Homeગુજરાતરાજકોટમગફળીનું વાવેતર કરનાર ખેડૂતો જોગ સમાચાર

મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો જોગ સમાચાર

-

Peanuts Farmers and agriculture news in Gujarati at Satyamanthan.

રાજકોટ, તા. ૧૭ ઓગષ્ટ: સૌરાષ્ટ્રના રોકડીયા પાકોમાં મગફળીના પાકનું આગવું સ્થાન છે. હાલમાં રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં મગફળીના પાકમાં રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટીઓવાળી લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળેલ છે. આવી ઈયળો કુમળા પાન અને નાની ડૂંખો ખાય છે.

ઉપદ્રવ વધુ હોય તો છોડના પાન ખવાઇ જવાથી છોડ ઝાંખરા જેવો થઈ જાય છે તેથી નવી કુંપળો ફૂટતી નથી. આવી પરિસ્થિતિના નિર્માણના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે છે.

મગફળીના પાકમાં થતી લીલી ઈયળોના નિયંત્રણ માટે ખેડૂતોએ ઉનાળામાં ઊંડી ખેડ કરવી, પાકની વચ્ચે છુટાછવાયા ગલગોટાનુ વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ફૂદી પીળા ફૂલ તરફ આકર્ષાઇને ત્યાં ઈંડા મુકે છે, નર ફૂદાને આકર્ષવા ૧૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટર ગોઠવવા, પુખ્ત પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રી દરમ્યાન પ્રકાશ પિંજરા ગોઠવી આકર્ષાયેલા પુખ્તને ભેગા કરી નાશ કરવો, લીમડાનું તેલ ૪૦ મિ.લિ. અથવા લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ઉભા પાકમા લીલી ઇયળનુ એન.પી.વી. ૨૫૦ એલ.ઇ. પ્રતિ હેક્ટરે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી છંટકાવ કરવો, બેસીલસ થુરીજીએન્સીસ નામનો જીવાણુયુકત પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, પક્ષીના ટેકા હેક્ટર દીઠ ૫૦ની સંખ્યામા મુકવા, કાર્બારીલ ૦.૨% ૪૦ ગ્રામ ,એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Must Read