રાજકોટ ન્યુઝ : રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે (Rajkot City Crime Branch) છેલ્લા દિવસોમાં થયેલી જથ્થાબંધ ચોરીના 3 આરોપી પકડી પાડ્યા છે. પોલીસે આરોપી પકડી પુછપરછ કરતા આશરે પંદર દિવસમાં જ 5 ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી રૈયાધાર ગેબનશાહપીરની દરગાહ સામે રહેતો શાહરૂખ મુનાફભાઈ પઠાણ, વિજયપ્લોટ શેરી નંબર 25માં રહેતો છોટુભાઈ જયંતિભાઈ સોલંકી સહિત 1 સગીર વયના આરોપીની ધરપકડ કરી હતી.
વધુ વાંચો- રાજકોટમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ; કાળીયો ઠાકર પોલીસ બની આવ્યો: માલિક

આરોપીઓની પુછપરછ કરતા ગત 15 દિવસની ચોરીના 5 જેટલા કેસના ભેદ ખોલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. મહત્વની વાત છે કે, આરોપી છોટુ ઉર્ફે જયંતિભાઈ સોલંકી તાજેતરમાં જ પોરબંદર જેલામાંથી ચોરીના કેસમાંથી છુટ્યો છે. આરોપી છોટુ દુકાનના તાળા તોડવામાં અને પતરા ઉંચકી અંદર પ્રવેશ કરી ચોરી કરવાનો માહેર હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
પોલીસ તપાસમાં આરોપીઓએ કેફિયત આપી હતી કે, જંકશન પ્લોટમાં આવેલા અમૂલ પાર્લર, જ્યુબેલી માર્કેટ ચોકમાં આવેલ પાન-બીડીની એજન્સી, એસબીઆઈ બેંકમાં ચોરીનો પ્રયાસ, પાંચ દિવસ પહેલા એરપોર્ટ રોડ પાસે આવેલ વિશાલ માર્ટ નામન દુકાનમાં ચોરી તેમજ ગુંદાવાડીના ચોરા પાસે આવેલા યદુનંદન ટ્રાન્સપોર્ટમાંથી બે ચાંદીના સિક્કાની ચોરી કરી હતી.

પોલીસે આરોપી પાસેથી 5 નંગ મોબાઈલ, સી.એન.જી. રિક્ષા, 4 લક્ષ્મીછાપ મેટલના સિક્કા, ડેરી મિલ્ક ચોકલેટ 8, 5 લીટર તેલના ડબ્બા નંગર2, સીગારેટ નંગ 38, ડ્રાયફ્રુટના 3 પેકેટ અને ગુનામાં ઉપયોગમાં લેતા હોય તે ડીસમીસ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી શાહરૂખ અગાઉ રાજકોટ અને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુના સબબ નોંધાયેલો છે જ્યારે આરોપી છોટુ પોરબંદરમાં 6 વખત પોલીસ ચોપડે નોંધાયો છે.