Rajkot News : રાજકોટમાં ગતરોજ સાંજના સમયે એક શખ્સ પિસ્ટલ લઈ રોફ છાંટી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળેથી આરોપી જસજીત સુરેન્દ્રસિંગ ચહલની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો કે આરોપી જસજીત સાઈઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા મહિલા પીઆઈ એમ.બી. શેરગીલ (PI M B Shergil)નો પતિ છે. પોલીસે આરોપી જસજીત પાસેના હથિયાર મામલે વિગત મેળવતા આ પિસ્ટલ પણ પીઆઈ શેરગીરની સર્વિસ પિસ્ટલ હોવાનું ખુલ્યું હતું.
ઘટનાની વિગત એવી છે કે, રાજકોટ શહેરના ગરુડની ગરબી ચોક વિસ્તારમાં ગતરોજ જસજીત ચહલ પિસ્ટલ સાથે રોફ છાંટી રહ્યો હોય લોકોએ પોલીસને જાણ કરી હતી. ગરબીના મંડપનું ફિટીંગ ચાલતું હોય રસ્તા પર ટ્રાફિક જામ થતા જસજીતે કામ કરતા મજૂરો પર રોફ જમાવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી જસજીતની ધરપકડ કરી તલાસી લેતા તેના પેન્ટના ખીસ્સામાંથી ગ્લોક પિસ્ટલ મળી હતી. સાથે જ મેગ્ઝીનમાં 15 જીવતા કારતુસ લોડ પણ કરેલા જોવા મળ્યા હતા. જ્યારે બીજા ખિસ્સામાં ખાલી કારતૂસ મળી આવ્યું હતું.
વધુ વાંચો- દારૂ ખરાબ નથી ! જગમાલ વાળાની સભામાં બફાટ થયો વાયરલ
જાણે રસ્તા પર આતંક મચાવવા નિકળો હોય તેમ આરોપી જીવતા કારતૂસ સહિત બે બે મેગઝીન અને પિસ્ટલ સાથે ફરતો ઝડપાયો હતો. પોલીસે હથિયાર મામલે તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો કે સીઆઈડી ક્રાઈમના મહિલા પીઆઈ એમ.બી. શેરગીલનો પતિ જસજીત પીઆઈ પત્નીનું સર્વિસ પિસ્ટલ લઈ ફરતો હતો.
એ ડિવિઝન પોલીસ મથકમાં સબ ઈન્સપેક્ટર જે.ડી. વસાવાએ ફરિયાદી બની આરોપી વિરૂધ્ધ આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી પાસેથી પિસ્ટલ, કારતૂસ અને એક્ટિવા વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી જસજીતના પત્ની પીઆઈ શેરગીલ હાલ ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યાં છે, શેરગીલ અગાઉ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.
વધુ વાંચો- ગેરંટી કાર્ડ વાળાની ગેરંટી કોણ લેશે ? AAPને આડેહાથ લેતા જયેશ રાદડિયા: રાજકોટ