રાજકોટ : રાજકોટના અક્ષર માર્ગ પર ગત બુધવારે 13 જૂલાઈના રોજ મૌલિક કાકડીયા પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનામાં મૌલિક કાકડીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હતા જેમનું મૃત્ય થતા બનાવ હત્યામાં પલટાયો છે. રૂપિયા 4 હજારની ઉઘરાણી મામલે આરોપીઓએ ખૂની ખેલ ખેલતા યુવકને જીવ ગુમાવવો પડ્યો છે.
રાજકોટમાં અસામાજીક તત્વોની આવારાગર્દી (Rajkot Crime News) ખુલ્લે આમ વધી રહી છે. ત્યારે રાજકોટ (Rajkot)ના મવડી વિસ્તારના રહેવાસી મૌલિક ચંદુભાઈ કાકડીયા ઉંમર વર્ષ 33 ગત બુધવારે સાંજે અક્ષર માર્ગ પર શિવ પાન નજીક છરી વડે હુમલો થતા ઈજાગ્રસ્ત થયા હતા. આરોપી હાર્દિકસિંહ જાડેજા અને દિપ લાઠીયા નામના શખ્સોએ ઝઘડો કરી મૃતક પર છરી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ મૃતકના શરીર પર કુલત ત્રણ છરીના ઘા માર્યા હતાની વિગતો મળી રહી છે.
આરોપીઓએ ઈજાગ્રસ્ત મિત્ર મૌલિકને વચ્ચે પડી બચાવવા ગયેલા દિવ્યેશને પણ માર માર્યો હતો. હિચકારા હુમલાને કારણે ઘટના સ્થળે લોકો ટોળે વળ્ય હતા. ઘાયલ થયેલા યુવક મૌલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ જ્યાં મૌલિકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.
વધુ વાંચો- વરસાદમાં આખલો ત્રીજા માળે ચઢી ગયો તંત્રએ ઉતારવામાં હાથ ખંખેર્યા: મહુવા
ઘટનાની જાણ થતા જ માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઘટના હત્યામાં ફેરવાતા હવે પોલીસે બંને આરોપી પર હત્યાની કલમ ઉમેરી કાર્યવાહી આગળ વધારી છે.
મૃતક મૌલિક ઉર્ફે ભાલાને આરોપી હાર્દિકસિંહ પાસેથી રૂપિયા 4 હજાર લેવાના હોય તેને હાર્દિકસિંહને મળવા બોલાવ્યો હતો. આરોપી દિપ લાઠીયા સાથે અક્ષર માર્ગ પર આવ્યો હતો. જ્યાં હાર્દિકસિંહે ઉગ્રબોલાચાલી કરી મૌલિક સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાઈ છરી વડે હુમલો કરતા મૃતક મૌલિકને ગંભીર ઈજા પહોંચી હતી.
રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસે આ મામલે મૃતકના પિતા ચંદુભાઈ ભગવાનજીભાઈ કાકડીયાની ફરિયાદ પરથી આરોપી હાર્દિકસિંહ જાડેજા અને દિપ લાઠીયા વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 307, 326, 324, 323, 504, 118, 114 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પરંતુ હવે બનાવ હત્યામાં પલાટાતા પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરશે.