- વરસાદના કેર વચ્ચે જિલ્લા પંચાયતનું માઈક્રો પ્લાનિંગ
- ૬૩ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળે મોકલી ૪૭ પ્રસુતી કરાવાઈ
રાજકોટ તા. ૧૩ જુલાઈ – એક જાણીતી કહેવત છે કે “પાણી પહેલાં પાળ બાંધવી”. આ કહેવતને યથાર્થ બનાવી છે, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે. થોડા દિવસ પહેલાં રાજકોટમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગની સેવાઓ ખોરવાઈ ન જાય તે માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓ માટે તા. ૧૧ જુલાઈ થી ૧૩ જુલાઈ સુધીનો દરેક સગર્ભા મહિલા સાથે એક આરોગ્ય કર્મચારી હોય તેવી દરેક બાબતોને ધ્યાને રાખીને જીણવટભર્યો બર્થ માઈક્રોપ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ બર્થ માઈક્રોપ્લાન હેઠળ રાજકોટ (Rajkot ) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૨૮૯ સગર્ભાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. એ યાદી અનુસાર વખતો વખત ડિઝાસ્ટર શાખા તરફથી મળતી સુચનાઓ મુજબ ગ્રામ્ય વિસ્તારના ડેમોના હેઠવાસના ગામોમાં સંભવિત પુરગ્રસ્ત પરિસ્થિત દરમિયાન વાહન-વ્યવહાર ઠપ થાય અથવા વિખુટા પડે તેવી સ્થિતિ ઉદભવે એ પહેલા જ આવા ગામોની ૬૩ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરવામાં આવી હતી.

જે પૈકી ૧૧ જુલાઈ થી ૧૩ જુલાઈ સવારના નવ કલાક સુધીમાં ૪૭ મહિલાઓની આરોગ્ય કેન્દ્રોમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરવવામાં આવી હતી. તેમજ હજુ પણ બાકી સગર્ભા મહિલાઓનું આરોગ્યની ટીમ દ્વારા ટ્રેકિંગની કામગીરી શરૂ છે.
જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની આ કામગીરી કાબેલિદાદ છે. માતા અને શિશુઓની સુરક્ષા અંગેનું આ બર્થ માઈક્રોપ્લાન આરોગ્ય વિભાગની કર્મનિષ્ઠાની સાબિતીરૂપ છે.
વધુ વાંચો- બાઈક પર યુવતીએ સ્ટંટ કર્યો, વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે શું કર્યુ જૂઓ
વધુ વાંચો- રાજકોટમાં પાણીમાં ગરક થયેલા વૃધ્ધના મૃતદેહની 24 કલાકે ઓળખ થઈ