Live Gujarati News નવી દિલ્હી : તાજેતરમાં જ કેન્દ્ર સરકાર ચાર વર્ષની સેનાની નોકરીની તક આપતી અગ્નિ પથ યોજના જાહેર કરી હતી. આ યોજના જાહેર થતા કેટલાક મુદ્દાને લઈ બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન (Agneepath Scheme Protest) શરૂ થયા હતા. ત્યારે ગઈકાલે જ કેન્દ્ર સરકારે ભરતી માટેની લાયકાતમાં વય મર્યાદામાં વધારો કર્યાની જાહેરાત કરી હતી. છતાં પણ પ્રદર્શનો શાંત થવાનું નામ નથી લેતા અને વધારે હિંસક બન્યા છે. આજરોજ પ્રદર્શનકારીઓએ બિહારમાં ટ્રેન ફૂંકી મારી હતી. બીજી તરફ તેલંગણા (Telangana)ના સિકંદરાબાદ (Secunderabad)માં પણ રેલ્વે સ્ટેશનમાં આગ અને તોડફોડ કરવામાં આવી હતી. દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
આજરોજ વહેલી સવારે ઉત્તર પ્રદેશ UPના બલિયામાં સવારે 5 વાગ્યાથી જ વિરોધ પ્રદર્શન (Protest) શરૂ થઈ ગયા હતા. કેટલાક વાહનોના કારમાં કાચની તોડફોડ પણ કરવામાં આવી હતી. આંદોલન હિંસાત્મક બનતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ ફિરોઝાબાદમાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર 4 બસોમાં તોડફોડ કરીને જામ કરાવ્યો હતો.
હરિયાણા (Haryana)ના નારનૌલમાં પણ યુવાનોએ રસ્તા ચક્કાજામ કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એવામાં તેલંગણામાં આજરોજ તારીખ 17 જૂનના રેલ્વેસ્ટેશનમાં તોડફોડ આગચંપી થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હૈદરાબાદ L&T મેટ્રો રેલ લિમિટેડ હૈદરાબાદે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, શહેરમાં અમુક ગરબડના કારણે હૈદરાબાદ મેટ્રો રેલની ત્રણ લાઈનો આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે.