સંતાનમાં બે દિકરી અથવા એક દિકરી ધરાવતા દંપત્તિને સરકારી કામગીરીમાં પ્રાથમિકતા મળશે- જિલ્લા કલેક્ટર રચિત રાજ પ્રથમ તબક્કામાં શહેર જિલ્લામાં ૨૬૧૮ લાભાર્થીની પિન્ક કાર્ડ માટે પસંદગી
એહવાલ : શૈલેષ નાઘેરા જૂનાગઢ(JunagadhNews) તા.૭ જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા આજથી પિન્ક કાર્ડ યોજનાનો પ્રારંભ કરાયો છે. બેટી બચાઓ, બેટી પઢાઓને પ્રોત્સાહન આપવા સાથે મારી દિકરી મારૂ અભિમાન, મારૂ સ્વાભિમાન અને દિકરી વ્હાલનો દરિયો ને સાર્થક કરવા આ પિન્ક કાર્ડ યોજના શરૂ કરાઇ છે.
જૂનાગઢ પ્રાંત કચેરીથી આ યોજનાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર રચિત રાજે કહ્યુ કે, સંતાનમાં બે દિકરી અથવા એક દિકરી ધરાવતા દંપતિને સરકારી કામગીરીમા પ્રાથમિકતા આપવા પિન્ક કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. પંચાયત રેવન્યુ સહિત જિલ્લાની કચેરીઓમાં પિન્ક કાર્ડ ધરાવતા દંપત્તિને સરકારી કામગીરીમાં અગ્રતા અપાશે.

પ્રથમ તબક્કામાં જૂનાગઢ શહેરમાં એક હજાર અને ગ્રામીણ વિસ્તારમાં ૧૬૧૮ એમ કુલ ૨૬૧૮ દંપત્તિને આવરી લેવાયા છે. હજુ પણ જિલ્લામાં આવા લાભાર્થી બાકી હોય તેમણે સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક સાધી પિન્ક કાર્ડ મેળવી લેવાનું રહેશે. આજે કલેક્ટર રચિત રાજ, પ્રાંત અધિકારી અંકિત પન્નુ, વંથલી પ્રાંત અધિકારી હનુલ ચૌધરીના હસ્તે ૫૦ જેટલા પિન્ક કાર્ડનું સ્થળ પર વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જૂનાગઢ ગ્રામ્ય મામલતદાર શામળા, શહેર મામલતદાર અંટાળા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણી, તથા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના પ્રથમ નોરતે જ ગુડ ગવર્નન્સ અંતર્ગત નવીન પહેલના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા શરૂ કરાયેલ આ યોજનાથી જિલ્લામાં મહિલા સશક્તિકરણને વેગ મળશે.