રાજકોટ : સાયબર ક્રાઈમ (Cyber Crime) કરતા ગઠીયાઓ રોજ નવા-નવા કિમિયા શોધી લોકોને છેતરી રહ્યાં છે. રાજકોટની આ ઘટનામાં પણ ભેજાબાજોએ લક્કી કસ્ટમર છો કહી 23 રૂપિયાના ઈનામની લાલચ આપી ખાતું ખાલી કર્યાના અહેવાલ મળી રહ્યાં છે. રાજકોટ (Rajkot Update News) ના પારડીમાં રહેતા કેશોદના વતની જીગર મહેન્દ્રભાઈ બાવનજી સાથે થયેલી છેતરપિંડી પોલીસ ચોપડે પહોંચી છે. જીગરને ફોન કરી ફોન પે (PhonePe) કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી લક્કી કસ્ટર હોવાથી રૂ. 23 હજારના ઈનામની વાત કરી હતી. આ મામલે જીગરે પોલીસ ફરિયાદ કરી છે.
ફરિયાદી જીગરની ફરિયાદ મુજબ, તે શાપરની ગોલ્ડન ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ જોની કિચનવેર નામના કારખાનામાં નોકરી કરે છે. જીગર અભણ હોય માત્ર સહિ કરતા જ જાણે છે. જીગરનો અકસ્માત થતા તેણે રાજકોટ એસ્ટ્રોન ચોક પાસે હોસ્પિટલમાં સારવાર માટે જવાનું હોય સેઠ પાસેથી 10 માર્ચના રોજ ફોન કરી બેંક ઓફ બરોડામાં 4000 રૂપિયા મંગાવ્યા હતા. આ પૈસા તેના ખાતામાં જમાં થયા હતા.
પરંતુ બીજા દિવસે તારીખ 11 માર્ચે તે ઘરે હતો ત્યારે તેના મોબાઈલમાં એક ફોન આવ્યો હતો. તેમાં હિન્દીમાં કોઈ વ્યક્તિ વાત કરતો હતો અને પોતાને ફોન પેનો કર્મચારી જણાવ્યો હતો. ફોન કરી જીગરને કહ્યું કે તમે ફોન પે એપ્લિકેશન ઉપયોગ કરો છો અને તમે લક્કી ગ્રાહક છો. અને 23 હજાર રૂપિયાના ઈનામ લાગ્યાની વાત કરી હતી. જીગરે કોઈ ઈનામ નથી જોઈતું તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. પરંતુ થોડી વારમાં ફરી ફોન આવ્યો હતો કે, તમારા વોટ્સએપમાં લિંક મોકલી છે તે ડાઉનલોડ કરો. આ લિંક ડાઉનલોડ કરતા ISL લાઈટ નામની મોબાઈલ એપ ઈન્સટોલ થઈ ગઈ હતી.
બાદમાં ફોન હેક થયો અને બે કલાક સુધી માત્ર ફોન આવતા હતા બીજું કંઈ થતું નહોતું. જીગર પોતાના ભાઈ અંકિત સાથે રાજકોટ દવાખાને ગયો ત્યારે ATMમાં પૈસા ઉપાડવા મોકલ્યો હતો પરંતુ તેણે કહ્યું કે ખાતામાં પૈસા નથી. જેથી બેલેન્સ ચેક કરતા રૂપિયા 3500 ઉપડી ગયાની જાણ થઈ હતી. આથી જીગરે ગાંધીનગર સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફોન કરી છેતરપિંડીની માહિતી આપી હતી. જે અરજી રાજકોટના શાપર પોલીસ સ્ટેશનમાં આવી હતી. ખાતામાંથી રૂપિયા ઉપાડી લેનાર શખસ ઝારખંડ રાજ્યમાં પકડાયો હતો. તેનું નામ બામનીદાસ હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.
વધુ વાંચો- રંગીલા રાજકોટમાં લોકો પડી રહ્યાં છે ખાડામાં RMC જાગે છે કે કેમ જનતાનો છે સવાલ