Homeગુજરાતખેડૂતોના સમાચાર: સૌરાષ્ટ્રનું સાપ્તાહિક હવામાન અને કૃષિ વૈજ્ઞાનિક ભલામણ

ખેડૂતોના સમાચાર: સૌરાષ્ટ્રનું સાપ્તાહિક હવામાન અને કૃષિ વૈજ્ઞાનિક ભલામણ

-

Farmers and Farming News in Gujarati: Saurashtra weather forecast. khedut Samachar Gujarati ma.

રાજકોટ,તા.૨૧: ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ.,તરઘડિયા અને ભારત મૌસમ વિભાગની યાદી જણાવે છે કે તા.૨૨ થી ૨૭ સપ્ટેમ્બર -૨૦૨૧ દરમિયાન ગરમ, ભેજવાળું અને મોટાભાગે વાદળછાયું રહેશે અને હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૨-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૨૫-૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૪-૯૧ અને ૬૨-૬૮ ટકા રહેશે.

પવનની દિશા  પશ્ચિમ અને નૈઋત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૧ થી ૨૧ કીમી/કલાક રહેવાની શક્યતા છે. સતત વરસાદના કારણે ખેતરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવો જેથી ઉભો પાક સુકાય નહી.

સતત  વરસાદના કારણે કપાસ, મરચી અને શાકભાજી પાકોમાં  સુકારો નાં આવે અને ફરી સારી વૃદ્ધિ માટે યુરિઆ, એમોનિયમ સલ્ફેટ અને મયુરેટ ઓફ પોટાશ ખાતર દરેક ૩૦ કી.ગ્રા. પ્રતિ હેક્ટર વરાપે આપવું અને મિક્સ માયક્રોન્યુટ્રીયન્ટ ૧૦૦ ગ્રામ/પ્રતિ પંપ  વરાપે  છાંટવું.

જે ખેતરોમાં વધુ વરસાદના કારણે પાકને ખુબજ નુકશાન થયું હોય અથવા બળી  ગયેલ હોય અને  ફરી વાવેતર કરવાની જરૂરીયાત હોય ત્યાં  અજમા, સુવા, તલ, દિવેલા અને ચણા (જિંજરા) જેવા પાકોનું વાવેતર કરી શકાય. આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા હોવાથી ઉભા પાકમાં દવા કે  ખાતરનો છંટકાવ આ સમય દરમ્યાન મુલત્વી રાખવો. ખેતરમાં નીચાણ વાળા વિસ્તારમાં ભરાયેલ  વરસાદના પાણીનો નિકાલ કરવો.

પવન સાથે વરસાદની શક્યતા હોવાથી ઉભડી મગફળી હાલ પુરતી ઉપાડવી નહિ અને બાજરી લણીને ડુંડા સલામત સ્થળે ઢાંકી દેવા અને મગ-અડદની શીંગો વીણી લેવી સલાહ આપવામાં  આવી છે.

Must Read