Rajkot News : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગત તારીખ 06 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો (Cricket Betting) રમાડતા આરોપી રવિ જયકરભાઈ ભાયાણી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરેલી ફરિયાદ મુજબ આરોપી Diamondexchange.com/admin અને betwar777.com/admin પર માસ્ટર આઈડી (Mater ID) ચલાવી ક્રિકેટના સટ્ટા (Online Cricket Gambling)નો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. પોલીસે આ મામલે રવિ જયકરભાઈ ભાયાણી સહિત તપાસમાં ખુલે તે નામ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. પરંતુ આ મામલે પોલીસ તપાસમાં કોના નામ ખુલે છે અને તે મોટા માથા છે કે કેમ તે પોલીસ તપાસ બાદ જોવું રહ્યું.
ખુલ્લે આમ રોડ પર જુગાર રમાડતો હતો આરોપી !
પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે આવેલા રામદેવ મોબાઈલ નજીકથી આરોપી રવિ ભાયાણીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી રવિ ભાયાણી ક્રિકેટ મેચનો રન ફેરનો જુગાર રમાડતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ જણાવાયું છે કે, આરોપી સાંજના 8:30 વાગ્યે રોડ પર ઉભો રહી મોબાઈલ ફોનમાં અલગ-અલગ માસ્ટર આઈડી મારફતે જુગાર રમાડી રહ્યો હતો. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર જઈ આરોપી રવિની ધરપકડ કરી હતી.
ગ્રાહકોના પણ સાંકેતીક નામ મળ્યા
ઉલ્લેખનીય છે કે, પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રવિ ભાયાણી પાસેથી ઝડપાયેલા માસ્ટર આઈડી Diamondexchange.com/admin અને betwar777.com માં કેટલાક ગ્રાહકોના સાંકેતીક ભાષામાં નામ અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોવા મળ્યા હતા.
સળગતા સવાલો
મહત્વની બાબત છે કે, આ ફરિયાદનો આરોપી જાહેરમાં જુગાર (Online Gambling) રમાડતો ઝડપાયો હતો ઉપરાંત તેના આઈડીમાં કેટલાક ગ્રાહકોની વિગત પણ મળી છે તેવું ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદમાં જણાવાયું છે. ત્યારે કેટલાક સવાલો પેદા થાય છે કે, રાજકોટમાં ખુલ્લેઆમ જુગાર રમાડવામાં આવે છે અને પોલીસનો જુગારીઓને કોઈ ખોફ નથી ? અને અલગ-અલગ ગ્રાહકોના સાંકેતીક નામ મળ્યા છે તો ચોક્કસ આંકડો ફરિયાદમાં કેમ જાહેર નથી કરવામાં આવ્યો ? તેમજ હવે આ મામલે આરોપીને આઈડી આપનાર મુખ્ય સુત્રધારો અને તેની પાસેથી મળેલા ગ્રાહકોની વિગતો પરથી પોલીસ ગ્રાહકો વિરૂધ્ધ કાર્યવાહી કરશે ?
વધુ વાંચો- રાજકોટ: પોલીસ ચોપડે નોંધાયેલા ગુના હોવા છતાં ‘નીલ’ની પ્રેસનોટ કેમ ? પારદર્શિતા પર સવાલ