઉદભવે છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલિકામાં આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.