Rajkot Update News રાજકોટ : રાજકોટ-જામનગર હાઈવે પર ગઈકાલે તારીખ 22 જૂનના રોજ ટ્રક અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભયંકર અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે ટ્રાફિક દૂર કરી અકસ્તાત થયેલા વાહનોની તપાસ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે બુધવારે રાજકોટ-જામનગર હાઈવે (Rajkot-Jamnagar Highway Accident)પર તરઘડી ગામ નજીક ઈકો કાર (Eco Car) અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે ઈકો કારની એક સાઈડનું પડખું દબાઈ ગયું હતું. જેના પગલે કારની એક સાઈડ બેઠેલી વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત હોય તાત્કાલિક 108ની મદદથી સારવાર હેઠળ ખસેડાયા હતા.
ઘટનાની જાણ થતા આસપાસથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને ગામના સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા. સ્થાનિકોના મતે ઈકો કાર અને ટ્રક બંને પુરપાટ ઝડપે જતા સમયે અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઈકો કારમાં પેસેન્જર ભરી ગેરકાયદેસર રીતે રાજકોટ-જામનગર વચ્ચે ફેરા કરતી ઈકો કારને લઈ અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે. આ મામલે સ્થાનિકોમાં ચર્ચા છે કે, તંત્રના કર્મચારીઓ દ્વારા હપ્તા ખોરી કરી આવી બેફામ ગેરકાયદેસર ચાલતી ઈકો કારના ધંધાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર દ્વારા ક્યારે અને કેવા પગલા લેવામાં આવશે.