Gujarat Road Problem – એક તરફ ગુજરાતમાં(gujarat) 24 કલાકમાં 2 કિ.મી.ના એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ કરી વિશ્વ રેકોર્ડ નોંધાય છે, તો બીજી તરફ દ્વારકાના(dwarka) ખંભાળીયા(khambhaliya) પાસે…
એક તરફ ગુજરાતમાં હાઈવેનું નિર્માણ કરી વિશ્વ રેકોર્ડ નોંધાય છે, તો બીજી તરફ દ્વારકાના ખંભાળીયા(khambhaliya) પાસે ચાલી રહેલું 4 લેન હાઈવેનું કામ ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે. વ્યસ્ત માર્ગાના કારણે પસાર થતા વાહન ચાલકો અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાંની ફરિયાદો ઉઠી છે.
હાલ આ હાઈવે પર મસમોટા ખાડા અને જર્જરીત માર્ગના કારણે ઈમરજન્સી કેસોને હોસ્પિટલમાં પહોંચાડવામાં એમ્બ્યુલન્સોને પણ હાલાકી ભોગવવી પડે છે તેમજ સમયનો વ્યય થાય છે. જેના કારણે દર્દીઓના જીવ પર જોખમ સર્જાય તે વાત પણ સ્વાભાવિક છે. એ જ રીતે સામાન્ય વાહન વ્યવહાર સાથે વ્યવસાયિક વ્યવહારોમાં પણ વિલંબ થતો હોય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા – દ્વારકા હાઈવેનું હાલ આધુનિકરણ કાર્ય ચાલી રહ્યું છે. આ બાબત ખુબ સારી છે તે કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી.પરંતુ કાર્યની ગોકળગાય ગતીના કારણે હાલ તો લોકો હેરાન છે. રાજ્યમાં એક તરફ ભરૂચમાં રોડ નિર્માણની ગતિને લઈ રેકોર્ડ સર્જાય છે, ત્યારે બીજી તરફ અહીં લોકો ખાડાના સામ્રાજ્યથી પરેશાન છે. સ્થાનિકો અને વાહન ચાલકોમાં નિર્માણ કાર્યની ગતિને લઈ નેગેટિવ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે તેવી રમૂજો થઈ રહી છે.
આ સ્થિતીમાં નિર્માણ કાર્યની ધીમી ગતિના કારણો શોધી તેને વેગવંતું બનાવાય તેવી માંગણી થઈ રહી છે. કારણ કે એક માર્ગ નિર્માણની ગતિની વાહવાહી કરવા કરતા અન્ય માર્ગો પણ એ જ ગતિએ નિર્માણ થાય જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે નહીં તે ખુબ જરૂરી છે.
અન્યથા લોકોમાં ધારણા બંધાય કે એક કામની ગતિ વધુ સારી છે તે પ્રાયોજિત હોઈ શકે,અથવા કોઈ આંતરિક હિતો હોવા જોઈએ.
રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર સાથે જ કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ પણ આ બાબતે સંજ્ઞાન લઈ નિર્માણ કાર્યની ગતિ વધે તેની કાર્યવાહી કરવી જોઈએ તેવું સ્થાનિકોનું માનવું છે.