રાજકોટ : રાજકોટમાં 48 શાળાની ઈમારતની મંજૂરી નથી – 40 કરતા વધારે શાળાઓ સૂચીત – Rajkot City News Gujarati : રાજકોટમાં 20 મેના રોજ મળેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના નેતાઓ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓને ઉગ્રબોલા ચાલી થઈ હતી. જે દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે 40 કરતા વધારે શાળાઓ સૂચિત છે અને 48 શાળાઓ પાસે બાંધકામની મંજૂરી જ નથી. આ ઘટના બાદ મેયરે મીડિયા સમક્ષ આવી જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલુ છે. જો કોઈ પણ શાળા પાસે બાંધકામની મંજૂરી નહીં હોય તો જવાબદારો સામે પગલા લેવામાં આવશે. સાથે જ મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું કે જરૂર પડ્યે શાળાની માન્યતા રદ્દ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી [AAP] એ શિક્ષણ વ્યવસ્થાને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એ રાજકોટ મહાનગરપાલિકા RMC ના જનરલ બોર્ડમાં શાળાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં એવું સામે આવ્યું હતું કે, રાજકોટમાં 898 શાળા-કોલેજ છે. જેમાની 491 શાળાઓ દ્વારા જ ઈમારતના પ્લાન મંજૂર કરાવાયા છે.
48 ઈમારતની નથી મંજૂરી
વળી માત્ર 86 સ્કૂલ પાસે મેદાન છે અને 125 શાળા પાસે પાર્કિંગની વ્યવસ્થા છે. અને સૌથી ગંભીર બાબત સામે આવી હતી કે 48 ઈમારતની RMCની જરૂરી મંજૂરી જ નથી. 40 સંસ્થાઓ સરકારી ખરબા કે સૂચિત જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરી બેઠા છે.
મિલકતોના થશે જીઓ ટેગિંગ: મેયર પ્રદિપ ડવ
મેયર પ્રદિપ ડવે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ સિટીને સ્માર્ટ સિટી બનાવવા માટે RMC દ્વારા વિવિધ સ્માર્ટ સોલ્યુશન અમલી કરવવામાં આવે છે. જે અંતર્ગત RMC શહેરની 5 લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરશે. જેના માટે શહેરના તમામ રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં આવતી મિલકતોના ડોર-ટુ-ડોર સર્વે પણ હાથ ધરવામાં આવશે.
શું છે જીઓ ટેગિંગની વિશેષતા ?
જીઓ ટેગિંગની વિશેષતા જણાવતા મેયરે જણાવ્યું હતું કે, તેના અનેક ફાયદા છે. જીઓ ટેગિંગ મારફતે સર્વે, માલિકી ફેરબદલ, હેતુફે, વપરાશના પ્રકારમાં ફેરફાર, નવું વધારાનું બાંધકામ, ગેરકાયદેસર નળ કનેકશન, વ્યક્તિ કે પરિવાર પાસે કેટલી મિલકત છે અને કેટલી મિલકતનો વેરો ભરવાનો બાકી છે કે ચૂકતે છે સહિતની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. સાથે જ ભયજનક ઈમારતો અંગે પણ મહાનગરપાલિકાને માહિતી મળી શકે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જીઓ ટેગિંગથી મહાનગરપાલિકાને શહેરમાં રહેલી મિલકત સબંધીત માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. જેમકે વધારાનું બાંધકામ થયેલ હોય તો તેની જાણ ટાઉન પ્લાનિંગ વિભાગને તુરંત થશે, ગેરકાયદેસર નળ કનેકશન સહિતની માહિતી મળી શકે છે.