Homeગુજરાતરાજકોટરાજકોટમાં 11 ઉપરાંત બાકીના 14 ટ્રાફિક સિગ્નલ ટૂંક સમયમાં ઓટોમેટેડ કરવામાં આવશે:...

રાજકોટમાં 11 ઉપરાંત બાકીના 14 ટ્રાફિક સિગ્નલ ટૂંક સમયમાં ઓટોમેટેડ કરવામાં આવશે: રાજકોટ

-

રાજકોટ : તા. ૧૩ જુલાઈ – રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ (IPS Raju Bhargav)ની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરએ રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના પ્રશ્નોના નિરાકરણ માટે મહાનગર પાલિકા સાથે સંકલન સાધી ખાસ રોડ મેપ તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

રાજકોટ શહેર પોલીસ કમિશનર ભાર્ગવે ટ્રાફિક નિયમન માટે ભવિષ્યને ધ્યાનમાં લઈને રોડ એન્જિનિયરિંગ કરવા પર ખાસ ભાર મુક્યો હતો. આગામી વર્ષોમાં વાહનોની સંખ્યા અને વધારા મુજબ રોડની પહોળાઈ અને રોડ વચ્ચેના સર્કલની ડિઝાઇન તૈયાર કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ બેઠકમાં રાજકોટ શહેર આસપાસના ગોંડલ રોડ ચોકડી (Gondal Chowkdi), ગ્રીનલેન્ડ ચોકડી (Greenland Chowkdi), માર્કેટિંગ યાર્ડ (Marketing Yard), ત્રંબા (Tramba), સરધાર (Sardhar), બેડી નાકા (Bedi Naka), માંડાડુંગર (Manda Dungar) સહિતના બ્લેક સ્પોટ ઝોન પર અકસ્માત નિવારણ માટે વિવિધ વિભાગ દ્વારા લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્લેક સ્પોટ વિસ્તાર (Black Spot Area)માં રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવર્ઝન સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯ની સાપેક્ષ ગંભીર અકસ્માતોનું પ્રમાણ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટવા પામ્યું છે.

આ તકે મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ વાહનોની સંખ્યાને આધારે ઓપરેટ થાય તે માટે તબક્કાવાર તેમને ઓટોમાઇઝેશન કરવાની કામગીરી વેગવંતી બની હોવાનું અધિકારી દ્વારા જણાવાયું હતું. હાલ ૩૦ સિગ્નલો પૈકી ૧૧ સિગ્નલો ફૂલી ઓટોમેટિક થઈ ચુક્યા છે તેમજ બાકીના ૧૪ જેટલા સિગ્નલ આગામી થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે.

રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા, મહાનગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા માટે સર્વે સહિતની કામગીરી, દબાણ હટાવની કામગીરી અંગે વિભાગ દ્વારા માહિતી પૂરી પડાઈ હતી.

આ તકે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડીધારકોને દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહ્યાનું એ.સી.પી. ટ્રાફિકએ જણાવ્યું હતું.

રોડ સેફટી મિટિંગમાં સ્પેશિયલ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીના, એસીપી ટ્રાફિક મલ્હોત્રા, રોડ સેફટી વિભાગના નિવૃત્ત સી.ઈ.ઓ. જે.વી. શાહ, આર.ટી.ઓ. અધિકારી પી.બી. લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ, એલ એન્ડ ટી, એન.એચ.એ.આઈ. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય જયેશભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો- આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી, વરસાદના કેર વચ્ચે 63 સગર્ભાને સુરક્ષિત કરી 47 પ્રસુતી કરાવાઈ

Must Read