Rajkot City News રાજકોટ : રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ કેટલી હદે વધી રહ્યો છે તે આ ઘટના પરથી સમજી શકાય તેમ છે. ગઈકાલે રાત્રીના સમયે શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર ખુલ્લેઆમ હથિયારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. કાલાવડ રોડ (Kalawad Road) પર શ્રીજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાન પર આતંકી તત્વોએ ઘમાસાણ કર્યુ હતું.
રાજકોટની પ્રખ્યાત શ્રીજી હોટલની પાસે આવેલી શ્રીજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સની દુકાનના માલિકને અસામાજિક તત્વોએ ફટકાર્યો હતો. ધોકા અને છરી જેવા હથિયાર સાથે આવેલા બે શખ્સોએ દુકાન સંચાલકને છરી મારવા પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સી.સી.ટી.વી. વિડીયો ફૂટેજ વાયરલ થતા લોકો પોલીસ કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યાં છે.

આ રોડ પર અવાર-નવાર અસમાજિક તત્વોના ડિંડક થતા રહેતા હોવાની પણ લોકોમાં ચર્ચા છે. ત્યારે શહેરમાં ભયજનક હથિયારો સાથે ખૌફ ફેલાવવા માટે ફરતા અસામાજિક તત્વોને પોલીસ કાર્યવાહી કરી યોગ્ય કરે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ આવારા અને અસામાજિક તત્વોના પાલનહાર પણ માથાભારે હોય છે. તેને કારણે લોકો ફરિયાદ કરે તો પણ દબાણ કરી સમાધાન કરાવી લેવાય છે અથવા તો મામલો પોલીસ પાસે પહોંચે તે પહેલા જ તેને દબાવી દેવાતો હોય છે. માટે આ પ્રકારે વાયરલ થતા વિડીયો પરથી પોલીસ ખુદ કડક કાર્યવાહી કરે તો જ આ ભયનું સામ્રાજ્ય ફેલાવતા શખ્સોને નાથી શકાય તેમ છે.

વધુ વાંચો- RMCની મંજુરી વિના ગેરકાયદેસર હોર્ડીંગ બોર્ડ ઉભા કરવા બદલ બે એજન્સીઓને નોટીસ