Homeગુજરાતપરીક્ષાના લાઈવ CCTV જોઈ શકાય તેવી દેશમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: મહત્વનો...

પરીક્ષાના લાઈવ CCTV જોઈ શકાય તેવી દેશમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: મહત્વનો નિર્ણય

-

રાજકોટ : પરીક્ષામાં થતી ગેરરીતી ડામવા અને પારદર્શક પરીક્ષા લેવાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા પર વિદ્યાર્થી અને વાલીઓનો ભરોસો જળવાય રહે તેવા મોટા નિર્ણયની સરાહના થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાને દેશના કોઈ પણ ખુણે બેસીને લાઈવ નીહાળવાની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ પગલું શીક્ષણની દિશામાં હરણફાળ પગલું છે તેમ કહી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ પગલાની દિશામાં અન્ય સંસ્થાનો પણ આગળ વધે તેવી લોકોની માગણી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા લેવાતી પરીક્ષામાં કોઈપણ જાતની ગેરરીતિ ન થાય અને લોકોને લાઈવ પરીક્ષાનું પ્રસારણ જોવા મળે તેવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લાઈવ સીસીટીવી કેમેરાનું પ્રસારણ આપવામાં આવશે. જેમાં પરીક્ષા કેન્દ્રોના લાઈવ દ્રશ્યો લોકો નિહાળી શકશે. અત્યાધુનિક સુવિધા રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં ખુલ્લી મુકી જાહેરાત કરવામાં આવી હતી.

સીસીટીવી કેમેરા (CCTV Camera Live) થકી પરીક્ષા કેન્દ્રના લાઈવ દ્રશ્યો નિહાળી શકાય તેવી સુવિધા ઉભી કરવાથી ગેરરીતિ પર બ્રેક લાગશે. આ સાથે જ મોટો નિર્ણય લેવાયો છે કે, પરીક્ષાના પેપર પર કેન્દ્રનું ખાસ QR કોડ હશે. QR કોડ પરથી જો કોઈ પેપર લીક થાય તો તેનું પગેરું મેળવી શકાશે. સાથે જ ગેરરીતિ સબબ જે તે પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્યણ બાદ આગામી તારીખ 19થી શરૂ થતી પરીક્ષાની પારદર્શકતા જાળવવા માટે સુવિધા શરૂ કરવાનું જણાવાયું છે. પરીક્ષા કેન્દ્રમાં ઓફિશિયલ ઈ-મેઈલ એડ્રેસ પર પરીક્ષા શરૂ થાય તેની અડધો કલાક પહેલા મેઈલ કરી પ્રશ્ન પત્ર મોકલી દેવામાં આવશે. આ પ્રશ્નપત્રમાં કેન્દ્રનું ખાસ QR જોવા મળશે. જેના કારણે કોઈ ગેરરીતિ થાય કે પ્રશ્નપત્ર લીક થશે તો તાત્કાલીક તે QR પરથી પરીક્ષાનું કેન્દ્ર જાણી શકાશે.

કેવી રીતે જોઈ શકાશે લાઈવ CCTV

ચાલુ પરીક્ષાના સીસીટીવી લાઈવ ફૂટેજ જોવા માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. વેબસાઈટ પર જઈ એક્ઝામ સીસીટીવી કેમેરા લાઈવ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ, મોરબી, અમરેલી, દીવ અને જામનગર તેમજ સુરેન્દ્રનગરના વિકલ્પો જોવા મળશે. જેમાંથી જે જિલ્લાના કોલેજ કેન્દ્ર કે જ્યાં પરીક્ષા લેવામાં આવતી હોય તે પસંદ કરી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને લાઇવ નિહાળી શકાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી 127 પરીક્ષા કેન્દ્ર પર અલગ અલગ 50 જેટલા અભ્યાસક્રમોની 51,955 વિદ્યાર્થીઓ પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે 72 ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરવાનું જણાવી દેવાયું છે. જે પરીક્ષા કેન્દ્રો પાસે સીસીટીવી કેમેરાની સુવિધા નથી તેમને પણ વહેલી તકે સીસીટીવી કેમેરા ફીટ કરાવી દેવાનું પણ જણાવાયું છે. પરંતુ જો કોઈ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા ન હોય તો તેને સ્થાન આપવું કે નહીં તે બાબતે કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. પણ માહિતી મળી રહી છે કે, આગામી પરીક્ષાના તમામ 127 પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયેલી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયની સરાહના સાથે જ લોકોમાં ચર્ચા છે કે, આ નવીનત્તમ સુવિધા કેટલા દિવસ અને કેટલી સાર્થક છે તે તો સમય આવ્યે જ ખબર પડી શકે છે.

Saurashtra University Exam Live CCTV

Must Read