Homeગુજરાતરાજકોટમોનિટરિંગ સેલના દરોડા બાદ પડધરી પોલીસ સફાળી જાગી બીજું ગેસ ચોરીનું કારસ્તાન...

મોનિટરિંગ સેલના દરોડા બાદ પડધરી પોલીસ સફાળી જાગી બીજું ગેસ ચોરીનું કારસ્તાન ઝડપી પાડ્યું

-

પડધરી : રાજકોટ ગ્રામ્યના પડધરી પોલીસ સ્ટેશનની હદમાં તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો કરી ગેસ ચોરીનું કારસ્તાન ઝડપી પાડ્યું હતું. બાદમાં સફાળા બેઠા થયેલા પડધરી પોલીસ સ્ટેશનના સ્ટાફે આજે વધુ એક ગેસ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે.

રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશનના સ્ટાફે ગતરોજ બાતમીના આધારે જામનગર રોડ પર પડધરી પાસે આવેલી આઈશ્રી ખોડિયાર હોટલ અને રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડમાં પડેલા ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે. પોલીસે દરોડો કર્યો ત્યારે ગેસના બાટલા ભરેલી રિક્ષા ટેન્કરની બાજુમાં પડી હતી. પોલીસે તપાસ કરતા ટેન્કરમાંથી ગેસ લીકેજ થતો હતો. પડધરી પોલીસે તાકીદે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરી ફાયર બ્રિગેડને ઘટના સ્થળે બોલાવી લીધી હતી.

પોલીસએ આ મામલે હોટલના માલિક સુનિલ ધનારામ બિસ્નોઈની અટક કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં ખુલવા પામ્યું કે રાજકોટ-જામનગર હાઈવે પર ગેસ ટેન્કરના ચાલકો તેમની હોટલ પર જમવા માટે રોકાતા હોય છે. દરમિયાન તેઓ ટેન્કર ચાલકનો સંપર્ક કરી ટેન્કરમાંથી ગેસ કોમર્શિયલ ગેસના બાટલામાં રિફિલ કરી લેતા હતા.

પોલીસે આરોપીની કબુલાતને આધારે ગુનો દાખલ કરી સ્થળ પરથી ગેસનું ટેન્કર અને બોલેરો પીકઅપ તેમજ રિક્ષા અને ગેસના 33 બાટલા સહિત રૂપિયા 49 લાખ 45 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ પડધરી નજીકની સમરાથલ હોટલના ગ્રાઉન્ડમાં 5 દિવસથી ગેસનું રિફિલિંગ કરી ચોરીનું કામ ચાલી રહ્યું હતું.

Must Read