Crime News Gujarati : રાજ્યમાં હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં રાજકોટ (Rajkot)માં ભરનિંદ્રામાં સુતેલા પતિ ઉપર પોતાની ધર્મપત્નિએ જ છરીના ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિલાના આ ત્રીજા લગ્ન છે. મહિલાએ પતિ પર હુમલો કર્યા બાદ જેઠને કહ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના મવડી વિસ્તારના પટેલનગર-11માં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં ભૂપતભાઈ કરશનભાઈ રાઠોડ(ઉં.32)ના ચાર મહિના પહેલા જ ત્યક્તા સાથે લગ્ન થયા હતા. ભૂપતભાઈ સોમવારે રાત્રે પોતાના ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે જમ્યા બાદ પોતાના રૂમમાં ગયા હતા તે સમયે તેમની પત્ની મંજુ સાથે કોઇ મુદ્દે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ તેઓ પોતાના રૂમમાં સુઇ ગયા હતા.
વધુ વાંચો- રાજકોટમાં આંગણવાડીના બહેનોનો હુંકાર ! સરકારે મુદ્દત માગતા હડતાળ સમેટી પણ આ કામ તો નહીં જ થાય
ત્યારે રાત્રીના 11 વાગ્યાના અરસામાં તેમની પત્ની મંજુએ દુપટ્ટાથી તેમના હાથ બાંધી દીધા હતા અને તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો થતાં ભૂપતભાઈ નિંદ્રામાંથી જાગી ગયા હતા અને બેઠા થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના હાથ દુપટ્ટાથી સેટી સાથે બંધાયેલા હતા.
આ કારણે ભૂપતભાઈએ દેકારો કરતા પરિવારના અન્ય સભ્યો તેમના રૂમમાં દોડી ગયા હતા અને બંધાયેલા ભૂપતભાઈને છોડાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતા જ તાલુકા પોલીસ દોડી ગઇ હતી, પરંતુ ભૂપતભાઈએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપતભાઇ બે ભાઇમાં નાના છે, તેના લગ્ન ચાર મહિના પૂર્વે જ ઉપલેટાની મંજુ સાથે થયા હતા, મંજુના આ ત્રીજા લગ્ન છે, જ્યારે ભૂપતભાઇના આ પ્રથમ લગ્ન છે, મંજુ પોતાની પુત્રી સાથે ભૂપતભાઇના ઘરે આવી હતી.
ભૂપતભાઇ અને તેના મોટાભાઇ અરવિંદભાઇ એક જ મકાનમાં ઉપર નીચે રહે છે, પતિ પર હુમલો કર્યા બાદ મંજુએ તેના જેઠ અરવિંદભાઇને પોતાનાથી ભૂલ થઇ હોવાનું રટણ રટ્યું હતું. ઘરનો મામલો હોવાથી ફરિયાદ ન કરવાનું અને પોતાની પત્નીએ શા માટે હુમલો કર્યો તે અંગે પોતે અજાણ હોવાનું ભૂપતભાઈએ પોલીસ સમક્ષ કહ્યું હતું. પત્નીએ પતિને ફિલ્મીઢબે બાંધીને જે રીતે હુમલો કર્યો હતો તે ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
