સુરેન્દ્રનગર : થાનગઢ-પાંચાળ સીરામીક એસોસિએશનની જનરલ બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગેસનો ભાવ વધારો અને વધતા રો મટિરિયલના ભાવ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ એસોસિએશને એક મહિનાનું લાંબુ વેકેશન લેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે વાંકાનેર, મુળી, થાન અને મોરબીના 40 હજાર જેટલા રોજમદારો પર સીધી અસર થાય તેવી વકી છે.
થાનગઢ પાંચાળ સીરામીક એસોસિએશન દ્વારા 300 કરતા વધારે સિરામિક ઉદ્યોગના કારખાના સંકળાયેલા હોવાનું જણાવાય છે. એસોસિએશને આજરોજ એક મહિનાના વેકેશનના નિર્ણયની જાહેરાત કરતા મજૂર વર્ગ પર સંકટના વાદળ ઘેરાયા છે. વરસાદને કારણે સામાન્ય રીતે સિરામિક ઉદ્યોગને અસર પહોંચતી હોય છે ત્યારે હવે વેકેશન જાહેર થતા મજૂરોના આગામી તહેવારો બગડે તેવી સ્થિતી થઈ શકે છે.

એસોસિએશનની જનરલ બેઠકમાં ગેસના વધતા ભાવનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો. જેમાં ચર્ચા થઈ હતી કે વર્ષ 2005માં 13 રૂપિયાનો ગેસ હતો તે આજે 2022ના વર્ષે 106 રૂપિયા પહોંચી ગયો છે. સરકારમાં અનેક રજૂઆતો છતાં ગેસના વધતા ભાવ મુદ્દે કોઈ નિરાકરણ થતું નથી. આમ લાંબુ વેકેશન જાહેર કરી ફેક્ટરી માલિકો વિચરવા માટે સમય લેતા હોય તેમ જણાય છે. વળી આગામી સમયમાં જન્માષ્ટમીના તહેવારો પણ આવી રહ્યાં છે ત્યારે મજૂરો રજા લેતા હોય છે. માટે ફેક્ટરીને રજા જેવો માહોલ આવવાનો જ હતો તે પહેલા જ લાંબા વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે.
આ લાંબા વેકેશનથી ફેક્ટરી માલિકોને ખાસ ફર્ક પડશે કે નહીં તે સવાલ વચ્ચે મોટો સવાલ પેદા થાય છે કે ગરીબ મજૂરોને તહેવાર ટાણે કફોડી સ્થિતી આવશે કે કેમ ?
પાંચાળ સીરામીક એસોસિએશન (Thangadh Panchal Ceramic Association)ના પ્રમુખ સુરેશભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે, ગેસની કટોકટી અને ઉંચા ભાવ વચ્ચે ઉધોગમાં તેજી નથી. હાલ સીરામીક ઉધોગમાં તેજી નથી બીજું ગેસની કટોકટીમાંથી અમે માંડ બહાર નીકળ્યા પણ ભાવ તો હજી ઊંચા જ છે. માટે થોડો સમય ફેકટરી બંધ કરી નવું વિચારીશું.જેથી જુના સ્ટોક ક્લીયર કરવાનો સમય મળે અને ગેસનો ભાવ વધારો અને પ્રોડક્શન ખર્ચ વધારો કેમ ઓછો કરી શકાય તે અંગે વિચારીશું.
Read More: Morbi News Update