Homeગુજરાતમોરબીજુગારનો બોગસ કેસ કર્યાનો મોરબી એ ડિવિઝન પીઆઈ પર આક્ષેપ કરતા ધારાસભ્ય...

જુગારનો બોગસ કેસ કર્યાનો મોરબી એ ડિવિઝન પીઆઈ પર આક્ષેપ કરતા ધારાસભ્ય કગથરા

-

મોરબી સમાચાર : મોરબી (Morbi)ના રાજપર રોડ પર સપ્તાહ પહેલા સિટી એલ્યુમિનિયમ નામના કારખાનામાં જુગાર રમવા સબબ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન કરેલી કાર્યવાહીમાં રૂપિયા 28 લાખો મુદ્દામાલ પણ કબ્જે લેવાયો હતો. પરંતુ આ કાર્યવાહીમાં એ ડિવિઝનના પીઆઈ પર સાત દિવસ બાદ આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં આ ફરિયાદ ખોટી હોવાના દાવા સાતે ઉચ્ચ અધિકારી પાસે તટસ્થ તપાસ કરવા માગણી કરવામાં આવી છે.

ધારાસભ્ય કગથરા (Lalit Kagathara)એ આક્ષેપ કર્યો છે કે, તારીખ 24 જૂલાઈના રોજ સાંજે 7 કલાક અને 15 મીનીટે મહેશભાઈ બાલજીભાઈ ચનીયારા અને કિશોરભાઈ છગનભાઈ ચનીયારાને જુગારના આરોપ લગાવી પકડી ચાર પોલીસકર્મીઓ દ્વારા બંનેને ગાડી લઈ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં પી.આઈ. પંડ્યા એ બંનેને ઢોર માર મારી અન્ય ચાર મિત્રો નીલેશભાઈ દેવકરણભાઈ સંઘાણી, નીલેશભાઈ કેશવજીભાઇ ચનીયારા, નીલેશભાઈ ચંદુભાઈ ભીમાણી અને રમેશભાઈ શીવાભાઈ વડનગરાને ફોન કર્યો હતો.

મહેશભાઈ ચનીયારાનો ફોન આવતા નિલેશભાઈ સંઘાણી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા જ્યારે એક મિત્ર નીલેશભાઈ ચનીયારા કે જેઓ શનાળા બાયપાસ પાસે ભાણેજના જન્મદિવની ઉજવણીમાં હતા ત્યાંથી પોલીસે અને નીલેશભાઈ ભીમાણીને જીઆઈડીસીના નાકા પાસેથી બેસાડી લઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હત।.

બાદમાં આરોપી રમેશભાઈ વડનગરા પોતાના ઘરે હોય તેને પોલીસ સ્ટાફે રવાપર રોડ પર બોલાવી ત્યાંથી સાથે લઈ લીધા હતા. બાદમાં સિટી સ્ટીલ એન્ડ એલ્યુમીનીયમ કારખાના પર લઈ જઈ ત્યાં ઘમરી આપી પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું અને કિશોરભાઈની કારમાં રહેલા 3 લાખ જપ્ત કર્યા હતા. બાદમાં આરોપીઓને રૂપિયા 6 લાખની વ્યવસ્થા કરવા દબાણ કરતા તેમણે શૈલેષભાઈ ભાલજીભાઈ ચનીયારા રૂપિયા લઈ આપી ગયા હતા. રાત્રિના 11 વાગ્યા આસપાસ પોલીસે આરોપીઓને ધમકી આપી દબાણવશ કરી જુગાર રમવા મજબૂર કરી નાટકીય રીતે વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરી હતી. બાદમાં આરોપી જુગાર ક્લબ ચલાવતા હોય તેવી કહાની બતાવી ગુનો દાખલ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

ઘારાસભ્યની માગણી છે કે પોલીસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તેમજ યુવાનોના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ મેળવી ઉંડી તપાસ કરે તો આ નાટકીય કેસનો પર્દાફાશ થઈ સત્ય સામે આવી શકે છે. દરમિયાન આરોપીઓને પી.આઈ. પંડ્યા મારફતે ધમકી આપી કેસ બાબતે કોઈ ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરશે તો બીજા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તમામ વ્યક્તિઓને બોલાવીને એ ડિવિઝન પોલીસે દરોડાની કહાની ઉભી કરી છે. જેના કારણે એ ડિવિઝન પોલીસની ભૂમિકા સવાલ પેદા થયા છે. લલીત કગથરાએ આ કેસમાં ઉંડી તપાસ કરી સત્ય સામે લાવવા માટે માગણ કરી છે. આક્ષેપોમાં કેટલું તથ્ય અને શું સત્ય સામે આવે છે તે તપાસ બાદ જ કહી શકાય તેમ છે. હાલ આ તપાસ રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશીને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીના રાજપર રોડ પરથી ગોડાઉનમાંથી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં જ પકડી પાડ્યો હતો. આ મામલે રાજ્ય પોલીસ વડાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે પોલીસ સબ ઈન્સપેક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે પીઆઈ મયંક પંડ્યા પર ધારસભ્યના ગંભીર આક્ષેપોને કારણે નગરમાં ચકચાર મચી ગઈ છે.

Must Read