Rajkot News : રાજકોટમાં વરસાદ Varsad બાદ રસ્તાઓ પર ખાડા પડવાને કારણે મગરની પીઠ જેવા થઇ ગયા છે. આ કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ સંદર્ભે શહેરના સિવિલ હોસ્પિટલ ચોકના નિર્માણના કામમાં થઇ રહેલી ઢીલાશ અને રોડ પર પડેલા ખાડાઓને પગલે આજરોજ કોંગ્રેસ પ્રેરિત વકીલો અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ પર કંકુ-તિલક, પુષ્પ અને અબીલ-ગુલાલ દ્વારા પૂજનવિધિ કરીને અનોખી રીતે વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ અંગે વકીલ અશોકસિંહ વાઘેલાએ જણાવતા કહ્યું હતું કે, ‘’સમગ્ર રાજકોટ શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે. તેમજ હોસ્પિટલ ચોક બ્રિજના નિર્માણ કાર્યની અંતિમ તારીખ 20 જુલાઈના રોજ પૂર્ણ થયેલી છે. રૂપિયા 59 કરોડનો અંદાજિત ખર્ચ 101 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.’’
એવામાં આજરોજ કોંગ્રેસ પ્રેરિત વકીલોએ નિયત સમયમાં સિવિલ હોસ્પિટલ ચોકના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થવાના કારણે વિરોધ નોંધાવ્યો છે અને આ વિરોધ પ્રદર્શન દ્વારા ઘોર નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘’સમયસર બ્રીજનું નિર્માણ કામ પૂરું નથી થયું જેના કારણે વકીલો સહિતના રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. બ્રિજ ના નિર્માણ કાર્ય અંતર્ગત ડાયવર્ઝનના નિયમોનું પણ પાલન કરવામાં નથી આવ્યું.
મહેસાણાની અનંતા પ્રાઇવેટ લિમિટેડને મહાનગરપાલિકા દ્વારા 36 કરોડની લોન ચૂકવવામાં આવી છે, તેમ છતાં પણ અનંતા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામ સમયસર પૂર્ણ કરવામાં આવ્યું નથી. ત્યારે બીજી બાજુ શહેરના રામાપીર ચોકડી તેમજ નાના મૌવા ચોકમાં બનતા બ્રિજની પણ સમય મર્યાદા પૂર્ણ થવા છતાં તેનું નિર્માણ અધૂરું છે.”
વધુ વાંચો- ગણેશ… જે જેલમાં ભગવાન ગણેશને આકાર આપે છે