કવિ અને કવિતા
સંપાદક: જેતસીભાઈ ગ્રામશિલ્પી
- કવિ પરિચય
કવિ નામ: ગૌતમ રાઠોડ
પૂરૂં નામ: ગૌતમકુમાર કાંતિલાલ રાઠોડ
જન્મ તારીખ: ૧૪/૦૪/૧૯૭૭
અભ્યાસ: એમ.એ., બી.ઍડ્. નેટ પાસ, પી. એચડી. (ગુજરાતી)
વ્યવસાય: જવાહર નવોદય વિદ્યાલય (શિક્ષા વિભાગ, ભારત સરકાર) શિક્ષક
હાલનું સરનામું: જવાહર નવોદય વિદ્યાલય, નિવારસી કુરુક્ષેત્ર, હરિયાણા
સંપર્ક નંબર: ૮૭૮૦૯ ૬૧૯૭૦
સર્જન વિશે: ગીત, ગઝલ, અછાંદસ, મુક્તક અને કાઈકુ
કાઈકુ
હાથમાં કશું નથી
લાચારી જ છે
પેટમાં આગ બળે.
*
પગમાં શૂળ અને
મનમાં પીડ
છતાં ચાલવું રહ્યું.
*
જમના ધાટે ગઈ
પાણી ભરવા
ખુદ હું ખાલી થઈ.
*
ઑક્સિજન સમ છે
આ તારો પ્રેમ
હું પણ બિમાર છું.
*
કલમ મારી આજે
ઉદાસ થઈ
કોરોનાના નામથી.
*
પીડા ઘણી થઈ છે
તારા વિયોગે
સારસ બની ગયો!
*
ફૂલો નથી ગમતાં
વીતી જિંદગી
પાનખરની સમી.
*
રાતભર જાગવું
કોઈની યાદે
ઘણું સરસ કામ.
ગૌતમ રાઠોડ
કવિ મુળ ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામના વતની. જવાહર નવોદય વિદ્યાલય, હરિયાણામાં શિક્ષક હોવાથી હરિયાણા રાજ્યમાં રહે છે. કવિ માનવ અધિકાર અને માનવ ગરિમાથી વંચિત એવા માનવ સમુદાયની વેદના, આક્રોશ અને ન્યાયની વાતને કવિતામાં વણી કવિતા થકી વાચા આપવા પ્રતિબદ્ધ થયા છે. ‘ખુદા ના મળ્યો’ અને ‘જીવતરની પીડ’ જેવા કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. નવા સાહિત્ય પ્રકાર એવા કાઈકુનું તેમણે સર્જન કર્યું છે. જેમાં ૫૦૦ થી વધારે કાઈકુનું સર્જન તેમણે કર્યું છે. તેમની રચનાઓ હયાતી, દલિતચેતના અને પત્ર પત્રિકાઓમાં પ્રકાશિત થતી રહે છે. તેમની રચનાઓની પંક્તિઓ….
“સપનાઓની આ કેવી અવદશા થઈ ‘ગૌતમ’
આંખ બંધ હતી ને સપનાઓ જાગી ગયા.”
“ક્યારેક વાદળ મળ્યું પછી ઝાકળ મળ્યું છે;
દુ:ખોનું ટોળું હંમેશા પાછળ મળ્યું છે.
હું એક એવો બદનશીબ યક્ષ મારા મિત્રો;
સંદેશો પાઠવવા જેને ના વાદળ મળ્યું છે.”
“ખંજરની બીક હવે ના બતાવશો દુઃશ્મનો;
હવે તો વેરમાં પણ મન લાગતું નથી.”
ગૌતમ રાઠોડ
કવિ પોતાની રચનાઓને ઓર એસ્થેટિક બનાવે એવી શુભેચ્છાઓ….