Rajkot Update News રાજકોટ : રાજકોટ શહેમાં મેઘરાજાએ એન્ટ્રી કરી અને આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસાવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં RMC ની પ્રિ-મોન્સૂન કામગીરી પણ ઉડીને આંખે વળગી હતી. રાજકોટમાં આજે બપોર સુધી બફારો અને ગરમી વચ્ચે લોકો અકળાયા હતા. પરંતુ વાતાવરણે પલટો મારી ઘાટા વાદળો સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વરસાદ વરસતા લોકો વરસાદમાં ન્હાવા નિકળી પડ્યાં હતા. પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઘરમાં ઘુસી જાય તે હદે ભરાવો થયો હતો. વળી કેટલાક મુખ્ય માર્ગો પણ પાણીથી છલકાઈ ગયેલા જોવા મળ્યા હતા.
રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં પોણો ઈંચ વરસાદ, રાજકોટ પશ્ચિમ ઝોનમાં પોણા ત્રણ ઈંચ અને પૂર્વ ઝોનમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન [Pre Monsoon] કામગીરીનો દાવો ઉઘાડો પડી ગયો હતો.
રાજકોટમાં કેટલાક ઘરમાં ઘૂસ્યા પાણી તો કેટલાય રોડ ડૂબ્યા પાણીમાં – Rajkot Update News

રાજકોટ મહાનગરપાલિકાના સાધુ વાસવાણી રોડ પર ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. પાણીના કારણે વાહન ચાલકો અને રિક્ષા ચાલકો ફસાયા હતા. ઉપરાંત મવડી વિસ્તારમાં કેટલીક સોસાયટીના મકાનોમાં પાણી ઘુસવા લાગતા લોકો પરેશાન થઈ ગયા હતા. તેમજ 150 ફૂટ રિંગરોડના કેટલાક ભાગ તેમજ રૈયા, ધરમનગર અને શિતલ પાર્ક પાસે પણ ભરાતા નાગરિકો હેરાન થતા જોવા મળ્યા હતા.
જાહેર માર્ગો પણ પાણીથી ભરાયેલા હોય વાહનો ટપોટપ બંધ થવા લાગ્યા અને કેટલાક સ્થળો પર ટ્રાફિક જામ થયા હતા. વાહન ચાલકો પરેશાન થયા હતા જ્યારે ઘરમાં પાણી ઘુસ્યા તેમની હાલત કફોડી થઈ ગઈ હતી. ત્યારે શહેરીજનો મહાનગરપાલિકા તાત્કાલીક સમસ્યાનો નિકાલ કરે તેવી માંગણી કરતા જોવા મળ્યા હતા.
વીજળી ગુલ થવાની સમસ્યામાં લોકોને મોટાભાગે રાહત મળી હતી. પરંતુ શહેરના પ્રહલાદ પ્લોટ પાસે આવેલા દિગ્વિજય પ્લોટના ટ્રાન્સફોર્મરમાં કડાકા-ભડાકા થયા હતા. ધડાકાભેર ટ્રાન્સફોર્મર ખરાબ થતા આસપાસ હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.