Homeગુજરાતરાજકોટપોલીસ છે ? રાજકોટમાં ભાજપના નેતાના પુત્રએ હત્યાની ધમકી આપી ઓફિસમાં ઘુસી...

પોલીસ છે ? રાજકોટમાં ભાજપના નેતાના પુત્રએ હત્યાની ધમકી આપી ઓફિસમાં ઘુસી કર્યુ દંગલ

-

Rajkot City News Gujarati રાજકોટ : રાજકોટમાં સતત વધતી ગુનાખોરી હવે ખુલ્લેઆમ લુખ્ખાગીરી અને દાદાગીરી સુધી પહોંચી છે. રાજકોટ શહેર પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે. ત્યાં ભાજપના નેતા અને પૂર્વ જિલ્લા પ્રમુખ નાગદાન ચાવડાના પુત્ર સુરેશ ચાવડાની દાદાગીરીનો આરોપ સામે આવ્યો છે. જેમાં કથિત રીતે વ્યાપારી દ્વારા નેતા પુત્ર સુરેશ દ્વારા રૂપિયા 39 લાખના 1 કરોડ 92 લાખ ચૂકવી દિધા બાદ પણ 1 કરોડ 25 લાખની માંગણીનો આક્ષેપ થયો છે. નેતા પુત્ર આ રકમની પઠાણી ઉઘરાણી કરવા માટે ફરિયાદીની ઓફિસમાં સોડા બોટલ સાથે ઘસી ગયો અને હત્યાની ધમકી આપી હતી. ત્યારે ઈન્ચાર્જ કમિશનર અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વ્યાજખોરો સામે આકરા પગલા લેવાની વાત કેટલી દમદાર છે એ તરફ સૌની નજર રહે તેવી સ્થિતી સર્જાઈ છે..

રાજકોટમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ કાર્યવાહીની શહેરીજનો દ્વારા રાહ જોવાઈ રહી છે. ત્યારે આજરોજ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રામદેવ પીર ચોકડી પાસે આવેલી નંદકિશોર બિલ્ડિંગ મટિરિયલના સંચાલક મહિપત ડાંગરની ઓફિસે હુમલો અને હત્યાની ધમકીની ઘટના સામે આવી છે. પીડિત મહિપત ડાંગરે ટેલિફોનીક ચર્ચામાં જણાવ્યા મુજબ ભાજપ BJPના નેતા અને પૂર્વ જિલ્લા પ્રમુખ નાગદાન ચાવડાના પુત્ર સુરેશ તેમની ઓફિસે સોડા બોટલ લઈ ઘુસી આવ્યો અને હત્યાની ધમકી આપી હતી.

રાજકોટમાં ભાજપના નેતાના પુત્રએ હત્યાની ધમકી આપી ઓફિસમાં ઘુસી કર્યુ દંગલ Rajkot City News

આ ઘટનાનું કારણ મહિપત ડાંગર પૈસાની લેતી દેતી હોવાનું જણાવે છે. સાથે જ તેઓ જણાવે છે 4-5 વર્ષ પહેલા તેમના પારિવારીક સબંધને નાતે સુરેશ ચાવડા તેમની ઓફિસે બેસવા આવતા હતા. દરમિયાન તેમણે જણાવ્યું કે મારી પાસે 39 લાખ જેટલી રકમ બીન ઉપયોગી પડી છે તો તમને આપું તો તમે ઉપયોગ કરો. બાદમાં આ રકમ મામલે તેમણે વ્યાજ સાથે લેણું કાઢતા પારિવારીક સબંધને ઉપલક્ષે સમાધાન કરી રૂપિયા 1 કરોડ 39 લાખ ચૂકવી દિધા અને સમાધાન કર્યું હતું. મહિપત ડાંગર જણાવે છે કે આ સમાધાન સ્ટેમ્પ પેપર પર લેખીત રીતે થયેલું છે. માટે મારી પાસે તે વાતના પુરાવા પણ છે.

બાદમાં સુરેશ ચાવડા એ 18 તારીખના રોજ મહિપત ડાંગરના વેજાગામ સ્થિત ફાર્મ હાઉસ પર જઈ તેમના ભાઈને પૃચ્છા કરી હતી કે તારો ભાઈ ક્યાં છે, અને શાબ્દિક બોલાચાલી કરી જતો રહ્યો હતો. બાદમાં આજરોજ મહિપતભાઈની 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ઓફિસની સામે બપોરે 3 વાગ્યાથી સુરેશ ચાવડા કાળા રંગની 1 નંબરની સ્કોર્પીયો કાર લઈ બેઠો હતો. બાદમાં સુરેશ મહિપત ભાઈની ઓફિસમાં ઘસી આવ્યો અને ઓફિસની બાજુમાં આવેલી દુકાન પરથી સોડાની બોટલ ઉઠાવી લાવ્યો. ઓફિસમાં બબાલ કરી અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો.

મહિપત ડાંગર જણાવે છે કે આજરોજ સુરેશ ચાવડા તેમની ઓફિસે આવી હત્યાની ધમકી આપી રૂપિયા 1 કરોડ 25 લાખની માંગણી કરતો હતો. આ ઘટનાની જાણ મહિપત ડાંગરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી આપ કરી છે, સાથે જ તેઓએ પી.એસ.આઈ. હડિયાને પણ મળી જાણ કરી છે. પરંતુ પોલીસે એફ.આઈ.આર. નોંધી નથી. આ મામલે જરૂર પડશે તો તેઓ પોલીસ કમિશનર પાસે પણ રૂબરૂ જઈ ફરિયાદ કરશે.

આ મામલે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે આવનારો સમય જ કહેશે. પણ શહેરીજનો રાજકોટ શહેર પોલીસની અરજી લેવાની પણ સીધી એફ.આઈ.આર. દાખલ નહીં કરવાની સ્ટાઈલ પર સવાલો કરવા લાગ્યા છે.

Must Read