Monday, May 16, 2022

રશિયા- યુક્રેન યુદ્ધમાં ગોદી મીડિયાની ભૂમિકા પર સવાલ – જીજ્ઞેશ કાલાવડિયા

જીજ્ઞેશ કાલાવડિયા (સિનિયર જર્નાલિસ્ટ, ગુજરાત) : એક બહુ પ્રાચીન કહેવત છે કે “જાન માં કોઈ જાણે નહીં અને હું વર ની ફઈ”. તાજેતરમા રશિયા અને યુક્રેન નાં વિવાદમાં ભારતની ગોદી મીડિયાએ આવો જ તાલ સર્જ્યો છે. રશિયા અને યુક્રેન નો વિવાદ કોઈ નવો નથી.

2014 માં જયારે રશિયાએ યુક્રેન નાં એક ભાગ એવા ક્રીમિયા પર એટેક કરી ત્યાંના લોકોની સુરક્ષા નાં નામ પર તેના પર કબ્જો જમાવ્યો ત્યારથી આ વિવાદ સતત ચાલી રહ્યો છે અને બન્ને દેશો વચ્ચે સરહદે છમકલાં એ સામાન્ય બાબત બની ગયેલ પરંતુ તાજેતરમાં યુક્રેન દ્વારા નાટો નું સભ્ય પદ મેળવવા માટે થઈ રહેલા પ્રયાસો થી આ ક્ષેત્રમાં બળતા માં ઘી હોમાયું છે. અત્યારે વિશ્વ ની પરિસ્થિતિ એવી છે કે પૂર્ણ કક્ષાએ યુદ્ધ કરવું કોઈ દેશને આર્થિક રીતે પોસાય તેમ નથી.

જગત જમાદાર અમેરીકા ની પણ આ મુદ્દે સ્પષ્ટ નીતિ છે કે પહેલાની જેમ ઉતાવળે કોઈ દેશ સામે સીધી લડાઈ માં કયારેય ઉતરવું નહીં. આમ એ વાત સ્પષ્ટ છે કે ગમે તેટલા વિવાદ બાદ પણ રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધમાં કોઈ દેશ કોઈના પણ પક્ષે સીધી લડાઇમાં ઉતરવા માંગતા નથી. તેલ ક્ષેત્ર અને રશિયા- યુરોપ વચ્ચે એક માર્ગ તરીકે યુક્રેન નું મહત્વ હોય અમેરીકા પાછલા બારણે અહી ની સરકાર ને હાથમાં રાખવા માંગે છે પરંતુ રશિયા આમ થાય તે ઈચ્છતું નથી.

આ પૂર્વ ભૂમિકા રશિયા અને યુક્રેન યુધ્ધ ને સમજવા પૂરતી છે. આપણા દેશનું ગોદી મીડિયા આ સીધી અને સરળ વાત લોકોને સમજાવવા ને બદલે ટીઆરપી વધારવા છેલ્લા છ મહિનાથી યુદ્ધ નો ઉન્માદ ફેલાવી રહ્યું છે.

ભારત ગૂટ નિરપેક્ષ દેશ હોય તેને સીધી રીતે આ બન્ને દેશનાં વિવાદમાં કઈ લાગતું વળગતું નથી છતા ગોદી મિડિયા સતત મોદી ની વિરાટ છબી ઊભી કરવા આ વિવાદમાં ભારત ને ઘસડી રહ્યું છે. જે દેશ પર આક્રમણ થયું હોય તે દેશનાં રાજદૂતો જે દેશમાં તેમની ફરજ હોય ત્યાં તેમનાં દેશને મદદરૂપ થવા પ્રયાસો કરે તે બહુ સામાન્ય બાબત છે.

યુક્રેન દ્વારા આ બાબતે અનેક રાષ્ટ્રોને મદદ માટે અપીલ કરવામા આવી હતી આમ છતા એ વાતનુ વતેસર કરી ગોદી મીડિયાએ આખુ વિશ્વ જાણે મોદી તરફ નજર રાખીને બેઠું હોય તેવો તાલ ઊભો કર્યો.

એ જ રીતે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન ની પ્રેસ કોન્ફરન્સ માં તેમને આ વિવાદમાં ભારત કોની પક્ષે છે તેવો પ્રશ્ન પૂછી ભારત ની ભૂમિકા ઊભી કરવા પ્રયાસ કર્યો પરંતુ બાઇડન દ્વારા આ બાબતે ભારત સાથે વધુ વાતચીત થઈ નથી એવો સ્પષ્ટ જવાબ આપતા હવા ઊભી કરવાના પ્રયાસો પર ઠંડુ પાણી રેડાઇ ગયું હતું.

ખરેખર આપણો દેશ અનેક જમીની પ્રશ્નો નો સામનો કરી રહ્યો છે ત્યારે તેમની વાત કે મુદ્દા પર રિપોર્ટિંગ કરવાને બદલે ગોદી મીડિયા સતત યુધ્ધ ની કેસેટ વગાડી રહ્યું છે. ખરેખર રશિયા- યુક્રેન યુદ્ધ ને કારણે ભવિષ્યમાં ભારતને આર્થિક કેવો ફટકો પડી શકે અને દેશના નાગરિકો પર તેની શું અસર થઈ શકે એ ચર્ચાનો મુદ્દો હોવો જોઈએ.

ગોદી મીડિયા સૂત્રો નાં હવાલા આપી તદન નિમ્ન કક્ષાનું રિપોર્ટિંગ કરી રહ્યું છે તેનો એક નાદર નમૂનો યુક્રેન ને ચોવીસ કલાકમાં નાટો નું સભ્ય બનાવી દેવાના ફેક સમાચાર છે. માત્ર ત્રીજું વિશ્વ યુધ્ધ શરુ થઇ ચૂક્યું છે તેવો આભાસ ઊભો કરવા મન ઘડત સ્ટોરીઓ લોકોનાં દિમાગ માં ઘુસાડવામાં આવી રહી છે.

મૂળ વિવાદ જે તેલ ક્ષેત્ર ને લઇને મૂડીવાદી હરીફાઈ નો છે એ વાત ક્યાંય જોવા મળતી નથી. ખરેખર આપણા દેશની કમનસીબી છે કે દેશનો ચોથો સ્તંભ કોર્પોરેટ અને રાજનેતાઓ ની ગુલામી માં ગુલતાન બની તેમનાં ફાયદા માટે 130 કરોડ જનતા ને બેવકૂફી ની કગાર પર મૂકી રહ્યો છે.

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...