Paddhari News રાજકોટ : રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામની પ્રાથમિક શાળામાં ૨૩ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા મીનાબેન કપૂરિયાએ નવેમ્બર ૨૦૨૧માં વારાણસીમાં યોજાયેલી ત્રીજી નેશનલ માસ્ટર એથ્લેટીક ચેમ્પયનશીપ (National Master Athletic Championship)માં ગોળાફેંક અને ચક્રફેક સ્પર્ધામાં રજત ચંદ્રક પ૦ પ્લસના એઈજ ગ્રુપમાં મેળવ્યો હતો. જે માટે રાજય સરકાર દ્વારા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પણ મીનાબેનનું શાળા પ્રવેશોત્સવ દરમિયાન સન્માન કર્યું હતું.
ગ્રામીણ વિસ્તારની શાળાના આચાર્ય તરીકે અતિ વ્યસ્ત રહેતા હોવા છતાં મીનાબેન તેમના રમતગમતના શોખને વર્ષોથી માણી રહયા છે. ને વિદ્યાર્થીઓને પણ રમતગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતાં રહે છે. તેઓ કહે છે, કે માનવી તેના શોખને કોઇ પણ ઉંમરે પૂરો કરી શકે છે, બસ તેને તેના ઉદેશની દિશામાં મહેનત કરતા રહેવું જોઇએ.

જૂનાગઢ ખેલ કુદ મંડળ દ્વારા રાજયકક્ષાએ વિજેતા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાએ લઇ જવા માટેનું આયોજન થયું હતું. આચાર્ય એવા મીનાબેનના પતિ પી.ટી.સી. ટીચર છે એટલે સ્વાભાવિક જ તેમને રમત ગમતની પ્રવૃત્તિઓમાં રસ હોય જ. તેઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને પણ તેઓ દર વર્ષે ખેલ મહાકુંભમાં રમવા માટે જિલ્લા અને રાજયકક્ષાએ મોકલતા હોય છે. તેમની શાળાના વિદ્યાર્થીઓ બે વાર દોડ સ્પર્ધામાં અને બહેનોની ટીમ કબડ્ડી સ્પર્ધામાં બે વખત રાજયકક્ષાએ ભાગ લઇ ચૂકયા છે.

મીનાબેન કહે છે કે, ખેલમહાકુંભ જયારથી યોજાય છે ત્યારથી હું શિક્ષકો માટેની સ્પર્ધાઓમાં ભાગ લેતી રહુ છુ. ખેલ મહાકુંભ શિક્ષકો માટે રાજયકક્ષા સુધી જ સિમિત છે. રાજયકક્ષાએ પણ એક વખત હું બીજા ક્રમે ગોળા ફેંક-ચક્ર ફેંક સ્પર્ધામાં વિજેતા રહી છું. રાજય સરકાર દ્વારા રમતગમત અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે યોજાતા ખેલમહાકુંભથી અનેક ખેલાડીઓને બહુમુલુ પ્લેટફોર્મ પૂરું પડયુ છે.
(સંકલન: પારૂલ આડેસરા માહિતી વિભાગ રાજકોટ)
વધુ વાંચો– વિડીયો- સુરત ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન પાર પાડી આરોપી ઝડપી પાડ્યા
વધુ વાંચો– ઈ-મેમો મામલે NSUIની રાજકોટમાં ‘બોજમુક્ત રાજકોટ’ સાયકલ યાત્રા, આગેવાનો અને કાર્યકરોની અટકાયત