36 C
Ahmedabad

રાજકોટમાં PGVCLની 48 ટીમ આ વિસ્તારોમાં ઉતરી કરી રહી છે સઘન ચેકિંગ

Published:

Rajkot update News રાજકોટ : વીજચોરી અટકાવવા રાજકોટ શહેરમાં એક સપ્તાહ બાદ ફરી એક વખત PGVCLએ વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું છે. આજરોજ તારીખ 20 જૂનના રોજ PGVCLની ટીમ દ્વારા વહેલી સવારથી જ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળની વિસ્તાર આજી 1 તેમજ આજી 2 સબ ડિવિઝન વિસ્તારોમાં 48 ટીમ ચેકિંગ માટે ઉતરી પડી છે. વીજ ચેકિંગમાં નિકળેલી ટીમના હાથે મોટાપાયે વીજળી ચોરી ઝડપાશે તેમ માનવમાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં પણ રાજકોટ ગ્રામ્ય તેમજ આગળના સપ્તાહમાં રાજકોટ શહેરમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા દોઢ કરોડની માતબાર રકમની વીજળી ચોરી પકડવામાં સફળતા મળી હતી.

રાજકોટ શહેરી વિસ્તારોમાં આજ વહેલી સવારથી જ PGVCLની 48 ટીમ મેદાને ઉતરી પડતા વીજળી ચોરી કરતા લોકોમાં ફફડા વ્યાપી ગયો છે. આ ટીમ શહેરના ભગવતીપરા, જય પ્રકાશ નગર, ચુનારાવાડ, દૂધસાગર રોડ અને ગંજીવાડા વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે. ચેકિંગના વિસ્તારમાં 11 KVના 4 ફિડરોને આવરી લેવામાં આવ્યા છે.  

ગત 17 જૂનના રોજ વીજચોરી માટે હાથ ધરેલા ઝુંબેશમાં આટકોટ અને વીંછિયામાંથી 95 કનેક્શનમાંથી રૂપિયા 21.50 લાખની વીજળી ચોરી ઝડપાઈ હતી. આટકોટ અને વીંછિયામાં કુલ 30 ટીમો દ્વારા 668 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. એજ પ્રકારે 15 જૂનના રોજ ગોંડલ ડિવિઝનના વિસ્તારમાં કોર્પોરેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં 797 કનેક્શન ચેક કરતા 84 કનેક્શનમાંથી રૂપિયા 44.15 લાખની વીજળી ચોરી ઝડપાઈ હતી.

Related articles

Recent articles