Rajkot News Update :રાજકોટ મનપા (RMC)માં આજે સામાન્ય સભા મળી હતી. સભામાં કુલ 15 પ્રશ્નોમાંથી 14 પ્રશ્ન શાસક દ્વારા મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રશ્નો લોકોપયોગીના બદલે માત્ર વાહવાહી મેળવતા અને વાહિયાત હોવાથી સામાન્ય સભાનો એક કલાકનો સમય અધિકારીઓ પાસેથી આંકડાઓની વિગત મેળવવામાં બગાડવામાં આવ્યો હતો. જેના કારણે વિપક્ષના કોર્પોરેટર દ્વારા વિરોધ સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેમજ શહેરના વોર્ડ નંબર 18માં હજુ પણ મસમોટા ખાડાઓ હોવાથી તેના વિશે ચર્ચા કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને ખાડાનો વીડિયો મોબાઇલમાં બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ મનપામાં આજે સામાન્ય સભા મળી હતી. આ સભામાં નગરસેવકો દ્વારા કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રથમ પ્રશ્ન વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મનીષ રાડિયા દ્વારા પૂછવામાં આવ્યો હતો. જેમાં આજીડેમ નજીક બનાવવામાં આવેલા રામવનમાં કેટલા લોકોએ મુલાકાત લીધી, શું શું સુવિધા છે જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
વધુ વાંચો- 3 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત: રાજકોટ
જેની સામે વિપક્ષે અડધો કલાક સુધી સભામાં રામવનની ચર્ચા સાંભળી અને બાદમાં કોઠારીયા વિસ્તારમાં ખાડા બાબતે ચર્ચા કરવામાં આવે તેવું વિરોધ સાથે સૂચન કર્યું હતું. વશરામ સાગઠીયાએ મોબાઇલ ફોનમાં ખાડાઓના વીડિયો બતાવીને વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ દવે જણાવ્યું હતું કે, તમામ ખાડા પૂરવામાં આવ્યા છે અને હજુ પણ આ કામગીરી ચાલુ જ છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે રાત્રિના બે વાગ્યે ખાડા પૂરવાનું કામ કરવામાં આવ્યું છે. તેમજ દિવાળી પૂર્વે ચોમાસુ પૂરૂ થતા તમામ ખાડા પૂરી દેવામાં આવશે.
વધુ વાંચો- રાજકોટમાં મિત્રએ દારૂ પીવડાવી બીભત્સ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપતા યુવકે ફિનાઇલ ગટગટાવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરનો છેવાડાનો વિસ્તાર એટલે કે કોઠારીયા વિસ્તાર. આ વિસ્તારમાં મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. 5 વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં આ વિસ્તારનો હજી પૂરતો વિકાસ કરવામાં આવ્યો નથી. અગાઉ કોંગ્રેસના નગરસેવકો હતા પરંતુ પાછલી ચૂંટણીમાં આ વોર્ડમાં તમામ ભાજપના જ નગરસેવકો ચૂંટાઇને આવ્યા છતાં આ વિસ્તારના લોકોના પ્રશ્નો હજુ પણ યથાવત્ છે.