Maharashtra Politics Live મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોએ બળવો કરતા અનેક અટકળો શરૂ થઈ હતી. દરમિયાન ગઈકાલે સુપ્રીમ કોર્ટના આદેશના તુરંત બાદ અને ફ્લોર ટેસ્ટ પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ધરી દીધું હતું. ત્યારે હવે નવી સરકારને લઈ અટકળો અને અનુમાન શરૂ થયા છે. જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરીથી ભાજપના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવી શકે છે. જો આવું થાય તો મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે જોવા મળી શકે છે.
તમામ અટકળો વચ્ચે શિંદે જૂથના પ્રવક્તા દિપક કેસરકરે નિવેદન આપ્યું હતું કે, એકનાથ શિંદે આજે મુંબઈ જઈ રહ્યાં ચે. જેના કારણે વહેલી તકે દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી મોટા નિર્ણયની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે કેસરકરે કહ્યું કે, અમારે કોંગ્રેસ અને એન.સી.પી. સામે લડતા સમયે અમારા જ નેતા સાથ લડવું પડ્યું. ભાજપ અમારો મૂળ સહયોગી પક્ષ છે તે અમે કહેતા આવ્યા છીએ, અમે તો સાથે ચૂંટણી પણ લડી છે.
બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, સરકારની રચનાને લઈ “કેટલા અને કયા મંત્રી પદો હશે” તે મામલે ભાજપ સાથે ચર્ચા થઈ નથી. પણ આ અંગે ટૂંક સમયમાં જ ચર્ચા કરવામાં આવશે. સાથે જ શિંદે એ ટ્વિટ કરી જણાવ્યું કે, આ બાબતો પર ચર્ચા કરવામાં આવશે, ત્યાં સુધી કૃપા કરીને મંત્રીની યાદી કે તેવી કોઈ અફવા પર ભરોસો કરવો નહીં.
નોંધનીય છે કે, ગતરોજ રાત્રીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા સમયે જ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ સંખ્યાની રમતમાં પડવા માંગતા નથી. સાથે જ ઉદ્ધવે સોનિયા ગાંધી અને શરદ પવારનું નામ લઈ આભાર પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિવસેના, કોંગ્રેસ અને એન.સી.પી. ત્રણ પક્ષ મળી મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર ચલાવી રહ્યાં હતા.