Homeગુજરાતરાજકોટવાયરલ તોફાની રાધા અને બેફામ ડાયલોગ બાજી કરતા કળાકારોને પણ નાથવા જરૂરી:...

વાયરલ તોફાની રાધા અને બેફામ ડાયલોગ બાજી કરતા કળાકારોને પણ નાથવા જરૂરી: રાજકોટ

-

રાજકોટ : હાલ રાજકોટ પોલીસને જાણે કામનું ભારણ ઓછું હોય તેમ સોશિયલ મીડિયામાં બેફામ બનેલા યુવક-યુવતીઓએ કામ વધારી દીધું હોય તેવું જણાય છે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં ફેમશ થવા માટે કાયદાની ઉપરવટ જવાનો જાણે ક્રેઝ પેદા થયો હોય તેમ જણાય છે. ક્યારેક કાર ડેમમાં ઉતારવાની તો ક્યારેક કારના બોનેટ પર બેસી તો ક્યારેક ફાયરિંગ કરી હદ ત્યારે થઈ જ્યારે યુવકની જાહેરમાં ધોલાઈ કરી ઘેલછા ભરેલા વિડીયો વાયરલ કરી ફેમશ થવા સાથે પોતે ખુંખાર હોવાનો પણ હાઉ ઉભો કરવાનો પ્રયાસ થતો હોય તેમ જણાય છે. આટલું ઓછું હોય તેમ તોફાની રાધાનો વિડીયો વાયરલ (Viral Tofani Radha) થયો છે.

રાજકોટમાં તોફાની રાધા નામનું રાખી ઠક્કર નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હાલ ચર્ચામાં છે. તોફાની રાધાના ઈન્સ્ટાગ્રામમાં ત્રણ વિડીયો રિલ્સ છે જે હાલ ચર્ચામાં છે. એક વિડીયોમાં ગુજરાતી કલાકારનો ડાયલોગ, ‘તમારા નામની એફઆઈઆર ફાટે અને કહે કે હે બાપા અમને જામીન મળશે, અમને જામીન મળશે. અરે …. તમારે બાધવા (ઝઘડો કરવા) જ ન જવાય’ નું મ્યુઝિક છે પાછળ એક પોલીસની કાર છે અને અંત ભાગમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના ટેગ સાથે કથિત રીત પોલીસ સ્ટેશનમાં હોટલની માફક બેઠી હોય તેવો સીન છે.

બીજા વિડીયોમાં, બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ડાયલોગ છે ‘હા કે અમને જોય ઘણાંને મરચા લાગી જાય છે અમારા નામના તો ધ્યાન રાખજો અમારું તો કામ જ છે જપ કરવા રામના નામના અને મમરા ભરી દેવા ગામના’ અને યુવતી કાર થોભાવ્યા વગર ટોલનાકાનું બેરિયર તોડી ભાગતી હોય તેવુ દ્રશ્ય દેખાય છે. આ વિડીયોમાં અંગ્રેજીમાં જેતપુર ગુજરાતનું લખાણ જોવા મળે છે.

ત્રીજા વિડીયો (Video)માં પણ આજ પ્રકારે જોઈ શકાય છે કે યુવતી કોઈ ટોલનાકા પરથી પસાર થવા દરમિયાન પૂરપાટ ઝડપે કાર ચલાવી ટોલનાકાના ઓટોમેટિક બેરિયર સાથે કાર અથડાવી નાસી જાય છે.

રાજકોટ પોલીસ સરાહનીય રીતે સતત આ પ્રકારના વિડીયો પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસે લોકોને ગુના માટે પ્રેરણા આપે કે ઉશ્કેરે તેવા જાહેર કાર્યક્રમોમાં બેફામ ડાયલોગ બાજીના કલાકારોને પણ કાયદાના સકંજામાં લેવા જોઈએ. આવું કરવાથી યુવાનો તેમની વાતોમાં આવી પ્રેરણા લેતા હોય કે ગુનાખોરીની દુનિયામાં ડગ માંડવા તલપાપડ બનતા હોય તો તેમને પણ કાયદાનું અને પોલીસના રોદ્ર સ્વરૂપના દર્શન થઈ જાય તેવી લોક માંગણી ઉઠી છે.

Must Read