Maharashtra political crisis LIVE updates ગુવાહાટી : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદેનું નિવેદન આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેઓ પાર્ટી છોડવાના નથી. એકનાથ શિંદેએ કહ્યું કે, તેઓ બાળાસાહેબ ઠાકરેના વારસાને આગળ વધારશે. શિવસેનાના મંત્રી એકનાથ શિંદે સાથે બળવાખોર ધારાસભ્યો સુરતથી આસામ પહોંચ્યા છે. ગુવાહાટી એરપોર્ટ (Guwahati)થી નીકળતી વખતે એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેમણે શિવસેના છોડી નથી, બાળાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જશે. જ્યારે એક ધારાસભ્ય અબ્દુલ સત્તારે મજાકમાં કહ્યું કે, તેઓ બિરયાની ખાવા આવ્યા છે.
એકનાથ શિંદે દાવો કરે છે કે, તેમને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે અને કુલ 46 ધારાસભ્યો તેમની સાથે છે. જ્યારે રાજ્યપાલને મળવાના સવાલ પર તેમણે કહ્યું કે આગળની રણનીતિ તેમની છે, અત્યારે કહી શકાય નહીં. તે જ સમયે, આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કેબિનેટની બેઠક યોજવાના (Uddhav Thackeray cabinet meeting)છે.
જણાવી દઈએ કે, મંગળવારે મોડી સાંજે શિવસેનાના બે નેતાઓ સુરતમાં શિંદેને મળ્યા હતા અને તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બંને નેતાઓની મુલાકાત બાદ એકનાથ શિંદેએ મિલિંદ નાર્વેકરના ફોન પરથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. આ વાતચીત લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન શિંદેએ ઉદ્ધવની પત્ની રશ્મિ ઠાકરે સાથે પણ વાતચીત કરી હતી.
શિંદેએ કહ્યું કે તેઓ પાર્ટીની ભલાઈ માટે આ પગલાં લઈ રહ્યા છે. અત્યાર સુધી તેણે કોઈ નિર્ણય લીધો નથી કે કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા નથી. સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિંદેને વિચાર કરીને પાછા આવવા કહ્યું છે. અત્યાર સુધી આ વાતચીતમાંથી કોઈ ઉકેલ આવ્યો નથી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, રાજ્યના એક વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નેતાએ મંગળવારે સાંજે કહ્યું કે તેમની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવાની સંભાવનાઓ શોધી રહી છે. દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની અગાઉની સરકારમાં મંત્રી રહેલા આ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “સત્તાનું સરળ ટ્રાન્સફર અમારી પ્રાથમિકતા છે.”