રાજકોટ : રાજકોટ શહેરમાં ગઈકાલે તારીખ 12 જૂનના રોજ ભારે વરસાદ (Varsad)ને પગલે આજીનદીમાં ઘોડાપૂર જેવી સ્થિતી જોવા મળી હતી. દરમિયાન આજીનદીમાં બાવળની ઝાડીમાં અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી. જે મૃતદેહ કિશોરસિંહ ઝાલાનો હોવાની માહિતી સામે આવી હતી.
થોરાળા પોલીસે તપાસ હાથધરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ રાજકોટના વિનોદનગરમાં રહેતા 60 વર્ષીય કિશોરસિંહ ઝાલાનો મૃતદેહ હોવાની માહિતી સામે આવી હતી. મૃતક કિશોરસિંહ ઝાલા રાબેતા મુજબ ટિફીન લઈ કામે જવા માટે નિકળ્યા હતા પરંતુ કંપનીમાં કામે નહીં પહોંચતા કંપનીના કર્મચારીઓએ તેમના પરિવારને જાણ કરી હતી. પરિવારે માહિતી મળતા કિશોરસિંહની શોધખોળ આદરી હતી અને મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
પોલસને ગુમ થયેલા કિશોરસિંહની સાયકલ કોઠારીયા રોડ પાસે આવેલા નંદાહોલ નજીકના વિવેકાનંદના વોંકળા પાસે મળતા પોલીસે પરિવારને જાણ કરી સિવિલ હોસ્પિટલ બોલાવ્યા હતા. જ્યાં અજાણ્યા વૃધ્ધના મૃતદેહની પરિવારને ઓળખ કરાવતા પરિવારના સભ્યએ ઓળખી બતાવ્યા હતા.
કામ પર જવા નિકળેલા કિશોરસિંહ નંદાહોલ નજીકના નાલા પાસેથી પાણીના પ્રવાહમાં તણાયા હતા. તણાયેલા કિશોરસિંહનો મૃતદેહ રાજકોટના રામનાથપરા સ્મશાન પાછળના પુલ પાસેથી મળ્યો હતો. કિશોરસિંહના મૃત્યુનો ખ્યાલ પડતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. કિશોરસિંહને ત્રણ દિકરીઓ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Rajkot Updates News, Rajkot City news