36 C
Ahmedabad

રાજકોટમાં કુરિયર આવ્યું છે લઈ જાઓ કહી ઈકો કારમાં સગીરના અપહરણનો પ્રયાસ

Published:

Rajkot Update News : રાજકોટ : રાજકોટમાં ધોળા દિવસે લૂંટની ઘટનાએ ચકચાર મચાવી હતી ત્યાં અપહરણના પ્રયાસની કથિત ઘટના સામે આવી છે. રાજકોટના નિર્મલા મેઈન રોડ પાસે ત્રણ શખ્સોએ એક સગીરનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. કુરિયર આવ્યું છે આવીને લઈ જાઓ તેમ જણાવી સગીરને ઉઠાવી જવાનો પ્રયાસ થતા સગીરે બુમાબુમ કરી દેતા ત્રણેય શખ્સો નાસી ગયા હતા. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતા અહેવાલો મુજબ રાજકોટના નિર્મલા મેઈન રોડ પર રહેતા તબીબ ડો.જીગ્નેશ ખંધડિયા અને ડો.હેમા ખંધડિયાના સગીર વયના પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો. ઈકો કાર લઈ આવેલા ત્રણ શખ્સોએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી રહી છે. સગીરે પોલીસને જણાવ્યા અનુસાર ગત રાત્રીના 9:17 વાગ્યે દાદી સાથે ઘરે હતો ત્યારે મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેમાં તેમણે બ્લુડાર્ટ કુરિયરની ઓળખ આપી પાર્સલ આવ્યું છે તેમ જણાવ્યું હતું. પાર્સલ ઘર નીચે આ લઈ જાવ તેમ કહેતા સગીર નીચે ગયો હતો. જ્યાં સફેદ રંગની ઈકો કાર હતી તેની બાજૂમાં એક શખ્સ ફૂટપાથ પર ઉભો હતો. આ શખ્સને પાર્સલના કેટલા પૈસા આપવાના છે તેમ પુછતા એક શખ્સ કારમાંથી નીચે ઉતર્યો અને મારી પાસે આવ્યો હતો બાદમાં બંનેએ મળી મને કારમાં ખેંચી જવા લાગ્યા હતા.

રાજકોટમાં કુરિયર આવ્યું છે કહી ઈકો કારમાં સગીરના અપહરણનો પ્રયાસ – Rajkot Update News

ઈકો કાર તરફ ખેંચી જતા બંને શખ્સો સાથે સગીર ઝપાઝપી કરતા ત્રીજો શખ્સ પણ ઈકોમાંથી આવ્યો હતો. અને આમ ત્રણેય શખ્સો મળી સગીરને ઈકો કારમાં નાખવા માટે પ્રયાસ કરતા હતા. આ ઝપાઝપીમાં પડી જતા સગીરન પગમાં મુંઢમાર ઈજા પહોંચી છે. સગીરે પોલીસને જણાવ્યા મુજબ બાદમાં બુમાબુમ કરતા આ ત્રણેય શખ્સો ઈકો કારમાં બેસી નાસી ગયા હતા. કારમાં કોઈ રજીસ્ટર નંબર પણ હતો અને બાદમાં સગીરે આ ઘટનાની જાણ પિતાને કરી હતી.

રાજકોટની ગાંધીગ્રામ પોલીસ તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. અપહરણકારો કોણ હતા, હાલ ક્યાં છે તેમજ શા માટે અપહરણ કરવા આવ્યા હતા તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

Related articles

Recent articles