રાજકોટ : રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના કાળા કારોબારને નાથવા માટે સતત કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં જ શહેરના ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ક્વાર્ટરમાંથી ડ્રગના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા હતા. ત્યારે આજરોજ શહેરમાંથી SOGએ મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે બે આરોપી ઝડપી પાડ્યા છે.
રાજકોટના કુવાડવા રોડ પર માલીયાસણ ચોકડી પાસેના પોલીસ સ્ટેશન પાસેથી ગતરોજ તારીખ 21 જૂલાઈના રોજ SOGએ 2 આરોપીઓને એમ.ડી. ડ્રગના જથ્થા સાથે જડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ પિતા-પુત્ર ઈરફાન અબાસભાઈ પટણી અને અમન ઈરફાનભાઈ પટણી રાજકોટમાં ડ્રગ વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

આ કેસ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી ઈરફાન અને તેનો પુત્ર અમન પટણી બંને રાજકોટમાં શાળા-કોલેજના બાળકોને સપ્લાય કરવાનો ધંધો કરતા હતા. એસ.ઓ.જી. દ્વારા બાતમીના આધારે રૂપિયા સાડા સાત લાખની કિંમતના ડ્રગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ઈરફાન પટણી અગાઉ પણ ડ્રગના કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ચોપડે ચઢી ચૂક્યો છે.
પાર્થરાજસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, આરોપી ડ્રગનો જથ્થો અજમેર અને મુંબઈથી લાવ્યા હતા. આ મામલે કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ અજમેર અને મુંબઈથી આરોપીને કોણ ડ્રગ આપી રહ્યું હતું તેની તપાસ ચાલું છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 7 લાખ 64 હજાર 500 રૂપિયાનો મેફેડ્રોન ડ્રગનો જથ્થો તેમજ 3 મોબાઈલ સહિત રૂપિયા 8 લાખ 24 હજાર 500ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો- યુવતીએ ખર્ચો કાઢવા ડ્રગનું વેચાણ શરૂ કર્યું અમદાવાદ SOGએ કારમાં ડ્રગ સાથ પકડી