Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 30 જેટલા કાર્યકરો જોડાયા હતા. સાથે જ ફરી એકવાર રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા. મોંઘવારી મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગીજનો મોંઘવારીનું બેસણું યોજવાના હતા. પરંતુ રાબેતા મુજબ કોંગી કાર્યકરોના સુત્રોચાર અને પ્લેકાર્ડ બતાવ્યા બાદ થોડી વારમાં અટકાયત કરી લેવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કોંગ્રેસે મોંઘવારી સામે વિરોધ નોંધવા અનોખો કાર્યક્રમ કર્યો હતો. જેમાં રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે રસ્તા પર બેસી સુત્રોચાર કરી મોંઘવારી મામલે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ ખાટરીયાએ લીંબુ મરચાનો હાર ધારણ કરી વિરોધ કર્યો હતો. જ્યારે અન્ય કાર્યકરો રાંઘણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં લખાણ લખેલા પ્લેકાર્ડ બતાવતા જોવા મળ્યા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખાટરીયા આ મામલે મીડિયાને જણાવ્યું કે, સમગ્ર દેશ ગરીબીના ખપ્પરમાં હોમાય ગયો છે. જેના કારણે આજે કોંગ્રેસ મોંઘવારીનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી છે. એક સમયે જ્યારે ગરીબોની થાળીમાં દાળ-ભાત અને શાક રોટલી સહિતના વ્યંજનો હતા. પરંતુ આજની મોંઘવારી એ હદે વધી ગઈ છે કે ગરીબોને માત્ર થાળીમાં મીઠું, મરચું અને છાશ જ બચ્યા છે.
Rajkot News મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

આ મામલે ભાજપ સરકારને આડેહાથ લેતા અર્જુન ખાટરીયા એ કહ્યું કે, ભાજપ સરકારને માત્રને માત્ર ઈલેક્શન જીતવા છે અને તેના માટે સરકાર કામ કરે છે. મધ્યવર્ગ અને ગરીબ માટે કોઈ વિચાર કરતા નથી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોંઘવારીના વિરોધમાં મોંઘવારીનું બેસણું કરવા જઈ રહ્યાં હતા. પરંતુ પોલીસે બેસણું યોજાય તે પહેલા જ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને અટકાયતમાં લીધા હતા.