36 C
Ahmedabad

શિક્ષકો વિના કેમ ભણશે ગુજરાત ? લોધીકાના આગેવાનોની રજૂઆત: રાજકોટ

Published:

Rajkot Update News લોધીકા : રાજકોટના લોધીકા તાલુકામાં શિક્ષણને લઈ સવાલ ઉઠવાનું શરૂ થયું છે. ગ્રામપંચાયત સંચાલિત ખીમાણી હાઈસ્કૂલમાં નિવૃતી બાદ નવા શિક્ષકો અને આચાર્યની ભરતી નહીં થઈ હોવાનું ગ્રામજનો જણાવે છે. ગામના સામાજિક આગેવાનો જણાવે છે કે હાલ શાળામાં એક પટાવાળા સિવાય તમામ પદ ખાલી પડેલા છે. જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ વગર ભણવા મજબૂર હોય તેઓ અભ્યાસથી વંચિત રહે તેવી ભીતી સર્જાય છે.

આસપાસના ગામ ચાંદલી, જેતાકુબા, કોઠા પીપળીયા, અભેપર, સાંગણવા, માખાવાડ, ચાપાબેડા સહિતના ગામના વિદ્યાર્થીઓ લોધીકામાં ભણવા આવે છે. પરંતુ શાળામાં શિક્ષકો નહીં હોવાથી ગરીબ અને આર્થિક રીતે નબળા વાલીઓના બાળકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે તેઓ મોંઘીદાટ શાળાઓની ફી ભરી શકે તેમ નથી અને સરકારી શાળા પાસે શિક્ષકો નથી.

Rajkot Update News શિક્ષકો વિના કેમ ભણશે ગુજરાત: લોધીકા

ગામની કમનસીબી છે કે માજી સરપંચ પરબતભાઈ ભૂત તેમજ સ્વર્ગસ્થ આગેવાન ગુમાનસિંહ જાડેજાના પ્રયાસો તેમજ દાન થકી ખડી શાળાનું નવનિર્માણ થયેલ છે પરંતુ સરકાર તરફથી તેમાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવતી નથી. પરિણામે સુંદર અને વિશાળ રમત-ગમત મેદાન ધરાવતી શાળા હોવા છતાં વિદ્યાર્થીઓ મોંઘીદાટ ખાનગી શાળામાં જવા મજબૂર છે.

ગામના સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, પૂર્વ સરપંચ મનુભાઈ સોલંકી તેમજ સામાજિક કાર્યકર ગૌરવ હંસોરા દ્વારા શિક્ષકોની નિમણૂક કરવા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું છે કે, સરકારની નેમ છે કે ખેલશે ગુજરાત-ભણશે ગુજરાત પરંતુ શિક્ષકો વગરની શાળામાં કેમ ભણશે બાળકો ?

Related articles

Recent articles